
આજે સુરક્ષિત માતૃત્વ દિન: ભારતમાં 66% ગર્ભપાત અસુરક્ષિત
અમદાવાદ, 11 એપ્રિલ : આજે ભારતમાં સુરક્ષિત માતૃત્વ દિવસ એટલે કે સેફ મધરહૂડ ડેની ઉજવણી થઇ રહી છે. આ ઉજવણીનો હેતુ મહિલાઓની ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકને જન્મ આપ્યા બાદ સુરક્ષા કરવામાં આવે જેના કારણે બાળમૃત્યુ અને માતામૃત્યુનું પ્રમાણ ઘટે. આમ છતાં આજે પણ દેશમાં થઇ રહેલા 66 ટકા ગર્ભપાત અસુરક્ષિત રીતે કરવામાં આવે છે તે દુખદ બાબત છે.
ભારતમાં બિન સુરક્ષિત ગર્ભપાતના કિસ્સામાં ધણા પગલાં લેવામાં આવ્યા હોવા છતાં વધારો થયો છે. દેશમાં વર્ષ 2008માં 6.5 મિલિયન ગર્ભપાત થયા હતા જે પૈકી 66 ટકા અથવા તો બે તૃતીયાંશ જેટલા ગર્ભપાત અસુરક્ષિત હતા. આ અહેવાલથી ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને આરોગ્યના ક્ષેત્રમાં દેશનું નિરાશાજનક ચિત્ર સપાટી ઉપર આવ્યું છે.
દક્ષિણ અને મધ્ય એશિયામાં જે ગર્ભપાત થાય છે જે પૈકી ભારતમાં થતાં ગર્ભપાતની ભૂમિકા મોટી છે. દક્ષિણ અને મધ્ય એશિયામાં 10.5 મિલિયન ગર્ભપાત થયા હતા જે પૈકી 6.5 મિલિયન ગર્ભપાત ભારતમાં થયા હતા.
આ ભારતમાં દરેક એક લાખ ગર્ભપાત પૈકી 200 મહિલાઓના ગર્ભપાત દરમિયાન જ મોત થઈ જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા વૈશ્વિક આંકડામાં આ મુજબનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશરે ન્યૂયોર્ક સ્થિત સંસ્થા સાથે મળીને આંકડા જારી કર્યા છે.
મેડીકલ જર્નલમાં લેન્સેટ નામથી પ્રકાશિત આંકડામાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2003ની સરખામણીમાં વર્ષ 2008માં 2.2 મિલિયન વધુ ગર્ભપાત થયા હતા. વર્ષ 2008માં ગર્ભપાતનો આંકડો 43.8 મિલિયન હતો જ્યારે વર્ષ 2003માં આ આંકડો 41.6 મિલિયનની આસપાસ હતો. વૈશ્વિક રીતે ગર્ભપાતનો દર પ્રતિ એક હજાર મહિલામાં 28ની આસપાસ છે જે વર્ષ 2003 બાદથી બદલાયો નથી. અસુરક્ષિત ગર્ભપાતની ટકાવારીમાં ઉલ્લેખનીય વધારો થયો છે.
વર્ષ 1995માં આવા ગર્ભપાતનો દર 44 ટકા હતો જે વર્ષ 2008માં વધીને 49 ટકા થઈ ગયો છે. વિકાસશીલ દેશોમાં ગર્ભપાત 1995માં 78 ટકા હતો જે 2008માં વધીને 86 ટકા થયો છે. વિકસિત દેશોમાં વર્ષ 2003 બાદથી ગર્ભપાતની સંખ્યામાં 0.6 મિલિયનનો ધટાડો થયો છે જ્યારે વિકાસશીલ દેશોમાં ગર્ભપાતની સંખ્યામાં 2.8 મિલિયનનો વધારો થયો છે.
ગર્ભપાત ભારતમાં કાયદેસર છે અને ર્સવિસ અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ખૂબ સારી છે પરંતુ કેટલાક કારણસર મહિલાઓ બિનસુરક્ષિત ગર્ભપાત તરફ વધે છે જેને લીધે ધાતક સાબિત થાય છે. ભારતમાં પ્રતિ એક લાખ ગર્ભપાતમાં 200 મહિલાઓના મોત માટે જે કારણ છે તેમાં ધણા કારણો જવાબદાર છે.
દેશમાં પરિવાર નિયોજન કાર્યક્રમના ભાગરૂપે હજુ પણ જનજાગળતિ વધારવાની જરૂર છે. દક્ષિણ અને મધ્ય એશિયાના દેશોમાં તમામ પ્રસુતિના મોતમાં 13 ટકાનો આંકડો બિનસુરક્ષિત ગર્ભપાત છે. ડબલ્યુએચઓ દ્વારા બિનસુરક્ષિત ગર્ભપાત માટે ખાસ પરિભાષા નક્કી કરવામાં આવી છે. આના મુજબ બિનકુશળ વ્યક્તિગતો દ્વારા આ ઓપરેશન કરવામાં આવે છે.
ભારતમાં એબોર્શન અંગેની હકીકતો
- ભારતમાં આડેધડ બિનસુરક્ષિત ગર્ભપાતના કિસ્સામાં વધારો
- દેશમાં વર્ષ 2008માં 6.5 મિલિયન ગર્ભપાત થયા જે પૈકી 66 ટકા અથવા તો બે તળતીયાંશ ગર્ભપાત બિનસુરક્ષિત
- દક્ષિણ અને મધ્ય એશિયામાં કુલ 10.5 મિલિયન ગર્ભપાત થયા
- પ્રતિ એક લાખ ગર્ભપાતમાં 200 મહિલાઓના મોત
- ડબલ્યુએચઓના આંકડા ચિતાંજનક
- વૈશ્વિક રીતે ગર્ભપાતનો દર પ્રતિ 1000 મહિલામાં 28 છે
- 2003 બાદથી ગર્ભપાતના રેટમાં ફેરફાર થયો નથી
- વિકાસશીલ વિશ્વમાં ગર્ભપાતમાં ઉલ્લેખનીય વધારો
- 1995માં આંકડો 78 ટકા હતો જે 2008માં વધીને 86 ટકા થયો
- 2003 બાદથી વિકસીત દેશોમાં ગર્ભપાતની સંખ્યામાં 0.6 મિલિયનનો ધટાડો થયો છે પરંતુ વિકાસશીલ દેશોમાં 2.8 મિલિયનનો વધારો
- ભારતમાં ગર્ભપાત કાયદેસર છે