Uttarakhand rain : રુદ્રપ્રયાગમાં વાદળ ફાટવાથી કેદારઘાટીમાં તારાજી, ઘરો-વાહનો કાટમાળ નીચે દટાયા
Uttarakhand rain : ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શુક્રવારે મોડી રાત્રે રુદ્રપ્રયાગ જિલ્લાની કેદારઘાટીમાં આવેલા રૂમસી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે ગામના અનેક ઘરો અને વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાના અહેવાલ છે.
રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત, ગૌરીકુંડ નજીક કેદારનાથ ધામ તરફ જતો પગપાળા માર્ગ પણ ટેકરીમાં તિરાડ પડવાને કારણે બંધ કરવામાં આવ્યો છે, જેનાથી કેદારનાથ યાત્રા પર પણ અસર પડી છે.

હવામાન વિભાગે તાજેતરમાં જ ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ઉત્તરાખંડના દેહરાદૂન, ટિહરી, પૌરી, નૈનિતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.
આ ચેતવણીને ગંભીરતાથી લઈને દેહરાદૂન જિલ્લામાં ધોરણ ૧ થી ૧૨ સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે, જેથી કોઈપણ અણબનાવ ટાળી શકાય.
સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરે અને જરૂર વગર ઘરની બહાર ન નીકળે.












Click it and Unblock the Notifications
