નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ કોંગ્રેસ માટે એક સાંધો ત્યા તેર તૂટે જેવી હાલત થઇ રહી છે. એક તરફ દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના મુદ્દાને લઇને આમ જનતામાં કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વધી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાના વિકાસશીલ મુદ્દાઓ થકી દેશની જનતાના દિલોમાં પોતાની છાપ છોડી રહ્યાં છે. મોદીની આંધીને રોકવાનો કોઇ માર્ગ મળે તે પહેલાં જ રાહુલ ગાંધી દ્વારા એક ટીવી ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યુના કારણે કોંગ્રેસ માટે બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. રાહુલ ગાંધીએ 1984માં થયેલા રમખાણોને લઇને કરેલા નિવેદનને લઇને શીખ સમુદાય રોષે ભરાયો છે અને નવી દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલય બહાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીએ ટાઇમ્સ નાઉ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં 1984માં થયેલા રમખાણોને લઇને એક નિવેદન કર્યું હતું, જે નિવેદનથી શીખ સમુદાય નારાજ થયો છે અને ગુરુવારે સવારથી જ રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. શીખ સમુદાયના પ્રદર્શનને રોકવા માટે કોંગ્રેસ મુખ્યાલયે પહોંચેલી દિલ્હી પોલીસ દ્વારા કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.નોંધનીય છે કે, ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોમાં મોદીને જવાબદાર ઠેરવ્યા બાદ ટીવી ચેનલમાં 1984ના રમખાણો અંગે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 1984માં જે રમખાણો થયા હતા, તેમાં કેટલાક કોંગ્રેસીઓ પણ હતા, જેમને બાદમાં સજા મળી હતી. જો કે, રાહુલ ગાંધીના આ નિવેદનની રાજકીય ફલક પર પણ આકરી ટીકા કરવામાં આવી હતી, તેવામાં આજે શીખ સમુદાય દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદન સામેના વિરોધ પ્રદર્શનની અસર લોકસભા ચૂંટણીમાં ચોક્કસપણે જોવા મળશે.