
રૂપિયો ઐતિહાસિક સપાટીએ તુટ્યો, પહેલી વખત 83 નીચે!
નવી દિલ્હી : ડોલર સામે રૂપિયો ઐતિહાસિક સપાટીએ ગગડી રહ્યો છે. બુધવાપ રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ પહેલી વખત છે કે જ્યારે રૂપિયો 83 રૂપિયાની નીચે પહોંચ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય રૂપિયો ડોલર સામે 61 પૈસા ઘટીને 83 રૂપિયાની નજીક પહોંચ્યો હતો. બુધવારે રૂપિયો ડોલરના મુકાબલે 83.02ના રેકોર્ડ ભાવે પહોંચ્યો હતો.
વર્ષ 2010માં ડોલર સામે ભારતીય રૂપિયો 50 રૂપિયાની નજીક હતો, જ્યારે 12 વર્ષ બાદ તેમાં 65 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સતત ઘટી રહેલા રૂપિયાએ મુશ્કેલીઓ વધારી દીધી છે. આ ઘટાડો ક્યાં સુધી અટકશે તેની આગાહી કરવી મુશ્કેલ બની ગઈ છે. વિશ્વભરમાં મંદીની આશંકા વચ્ચે ઇક્વિટી માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસર ભારતીય રૂપિયા પર જોવા મળી રહી છે.
ડોલર સામે ભારતીય રૂપિયાના અવમૂલ્યનની અસર ભારતીય અર્થતંત્ર પર પડી છે. રૂપિયાના સતત ઘસારાને કારણે ભારતીય ઓઈલ કંપનીઓએ ક્રૂડ ઓઈલ ખરીદવા માટે વધુ ડોલર ચૂકવવા પડે છે. આયાત પર વધુ ખર્ચ થવાને કારણે વસ્તુઓ મોંઘી થઈ જાય છે. ખાદ્ય તેલ ઉપરાંત ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને આયાત કરવામાં આવતી તમામ ચીજોની કિંમતો વધવા લાગે છે. વિદેશમાં અભ્યાસ કરતા લોકોના ખર્ચમાં વધારો થાય છે.