આયુષ જાહેરાતો પરનો પ્રતિબંધ સમાપ્ત, સુપ્રીમ કોર્ટે IMAની અરજીનો નિકાલ કર્યો
સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દાખલ કરવામાં આવેલી એક લાંબા સમયથી ચાલતી અરજીનો નિકાલ કર્યો છે.
આ નિર્ણય સાથે પરંપરાગત દવાઓની જાહેરાતો માટે રાજ્યની પૂર્વ મંજૂરી મેળવવાની જરૂરિયાત પણ સમાપ્ત થઈ ગઈ છે. આ ચુકાદો આયુષ (AYUSH) કંપનીઓ માટે એક મોટી રાહત છે. હવે તે ફરજિયાત પૂર્વ મંજૂરી વિના તેમની જાહેરાતો પ્રસારિત કરી શકશે.

IMA એ પતંજલિ આયુર્વેદ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે પતંજલિ તેની પ્રોડક્ટ્સ વિશે ખોટા અને અતિશયોક્તિભર્યા દાવાઓ કરે છે અને આધુનિક દવાઓને નીચી દેખાડે છે.
આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ભ્રામક જાહેરાતો સામે કાર્યવાહી કરવામાં સત્તાવાળાઓની નિષ્ફળતા પર પણ સવાલો ઉઠાવ્યા. એક તબક્કે કોર્ટે પતંજલિના બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી પણ શરૂ કરી હતી, જે બાદમાં તેમના જાહેરમાં માફી માંગ્યા બાદ બંધ કરી દેવામાં આવી હતી.
આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે આયુષ મંત્રાલયે 1 જુલાઈ 2024ના રોજ ડ્રગ્સ અને કોસ્મેટિક્સ નિયમો 1945 માંથી નિયમ 170 ને હટાવી દીધો. આ નિયમ હેઠળ આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની દવાઓની જાહેરાત કરતા પહેલા રાજ્ય સ્તરની મંજૂરી લેવી ફરજિયાત હતી.
આ નિયમનો હેતુ અતિશયોક્તિપૂર્ણ અને ખોટા આરોગ્ય દાવાઓને રોકવાનો હતો. જો કે, ઓગસ્ટ 2024માં એક અલગ સુપ્રીમ કોર્ટની બેંચે આ નિયમ હટાવવાના નિર્ણય પર સ્ટે મૂકી દીધો હતો, જેના કારણે જાહેરાતો માટે પૂર્વ મંજૂરીની જરૂરિયાત ફરી ચાલુ રહી હતી.
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્ના અને કે.વી. વિશ્વનાથનની બેંચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
એમિકસ ક્યુરી શાદન ફરાસતે ધ્યાન દોર્યું કે કેટલાક રાજ્યો નિયમ 170 હટાવી દેવા છતાં તેને લાગુ કરી રહ્યા છે. જસ્ટિસ વિશ્વનાથને કેન્દ્ર દ્વારા હટાવવામાં આવેલા નિયમને લાગુ કરવાની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે હાલના કાયદાઓ અને સેલ્ફ-રેગ્યુલેશનના નિયમો પૂરતા છે, તેથી આ નિયમની હવે જરૂર નથી. જસ્ટિસ નાગરત્નાએ ઉમેર્યું કે જો આયુષ ઉત્પાદનો બનાવવાની મંજૂરી હોય તો તેની જાહેરાત કરવી એ એક કુદરતી વ્યવસાયિક પ્રથા છે.
આખરે બેંચે એવું માનીને અરજીનો નિકાલ કર્યો કે IMAની ચિંતાઓનું નિવારણ આવી ગયું છે અને હવે વધુ કોઈ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી. કોર્ટે ઓગસ્ટ 2024ના સ્ટેને પણ હટાવી દીધો.
જો કોઈ પક્ષકાર નિયમ 170 હટાવવાના નિર્ણયને પડકારવા માંગે તો તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે. આ નિર્ણય આયુષ ઉદ્યોગ માટે એક નવો માર્ગ ખોલશે અને તેમની માર્કેટિંગ પ્રવૃત્તિઓને વેગ આપશે.












Click it and Unblock the Notifications
