Vande Bharat Sleeper: રાજધાની-શતાબ્દી પણ આની સામે ફેલ! મળશે એરલાઇન જેવી સુવિધાઓ, ફક્ત આટલું હશે ભાડું
Vande Bharat Sleeper: ભારતીય રેલવેના ઈતિહાસમાં શનિવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. PM નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ ટ્રેન પશ્ચિમ બંગાળના હાવડાને આસામના ગુવાહાટી (કામાખ્યા જંક્શન) સાથે જોડશે. જે મુસાફરો અત્યાર સુધી લાંબા અંતરની મુસાફરી માટે રાજધાની કે શતાબ્દી પર નિર્ભર હતા, તેમના માટે આ ટ્રેન હવે એરલાઇન જેવો અનુભવ આપશે.

મુસાફરીના સમયમાં 2.5 કલાકનો ઘટાડો
હાવડા અને કામાખ્યા વચ્ચે ચાલનારી આ ઓવરનાઈટ ટ્રેન હાલની અન્ય ટ્રેનોની સરખામણીએ મુસાફરોનો અંદાજે અઢી કલાક જેટલો સમય બચાવશે. આ રૂટ પ્રવાસન અને ધાર્મિક દૃષ્ટિએ ખૂબ મહત્વનો છે, કારણ કે તે કોલકાતાને આસામના પ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિર સાથે સીધું જોડે છે.
શું હશે ટિકિટના ભાવ? (સંભવિત ભાડું)
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરોની સુવિધા મુજબ ત્રણ શ્રેણી રાખવામાં આવી છે, જેમાં ભોજનનો ખર્ચ પણ સામેલ છે.
- 3AC સ્લીપર: અંદાજે ₹2,300
- 2AC સ્લીપર: અંદાજે ₹3,000
- 1AC (પ્રીમિયમ): અંદાજે ₹3,600
એરલાઇન જેવી સુવિધાઓ અને 'કવચ' સુરક્ષા
આ ટ્રેન માત્ર ઝડપ જ નહીં પણ સુરક્ષા અને સુવિધામાં પણ નંબર વન છે.
- કવચ સિસ્ટમ: ટ્રેનને અથડામણથી બચાવવા માટે સ્વદેશી 'કવચ' (Kavach) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- હાઈ-સ્પીડ: આ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે, જોકે હાલ તેને 120-130 કિમીની ઝડપે ચલાવવામાં આવશે.
- હાઈજેનિક વાતાવરણ: મુસાફરોને જર્મ-ફ્રી હવા મળે તે માટે સ્પેશિયલ ડિસઈન્ફેક્ટન્ટ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે.
- સ્થાનિક સ્વાદ: મુસાફરોને ટ્રેનમાં બંગાળી અને આસામી વાનગીઓનો સ્વાદ માણવા મળશે.
મુસાફરોને મળશે હોટલ જેવો આરામ
ટ્રેનના કોચમાં એર્ગોનોમિક બર્થ (સુવા માટેની સીટ) અને અત્યાધુનિક સસ્પેન્શન સિસ્ટમ છે, જેનાથી ટ્રેન ચાલતી હોય ત્યારે ઝટકા અનુભવાશે નહીં અને મુસાફરો શાંતિથી ઊંઘી શકશે. ટ્રેનમાં સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક દરવાજા જેવી સુરક્ષા સુવિધાઓ પણ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
