
મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ મુદ્દે શરદ પવારનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું?
મુંબઈ : આસામ-મેઘાલય સીમા વિવાદ બાદ હવે મહારાષ્ટ્ર અને કર્ણાટક સામસામે આવી ગયા છે. અહીં સૌથી મોટી વાત એ છે કે આ બન્ને રાજ્યોમાં બીજેપીની સરકાર છે. કર્ણાટકના બેલગામી સીમા વિવાદને લઈને બે બીજેપી શાસિત રાજ્યો સામે આવતા બીજેપીની મુશ્કેલી વધી છે.
મંગળવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સાથે વાત કરી અને બેલાગવી નજીક હિરેબાગવાડીમાં બનેલી ઘટનાઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તમામ ઘટનાઓ વચ્ચે હવે એનસીપીના વડા શરદ પવારનું નિવેદન સામે આવ્યુ છે.
આ મુદ્દે નિવેદ આપતા શરદ પવારે કહ્યું કે, સીએમ શિંદેએ કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ. સદનું સત્ર શરૂ થવાનું છે, હું તમામ સાંસદોને એક સાથે આવવા અને આ અંગે સ્ટેન્ડ લેવા વિનંતી કરું છું. શરગ પવારે કહ્યું કે, સીએમ શિંદેએ કર્ણાટકના સીએમ સાથે વાત કરી હોવા છતાં આ મુદ્દે કોઈ નમ્રતા દાખવી નથી. કોઈ અમારી ધીરજની પરીક્ષા ન લે અને ખોટી દિશામાં આગળ ન વધે.
અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે જણાવ્યુ કે, સીએમ બોમ્મઈએ કહ્યું છે કે બેલાગવી નજીક હિરેબાગવાડી ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આશ્વાસન આપ્યું છે કે મહારાષ્ટ્રથી આવતા વાહનોને સુરક્ષા અપાશે.