ગુજરાત ચૂંટણી પહેલા જ રાહુલના માથે અધ્યક્ષનો તાજ શા માટે?

Written By:
Subscribe to Oneindia News

રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જાહેર કરવાની ઔપચારિક પ્રક્રિયાની શરૂઆત થઇ ચૂકી છે. જો કે, આ પગલું ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામ પહેલા જ કરવાની તજવીજ શા માટે હાત ધરાઇ છે? કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી કે અન્ય કોઇની પસંદગી કરવા માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થઇ રહી હતી, પરંતુ આ માટેનું ઔપચારિક પગલું આ સમયે જ શા માટે ભરવામાં આવ્યું? વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષની ખુરશી સોંપવામાં આવે એવી પૂરી શક્યતા છે. આ શું માત્ર એક સંયોગ છે કે કોંગ્રેસની રણનીતિ?

રાહુલ ગાંધી બની રહ્યા છે બ્રાન્ડ

રાહુલ ગાંધી બની રહ્યા છે બ્રાન્ડ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર કાર્યક્રમોમાં રાહુલ ગાંધીનો જે અંદાજ જોવા મળ્યો, એ પછી ઘણાએ માન્યું કે રાહુલમાં ખાસું પરિવર્તન આવ્યું છે. યુવરાજમાંથી રાજનેતા તરીકે ધીરે-ધીરે ઉભરી રહેલા રાહુલ ગાંધીનું આ બદલાતું રૂપ જનતા અને મીડિયા બંનેએ જોયું છે. રાહુલ ગાંધીના પ્રચારના પરિણામે ગુજરાતમાં ભાજપ પણ સાવધાન થઇ ગયું છે. હવે પરિણામો બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો આ ઉત્સાહ ઠંડો ન પડી જાય એ માટે પરિણામો પહેલા જ ઉપાધ્યક્ષને અધ્યક્ષ બનાવવાની તૈયારી કોંગ્રેસે કરી હોય, એમ લાગી રહ્યું છે. કોંગ્રેસનું એક જૂથ માને છે કે, કોંગ્રેસ ચોક્કસ જ ગુજરાતમાં ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં છે અને રાહુલ ગાંધી અધ્યક્ષ બનતા કાર્યકર્તાઓનો ઉત્સાહ બમણો થશે, જેની અસર પણ ગુજરાત ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.

હીરો કે જવાબદાર નેતા?

હીરો કે જવાબદાર નેતા?

ગુજરાતમાં મતદાન પહેલા જ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની પ્રક્રિયા શરૂ કરીને કોંગ્રેસ રાહુલ ગાંધીને વધુ મજબૂત બનાવવા માંગે છે, જેથી મતદારોને પણ લોભાવી શકાય. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 22 વર્ષથી સત્તારૂઢ ભાજપનને ટક્કર આપવા માટેની યોજનાનો આ એક ભાગ પણ હોઇ શકે છે. ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ માટે પણ અત્યંત મહત્વની છે. પીએમ મોદી અને ભાજપના ગઢ મનાતા ગુજરાતમાં જ જો કોંગ્રેસ ભાજપને નબળું પાડી શકે, તો કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે 2019નો આગળનો રસ્તો ઘણો સરળ થઇ શકે છે. આથી ચૂંટણીના પરિણામો ભલે ગમે તે આવે, પરંતુ એ પહેલાં જ કોંગ્રેસે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદે બેસાડવાની તૈયારીઓ આરંભી છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણીના પરિણામો થોડા-ઘણા પણ કોંગ્રેસની તરફેણમાં આવ્યા તો રાહુલ ગાંધીને એનો પૂરો શ્રેય મળશે. બીજી બાજુ, જો ચૂંટણીના પરિણામો કોંગ્રેસની તરફેણમાં ન આવ્યા તો, એની પૂર્ણ જવાબદારી લેવાની તક રાહુલ ગાંધીને મળશે. આથી, રાહુલ ગાંધી પર ગેરજવાબદાર નેતાનું જે ટેગ લાગ્યું છે, એ નાબૂદ થશે.

રાહુલનો પરિપક્વ અંદાજ

રાહુલનો પરિપક્વ અંદાજ

ગુજરાતમાં ચૂંટણી પ્રચારો દરમિયાન રાહુલ ગાંધીની સભામાં જે ભીડ જોવા મળી છે, એ સાબિતી છે કે, રાહુલનો નવો પરિપક્વ અંદાજ લોકોને આકર્ષી રહ્યો છે. આથી કોંગ્રેસનું માનવું છે કે, હાલ રાજકારણની હવા રાહુલ ગાંધીના પક્ષમાં છે. ગુજરાતમાં રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસે જે રીતે જાતિવાદ અને નરમ હિંદુત્વની રમત રમી છે, એને કારણે પાર્ટીને ચૂંટણી પરિણામો પાસે ઘણી આશા છે. આ કારણે જ ગુજરાતની ચૂંટણી પાછલી તમામ ચૂંટણીઓ કરતા વધુ મહત્વપૂર્ણ બની છે અને સમગ્ર દેશની નજર રાજ્યની વિધાનસભા ચૂંટણી પર છે. રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતો અને પ્રચારને પરિણામે માત્ર રાહુલને જ નહીં, પરંતુ પક્ષને પણ ઘણું મહત્વ મળ્યું છે, રાજ્યમાં મૃતઃપાય થઇ ગયેલ કોંગ્રેસમાં જીવ પૂરાયો છે.

રાજકીય કારકીર્દિ

રાજકીય કારકીર્દિ

વર્ષ 2004માં અમેઠીથી લોકસભા ચૂંટણી જીતીને રાહુલ ગાંધીએ પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી, ત્યાર બાદ વર્ષ 2007માં તેમણે કોંગ્રેસ મહાસચિવ સંગઠનમાં જવાબદારી સંભાળી હતી. યુપીએની 10 વર્ષની સત્તા દરમિયાન અનેક વાર મનમોહન સિંહે તેમને પોતાના મંત્રી મંડળમાં સ્થાન લેવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ રાહુલે તેનો અસ્વીકાર કર્યો હતો. જાન્યુઆરી 2013માં જયપુરમાં રાહુલ ગાંધીને ઔપચારિક રીતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે વર્ષ 2017ના અંતમાં સોનિયા ગાંધી બાદ રાહુલ ગાંધી કોંગ્રેસની કમાન સંભાળનાર છે.

English summary
Rahul Gandhi as Congress president soon? Assessment says move will help party in Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.