For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પદ્મશ્રીથી સન્માનિત શાહબુદ્દીન રાઠોડને વનેચંદ, લાભુ મેરઈ, થોભણ જેવાં પાત્રો ક્યાંથી મળ્યાં?

ગુજરાતના જાણીતા હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાહિત્ય તથા શિક્ષણક્ષેત્રે પ્રદાર કરનારા લોકોને સન્માનિત કર્યા હતા.

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતના જાણીતા હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાહિત્ય તથા શિક્ષણક્ષેત્રે પ્રદાર કરનારા લોકોને સન્માનિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સમારોહમાં અભિનેત્રી કંગના રનૌત, ગાયક અદનાન સામીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં અને બૅડમિન્ટન ખેલાડી પી.વી સિંધુને પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં.

https://twitter.com/rashtrapatibhvn/status/1457629281652117506

શાહબુદ્દીન રાઠોડે અગાઉ બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે આપણી આસપાસના સામાન્ય લોકોના જીવનમાંથી મર્માળું હાસ્ય શોધી લાવું છે.

"મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખવો. સહકુટુમ્બ સાથે બેસીને માણી શકે એવું હાસ્ય સર્જવું." હાસ્ય રજૂ કરવા માટેનો શાહબુદ્દીન રાઠોડનો આ મૂળમંત્ર છે.

શાહબુદ્દીન રાઠોડ

તેમણે સર્જેલા પાત્રો વનેચંદ હોય કે લાભુ મેરઈ હોય કે થોભણ હોય વર્ષોથી ગુજરાતીઓને હસાવતા રહ્યા છે. મિમિક્રી કે કોઈ પણ પ્રકારની હરકત વગર મંચ પર બેસીને ગુજરાતીઓને હસાવતા શાહબુદ્દીન રાઠોડે સાથે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે હાસ્ય માટે તેમના આદર્શ ગાંધીજી છે.

પ્રશ્ન : હાસ્ય ક્યાંથી ઉત્પન્ન થાય છે?

શાહબુદ્દીન રાઠોડ : રંગ અને રેખાની સંવાદિતામાંથી ચિત્ર સર્જાય છે. વાણી, વિચાર અને વર્તનની સંવાદિતામાંથી જીવન સર્જાય છે. પણ જીવનની વિસંવાદિતામાંથી હાસ્ય સર્જાય છે.

વિસંવાદિતામાંથી વિવાદ ન સર્જાય?

https://www.facebook.com/BBCnewsGujarati/videos/855607341825590

શાહબુદ્દીન રાઠોડ : હાસ્ય સર્જાય છે. ઉદાહરણ આપું. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોંધ લખાવતા હતા તો એક બહેન વચ્ચે કંઈક ને કંઈક બોલતા જ રહેતાં હતાં. તેથી સેક્રેટરીએ કહ્યું કે સાહેબ આ કર્કશા કોણ છે? લિંકને કહ્યું કે એ મારાં પત્ની છે. સેક્રેટરીએ કહ્યું કે સૉરી, માફ કરજો. મારી ભૂલ થઈ ગઈ. લિંકને કહ્યું કે ભૂલ મારી થઈ છે તમે કેમ માફી માગો છો?

આમ વિસંવાદિતામાંથી હાસ્ય સર્જાય છે. બીજી પણ અનેક રીતે સર્જાય છે. ચિત્તની પ્રસન્નતા હોય, મનનો આનંદ હોય, બુદ્ધિને હર્ષની લાગણી અનુભવાતી હોય.

સાનુકૂળ પરિસ્થિતિ હોય તો એની અભિવ્યક્તિ હાસ્ય દ્વારા થાય છે.


પ્રશ્ન : તમે છેલ્લાં 50 વર્ષથી કાર્યક્રમો કરો છો. શ્રોતાઓનો હાસ્યનો ટેસ્ટ ક્યારેક બદલાતો હોય એવું તમને લાગે છે? એવું લાગે કે 30 વર્ષ પહેલાં લોકો જે પ્રસંગો પર હસતા હતા હવે એનું સ્તર બદલાયું છે.

