બિહારમાં જેડીયૂ સરકારનું સમર્થન કરશે આરજેડી
પટણા, 22 મે: બિહારમાં જીતન રામ માંઝીની નવી સરકારે વિશ્વાસમત પ્રાપ્ત કરવા માટે 23 મેના રોજ બિહાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન લાલૂ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ ગુરૂવારે બિહારમાં જીતન રામ માંઝીની નવી જેડીયૂ સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
આ ઘટનાક્રમને નરેન્દ્ર મોદીની લહેરની અસર કહો કે તથાકથિત ધર્મનિરપેક્ષ તાકતોની ગોલબંદી, લગભગ વીસ વર્ષ બાદ એકબીજાના ધુર વિરોધી નેતા નીતિશ કુમાર અને લાલૂ પ્રસાદ યાદવ ફરી સાથે આવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં આકરી હારને જોતાં નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દિધું હતું. ત્યારબાદ જેડીયૂના જીતન રામ માંઝી બિહારના નવા મુખ્યમંત્રી બન્યા. અત્યારે વિધાનસભામાં જેડીયૂ સરકાર અલ્પમતમાં છે અને અત્યાર સુધી વિપક્ષી પાર્ટીની જવાબદારી નિભાવી રહેલી આરજેડી વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ દરમિયાન જેડીયૂને શરત વિના સમર્થન કરશે.
શુકરવારે બિહાર વિધાનસભામાં નવા મુખ્યમંત્રી જીતન રામ માંઝીને વિશ્વાસ મત પ્રાપ્ત કરવાનો છે. 243 સભ્યોવાળી બિહાર વિધાનસભામાં અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરશે. હવે આરજેડીના 21 ધારાસભ્ય પણ જેડીયૂની સાથે છે.
બીજી તરફ લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે સાંપ્રદાયિક તાકતોને સત્તાથી બહાર રાખવા માટે તેમણે આ નિર્ણય કર્યો છે. આ અવસરવાદ નહી પરંતુ ભાજપ સાથે લડવાનો સંકલ્પ છે. શું આ સંકલ્પ બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં પણ ચાલુ રહેશે આ પ્રશ્ન પર લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે જુઓ અને રાહ જુઓ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 16 જૂનના રોજ જેડીયૂ ભાજપ સાથે સંબંધ તોડી દેતાં 19 જૂનના રોજ બિહાર વિધાનસભામાં નીતિશ સરકારના વિશ્વાસ મત પ્રાપ્ત કરતી વખતે કોંગ્રેસ ધારાસભ્યોએ જેડીયૂ સરકારનું સમર્થન કર્યું હતું અને તેમના તે ચાર ધારાસભ્યોએ ફરી રાજ્યપાલ ડૉ. ડીવાઇ પાટિલને માંઝી સરકારને બિનશરતી સમર્થન આપવા માટે પત્ર સોંપી દિધો. 237 સભ્યોવાળી બિહાર વિધાનસભામાં ભાજપના 88 ધારાસભ્ય અને આરજેડીના 21 ધારાસભ્ય છે.