તાલિબાનીઓના કારણે વેપાર ઠપ્પ થતા ભારતમાં આ વસ્તુઓ મોંઘી થશે!
અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થતાં ભારત સાથે વેપાર બંધ થઈ ગયો છે. હવે ન તો કાબુલમાં કંઈ પણ નિકાસ કરી શકાય છે અને ન તો ત્યાંથી કંઈપણ આયાત કરવું શક્ય છે. તેના કારણે બજારમાં ડ્રાયફ્રુટ્સ વગેરે મોંઘા થવાની શક્યતા છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ ડો.અજય સહાયે જણાવ્યું હતું કે, અમે અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભારતમાં આયાત પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા થાય છે. અત્યારે તાલિબાને પાકિસ્તાન જતા તમામ કાર્ગો બંધ કરી દીધો છે. તેથી વર્ચ્યુઅલ આયાત પણ બંધ થઈ ગઈ છે. કેટલાક ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર મારફતે મોકલવામાં આવે છે, જે હજુ કાર્યરત છે.
દુબઇના રસ્તે મોકલવામાં આવતા ઉત્પાદનો માટેનો રસ્તો પણ બંધ નથી. FIEO ના ડાયરેક્ટર જનરલે આશા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ છતાં ભારતના વેપાર સંબંધો ચાલુ રહેશે. અત્યારે ભારત અફઘાનિસ્તાનને ખાંડ, દવાઓ, કપડાં, ચા, કોફી, મસાલા અને ટ્રાન્સમિશન ટાવર સપ્લાય કરે છે, જ્યારે ત્યાંથી આવતી મોટાભાગની આયાત ડ્રાય ફ્રુટ્સ છે. આપણે ત્યાંથી કેટલીક ડુંગળી અને ગુંદર પણ આયાત કરીએ છીએ.
અફઘાનિસ્તાનના વેપાર ભાગીદારોમાં ભારત ટોચના 03 દેશોમાં છે. 2021 માં બંને વચ્ચે 835 મિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો છે. ભારતે અફઘાનિસ્તાનથી 51 મિલિયન ડોલરની કિંમતની ચીજોની આયાત કરી છે તેમજ ભારતે અફઘાનિસ્તાનની ધરતી પર 03 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ભારતે 400 પ્રોજેક્ટ્સમાં પોતાના નાણાં રોક્યા છે. આમાંથી કેટલાક હાલમાં કાર્યરત સ્થિતિમાં છે.