
Shradda Murder Case: આફતાબ પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન કરી રહ્યો છે આવી હરકત, હવે થશે નાર્કો ટેસ્ટ
Shradda Murder Case: લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની હત્યા અને તેના શરીરના 35 ટૂકડા કરી દિલ્લીના અલગ-અલગ વિસ્તારોમાં ઘણા દિવસો સુધી ફેંકનાર આરોપી આફતાબ અમીન હાલમાં તિહાર જેલમાં બંધ છે અને તેનો આજે છેલ્લો પોલીગ્રાફ ટેસ્ટ છે. તેના પોલીગ્રાફ હજુ બાકી છે અને આંબેડકર હૉસ્પિટલમાં સોમવારે નાર્કો ટેસ્ટ કરાવવાનો નિયમ છે માટે તેનો નાર્કો ટેસ્ટ 5 ડિસેમ્બરે થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આફતાબ પૂનાવાલાને 28 અને 29 નવેમ્બર તેમજ 5 ડિસેમ્બરે એફએસએલ સામે હાજર થવાનો આદેશ છે.

આફતાબ પોલીસને નથી આપી રહ્યો જવાબ
દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ આફતાબના અત્યાર સુધી ત્રણ વાર પોલીગ્રાફ ટેસ્ટ સેશન થયા પરંતુ ટેસ્ટ દરમિયાન તે પોલીસને ચકમો આપી રહ્યો છે. આજે એટલે કે સોમવારે રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)માં પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આફતાબને ફરીથી પ્રશ્નો પૂછવામાં આવશે જેનો તેણે અત્યાર સુધી જવાબ નથી આપ્યા. પોલીસે જણાવ્યુ કે પૂનાવાલાનો આ છેલ્લો પોલીગ્રાફ ટેસ્ટ હશે ત્યારબાદ અમે નાર્કો ટેસ્ટ કરીશુ.

પોલીગ્રાફ ટેસ્ટ બાદ થશે નાર્કો
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ના આસિસ્ટન્ટ ડિરેક્ટર સંજીવ ગુપ્તાના જણાવ્યા મુજબ, 'અમે પોલીગ્રાફ ટેસ્ટ માટે સપ્તાહના અંતે પણ અમારી લેબ ખુલ્લી રાખી હતી.' રવિવારે પોલીસે કહ્યુ કે પૂનાવાલાની કસ્ટડી માટે તેમને તિહાર જેલમાંથી પરવાનગી મળી છે અને સોમવારે અંતિમ પોલીગ્રાફ ટેસ્ટ માટે તેને લેબમાં લાવવામાં આવશે. અમે તેના નાર્કો ટેસ્ટ માટે પણ તૈયાર છીએ, જે પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ થયા બાદ બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં કરવામાં આવશે.

ત્રણ પોલીગ્રાફ ટેસ્ટ થયા
એફએસએલના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે મંગળવારે સાંજે આફતાબનો પ્રથમ પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બુધવારે બીજો પોલીગ્રાફ થવાનો હતો પરંતુ પૂનાવાલા 'બીમાર પડ્યો' હોવાના અહેવાલ પછી તે મુલતવી રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ બીજો પોલીગ્રાફ ટેસ્ટ ગુરુવારે અને ત્રીજો શુક્રવારે કર્યો હતો.

આફતાબ પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન કરે છે આવી હરકત
એફએસએલ અધિકારીના જણાવ્યા મુજબ પૂનાવાલા પોલીગ્રાફ ટેસ્ટ સેશન દરમિયાન નાટક કરી રહ્યો હતો. તે વારંવાર એવી કેટલીક હરકતો કરતો જેનાથી પોલીગ્રાફ ટેસ્ટ પર અસર થાય. તેથી અમને જોઈતી પ્રતિક્રિયા મળી નથી. પરીક્ષણ દરમિયાન પૂનાવાલાને સતત ખાંસી અને છીંક આવી રહી હતી જેનાથી મશીનના રીડિંગ પર અસર થઈ હતી. સેશનના ડેટાનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ હતુ અને તે નક્કી કરવામાં આવ્યુ હતુ કે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો હજુ પણ અનુત્તરિત છે.

નાર્કો ટેસ્ટ કેમ છે જરુરી?
દિલ્લી પોલીસની ટીમ નાર્કો ટેસ્ટ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરશે કે આફતાબે અત્યાર સુધી પોલીસને જે પણ નિવેદન આપ્યુ છે તે સાચુ છે કે નહિ. પૂનાવાલાના પોલીગ્રાફ ટેસ્ટ સેશનનુ પરિણામ પોલીસ ટીમ માટે પણ ખૂબ મહત્વનુ છે કારણ કે પૂનાવાલા સતત પોતાના નિવેદનો બદલી રહ્યો છે.