Monkeypox Outbreak: દિલ્લીમાં મંકીપૉક્સનો બીજો કેસ, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, આરોગ્ય વિભાગ કરશે તપાસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં મંકીપૉક્સનો વધુ એક નવો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે તપાસની વાત કરી છે.
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં મંકીપૉક્સનો વધુ એક નવો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે તપાસની વાત કરી છે. વળી, મંકીપૉક્સ ટેસ્ટમાં ચેપ લાગ્યો હોય તેવા દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. આવી સ્થિતિમાં મામલાને ગંભીરતાથી લેતા ચેપના અન્ય મુદ્દાઓ વિશે તપાસ કરવાનુ કહેવામાં આવી રહ્યુ છે.ભારતમાં અત્યાર સુધીમાં મંકીપૉક્સના કુલ છ કેસ નોંધાયા છે. જેમાંથી ચાર કેરળના અને બે દિલ્લીના છે. સોમવારે કેરળમાં મંકીપૉક્સથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ હતી.

સંયુક્ત આરબ અમીરાતથી પરત આવેલા 22 વર્ષના યુવકમાં મંકીપૉક્સના ચેપની પુષ્ટિ થઈ હતી. યુએઈમાં તેનુ મંકીપૉક્સ માટે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. ટેસ્ટમાં ઈન્ફેક્શનની પુષ્ટિ થઈ હતી. તે 22 જુલાઈએ ભારત આવ્યો હતો અને 27 જુલાઈએ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 1 ઓગસ્ટના રોજ દિલ્લીમાં મંકીપૉક્સના નવા કેસની પુષ્ટિ થઈ હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 35 વર્ષીય નાઈજિરિયન વ્યક્તિનો મંકીપૉક્સ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ભારતમાં મંકીપૉક્સનો આ છઠ્ઠો અને દિલ્લીમાં બીજો કેસ છે. દર્દીને લોક નાયક જયપ્રકાશ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
વળી, કેન્દ્ર સરકારે મંકીપૉક્સના કેસોનો સામનો કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેના સભ્યો દેશભરમાં મંકીપોક્સની સારવાર, રસીકરણ અને ચેપ અટકાવવા મોનીટરીંગ કરશે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પહેલા જ મંકીપૉક્સ વિશે ચેતવણી આપી ચૂક્યુ છે. WHOના જણાવ્યા મુજબ વિશ્વના 78 દેશોમાંથી અત્યાર સુધીમાં 18,000થી વધુ કેસ નોંધાયા છે. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે ગુરુવારે કહ્યુ હતુ કે વૈશ્વિક સમાજના સહયોગથી આ સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે.












Click it and Unblock the Notifications
