
ધર્મ સંસદ: સશસ્ત્ર દળોના 5 પૂર્વ પ્રમુખોએ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીને લખી ચિઠ્ઠી
તાજેતરમાં હરિદ્વારમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામેલ કેટલાક વક્તાઓએ લઘુમતીઓની ટીકા કરી હતી. તેમના નરસંહાર માટે આહ્વાન કર્યું હતુ. ત્યારથી આ મામલાને લઈને રાજકારણ ચાલી રહ્યું હતું, પરંતુ હવે સશસ્ત્ર દળોના પાંચ ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ, નોકરિયાતો સહિત લગભગ 100 લોકોએ આ મામલે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યા છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે હરિદ્વારમાં 17 થી 19 ડિસેમ્બર દરમિયાન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સાધુઓ અને આગેવાનોએ પ્રવચનો આપ્યા હતા. આ દરમિયાન મુસ્લિમો અને લઘુમતીઓના નરસંહારની હાકલ કરવામાં આવી હતી, જેના કારણે અમને દુઃખ થયું છે. આ સિવાય ધર્મ સંસદમાં સતત ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત થતી રહી, જે યોગ્ય નથી. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે હિંસા માટે આવા આહ્વાનથી સમાજમાં આંતરિક રીતે વિસંગતતા પેદા થઈ શકે છે. આ સાથે તે બાહ્ય શક્તિઓ (દુશ્મનોને) પણ પ્રોત્સાહિત કરશે.
પત્ર લખનારાઓ અનુસાર, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)માં તમામ ધર્મના લોકો એકતામાં રહે છે. આવી સ્થિતિમાં આવા કોલની તેમના પર ખરાબ અસર પડશે. તેમજ અન્ય સમુદાય સામે હિંસા ઉશ્કેરવી એ સંસ્કારી સમાજના ધોરણોની વિરુદ્ધ છે. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેના વક્તાઓ તેમના નિવેદન પર અડગ છે.
સંત કાલીચરણની ધરપકડ
આ ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ છત્તીસગઢમાં સંત કાલીચરણ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી રાયપુર પોલીસ ખજુરાહો પહોંચી અને તેમની ધરપકડ કરી હતી. હવે તે બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. તે જ સમયે, હરિદ્વાર પોલીસે પણ આ મામલે કેસ નોંધ્યો છે, પરંતુ હજુ સુધી તેમાં કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી.