પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન થશે, મુખ્યમંત્રી સહિત 1448 ઉમેદવારોનું ભાવિ દાવ પર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલ, બુધવારના રોજ થશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને સત્તા પરથી હટાવવા માટે સક્રિય છે, જ્યારે TMC રાજ્યમાં સતત ચોથી જીત મેળવવા માટે પ્રયત્નશીલ છે. બીજી તરફ, કોંગ્રેસ પણ આ મહત્વપૂર્ણ રાજ્યમાં પોતાનું સ્થાન ફરીથી સ્થાપિત કરવા માટે પૂરી તાકાત લગાવી રહી છે.
બીજા અને અંતિમ તબક્કાના મતદાન બાદ સ્પષ્ટ થશે કે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની TMC દક્ષિણ બંગાળના તેના ગઢને જાળવી રાખી શકશે કે પછી ભાજપ તેમાં ગાબડું પાડીને સત્તા હાંસલ કરવામાં સફળ થશે. બંગાળમાં બીજા તબક્કા હેઠળ બુધવારે કુલ સાત જિલ્લાઓ - કોલકાતા, નડિયા, પૂર્વ બર્ધમાન, હુગલી, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણા અને હાવડા - ની ૧૪૨ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.
આ તબક્કામાં ૩.૨૨ કરોડથી વધુ મતદારો ૧૪૨ બેઠકો પર ૧,૪૪૮ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ ઉમેદવારોમાં ૧,૨૨૮ પુરુષ અને ૨૨૦ મહિલા ઉમેદવારો સામેલ છે. ચૂંટણી પંચે મતદાન માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી લીધી છે, જેથી શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન સુનિશ્ચિત કરી શકાય.

કુલ ૩.૨૨ કરોડ મતદારોમાંથી ૩.૨૧ કરોડ સામાન્ય અને લગભગ ૪૦,૦૦૦ સેવા મતદારોનો સમાવેશ થાય છે. આ આંકડાઓમાં ૧.૬૪ કરોડ પુરુષો અને ૧.૫૭ કરોડ મહિલા મતદારો છે, જ્યારે ૭૯૨ મતદારો ત્રીજા લિંગના છે. ૧૮-૧૯ વર્ષની વયના ૪.૧૨ લાખથી વધુ યુવા મતદારો અને ૩,૨૦૦ થી વધુ મતદારો ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના છે. ઉપરાંત, ૫૭,૦૦૦ થી વધુ દિવ્યાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી પંચે કુલ ૪૧,૦૦૧ મતદાન મથકો સ્થાપિત કર્યા છે, જેમાં ૩૯,૩૦૧ મુખ્ય અને ૧,૭૦૦ સહાયક મથકોનો સમાવેશ થાય છે. આ પૈકી ૮,૮૪૫ મથકો સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે, ૧૩ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા સંચાલિત છે અને ૨૫૮ 'મોડેલ' કેન્દ્રો છે. તમામ મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. મતદાન પ્રક્રિયા સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસે પણ સઘન અભિયાન ચલાવીને સત્તામાં વાપસીનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અગાઉ, પ્રથમ તબક્કામાં ૨૩ એપ્રિલે રેકોર્ડ ૯૧.૭૮ ટકા મતદાન નોંધાયું હતું, જે દર્શાવે છે કે નાગરિકોમાં ચૂંટણી પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બીજા તબક્કામાં મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમને મુખ્ય પડકાર આપી રહેલા સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી ઉમેદવાર છે. અન્ય પ્રમુખ ઉમેદવારોમાં મેયર ફિરહાદ હકીમ, મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, શશિ પાંજા, અરુપ બિશ્વાસ અને બ્રાત્ય બસુ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
ભાજપે પાણીહાટીથી રત્ના દેબનાથને મેદાનમાં ઉતાર્યા છે, જે કોલકાતામાં બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી એક જૂનિયર ડોક્ટરના માતા છે. વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તા રાસબિહારીથી ચૂંટણી લડી રહ્યા છે. બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન "ઘુસણખોરી, SIR, મતદારોના નામ હટાવવા અને રોજગાર" જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યા હતા. તમામ રાજકીય પક્ષોએ વિશેષરૂપે મહિલા મતદારોને આકર્ષવા પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપ માટે અનેક રેલીઓ કરી અને રાજ્યમાં પ્રથમ વખત સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પીએમ મોદીએ તૃણમૂલ કોંગ્રેસ પર "મહા જંગલરાજ" નો કટાક્ષ કર્યો હતો, જે ટીકાનો મુખ્ય મુદ્દો બન્યો હતો.
બેરકપોરમાં તેમની છેલ્લી રેલીમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, "હું પશ્ચિમ બંગાળમાં જ્યાં પણ ગયો છું, ત્યાં મેં લોકોનો મિજાજ જોય છે." તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, "હું આ વિશ્વાસ સાથે પાછો ફરી રહ્યો છું કે ૪ મેના રોજ પરિણામો આવ્યા પછી, મને ભાજપના શપથગ્રહણ સમારોહમાં હાજર રહેવા પાછો આવવું પડશે." પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામો સાથે જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
