રાહુલની કડક સૂચના : મોદી વિશે મંજૂરી વગર બોલવું નહીં
નવી દિલ્હી, 2 ઓગસ્ટ : લોકસભા ચૂંટણી 2014માં વિજય મેળવવાને લક્ષમાં રાખીને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પક્ષના પ્રવક્તાઓ માટે માર્ગદર્શિકા નક્કી કરી દીધી છે. આ માર્ગદર્શિકાઓ અનુસાર તેમણે પ્રવક્તાઓને કહ્યું છે કે તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂર્વ મંજૂરી વગર એક પણ શબ્દ ઉચ્ચરવો નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલે કહ્યું છે કે પક્ષે નિયુક્ત કરેલા પ્રવક્તાઓ જ મોદી વિશે બોલશે. તેમજ પ્રવક્તાઓએ પણ મોદીની કોઈ અંગત ટીકા કરવી નહીં, પણ માત્ર એમના વિકાસના દાવા ઉપર જ પ્રહારો કરવા.

રાહુલે કહ્યું છે કે ટીવી ચેટ શૉમાં હાજરી આપવા માટે પ્રવક્તાઓએ પાર્ટીની અગાઉથી પરવાનગી લેવાની રહેશે. જો કોઈ પ્રવક્તા પાર્ટીના નિયમનું ઉલ્લંઘન કરીને કે પરવાનગી વગર કોઈની વિરુદ્ધ બોલશે તો આંતરિક તપાસ કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓએ મોદીની સરકાર ઉપર દબાણ ઊભું કરવા પર ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
રાહુલ ગાંધીએ આ માર્ગદર્શિકા કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રચાર દરમિયાન કરવામાં આવતા બફાટ અને તેના કારણે ઉભા થતા વિવાદને ટાળવા માટે તૈયાર કરીને આપી છે. નોંધનીય છે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા મોદી અંગે કરવામાં આવતી નકારાત્મક ટિપ્પણીઓને નરેન્દ્ર મોદી પોતાની તરફેણમાં ફેરવીને કોંગ્રેસાના નેતાઓ પર વળતો પ્રહાર કરવાની સાથે લોકોની સહાનુભૂતિ પણ મેળવી લેવામાં માહેર છે.












Click it and Unblock the Notifications
