Weather Update: ભીષણ ગરમી વચ્ચે આજે આ રાજ્યોમાં ગાજવીજ સાથે પડશે વરસાદ
દેશના અમુક ભાગોમાં જ્યાં ભીષણ ગરમી પડી રહી છે ત્યાં બીજી તરફ અમુક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાના અણસાર છે. આવો જાણીએ આજની હવામાન અપડેટ.
weather update: દેશના અમુક ભાગોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્યથી ચાર-પાંચ ડિગ્રી વધુ રહેશે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 35થી 39 ડિગ્રી વચ્ચે છે. જો પારો આ રીતે જ વધતો રહ્યો તો આ વર્ષે ગરમીના અત્યાર સુધીના બધા રેકૉર્ડ તૂટી જશે.

છેલ્લા 17 વર્ષોમાં દિલ્લીમાં આટલી બધી ગરમી આ ફેબ્રુઆરીમાં
રાજધાની દિલ્લીમાં આજે લઘુત્તમ તાપમાન 15 અને મહત્તમ 32 ડિગ્રી નોંધવામાં આવી શકે છે. અહીં દિવસના સમયે વાદળો છવાઈ શકે છે. દિલ્લી-એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાન વધી રહ્યુ છે. રાતના તાપમાનમાં થોડો ઘટાડો થાય છે. મંગળવારે અહીં લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી રહ્યુ કે જે સામાન્યથી પાંચ ડિગ્રી વધુ છે. દિલ્લીમાં 1969 પછી ત્રીજી સૌથી વધુ ગરમીવાળા ફેબ્રુઆરી તરીકે નોંધ કરવામાં આવી. એક આંકડા મુજબ છેલ્લા 17 વર્ષોમાં દિલ્લીમાં ફેબ્રુઆરીમાં આટલી વધુ ગરમી જોવા નથી મળી.

આ જગ્યાએ પડશે વરસાદ અને હિમવર્ષા
આઈએમડીના જણાવ્યા મુજબ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હરિયાણામાં સ્થિત છે. તેની અસરથી આગલા 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. વળી, એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 25 ફેબ્રુઆરીથી પશ્ચિમ હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરવાની સંભાવના છે. જેના કારણે 25 ફેબ્રુઆરીએ આ ક્ષેત્રોમાં હળવાથી છૂટાછવાયા વરસાદની સંભાવના છે. મંગળવારે પણ હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદ થયો અને ઘણી જગ્યાએ આંધી અને વિજળીની ઘટનાઓ જોવા મળી.

ગુજરાતમાં દિવસના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ ગિલગિટ, મુઝફ્ફરાબાદ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હળવા વરસાદના અણસાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નૉર્થ ઈસ્ટના રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના ઘણા વિસ્તારોમાં આજે અને કાલે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ રાજસ્થાન અને ગુજરાતમાં દિવસના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જો કે, મધ્ય ભારતના ઘણા ભાગોમાં દિવસ અને રાતનુ તાપમાન સામાન્યથી ઉપર રહેવાના અણસાર છે.












Click it and Unblock the Notifications