શાહબુદ્દીન રાઠોડ : એ શ્રોતાઓની કક્ષા પર આધાર રાખે છે. હાસ્યના અનેક પ્રકાર છે, જેમ કે હ્યુમર, આયરની, વિટ, સટાયર, ફાર્સ વગેરે.

એક ભાઈ મને કહે કે માણસ મગજ વગર કેટલાં વર્ષ સુધી જીવી શકે? મેં કહ્યું મને ખબર નથી તમારી ઉંમર કેટલી છે. આ વાતમાં જે હાસ્ય છે તે દરેકને તરત ન સમજાય. તેથી એ શ્રોતા કેવો છે તેના પર આધાર રાખે છે.

જો હું મારા વિશે કહું તો મારું જે હાસ્ય છે તે ઈશ્વરદત્ત છે. માલિકની દેણ છે. એને અમાનત તરીકે મેં સાચવી છે. લોકોને હસાવવા માટે મેં એનો વિગતે સદુપયોગ કર્યો છે.

હું હાસ્યના સ્ટેજ શો કરતો થયો એને 51 વર્ષ થયાં. 51 વર્ષ અગાઉ એવી ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખવો. સહકુટુમ્બ સાથે બેસીને માણી શકે એવું હાસ્ય સર્જવું. એની અંદર પાછી જીવતરની વાતો વણી લેવી.

એના કરતાંય અગત્યની વાત એ કે સત્યને વિનોદ અને રમૂજ સાથે રજૂ કરવું. જીવનનાં સાદાં સત્યોને હાસ્યરસિક રીતે વર્ણવવાં.

દાખલા તરીકે એક ભાઈ મને કહે કે સારાં કાર્યોમાં મારે થોડાંક રૂપિયા વાપરવા છે. શું કરવું? મેં કહ્યું કે જેના ઉછીના લીધા હોય તેમને દઈ દો. આ વાત હાસ્યની છે પણ ગંભીરતાથી જુઓ તો વાત તો સાચી છે.

"પીપા પાપ ન કિજીયે, પુન્ય કિયા સો બાર

જો કિસી સે ના લિયા તો દિયા સો બાર."


હાસ્યમાં મોટામાં મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજી

પ્રશ્ન - મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને હાસ્ય સર્જવાની તમે વાત કરો છો. અત્યારે સ્ટેન્ડ અપ કૉમેડિયન કે મિમિક્રી કલાકારો કે ટીવીના હાસ્યનાં શોમાં જે હાસ્ય રજૂ થયા છે એમાં તમને મર્યાદાનું સ્તર ઊંચું જોવા મળે છે? ક્યારેક હાસ્ય કલાકારો દ્વિઅર્થી હાસ્ય સર્જતા હોય છે. તમે આના વિશે શું માનો છો?

શાહબુદ્દીન રાઠોડ : એ કલાકારની કક્ષા પર નિર્ભર હોય છે. એનું વિશ્લેષણ મેં ક્યારેય નથી કર્યું મેં એટલું જ જોયું છે કે મારે શું કરવું. અને એ માટે પ્રયાસ મારે જ કરવો રહ્યો.

મારા માટે હાસ્યમાં મોટામાં મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજી છે. તેમણે કહ્યું હતું કે મારામાં વિનોદવૃત્તિ ન હોત તો આત્મહત્યા કરી લીધી હોત. ગાંધીજીની બીજી મહત્ત્વની વાત એ છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બંને વ્યર્થ છે.

અમારા ગામ થાનગઢમાં સુધરાઈની શાળામાં જ્યાં હું ભણતો ત્યાં જ શિક્ષક તરીકે નોકરી મળી. તેથી હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય રહ્યો.

શિક્ષણથી મેં હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું. આમ ગાંધીજીની વાત મને આવી રીતે ખપમાં લાગી છે.

ક્યારેક પત્રકારો મને એવુંય પૂછે છે કે તમારું નામ શાહબુદ્દીન અને અટક રાઠોડ તો તમારી જાતિ કઈ? તો હું કહું કે નરજાતિ. એમાં ઊંડી વાત એ છે કે,

"મંદિર, મસ્જિદ, ગિરજાઘર કો બાંટ લિયા ભગવાન કો,

જમીં આસમાં કો ભી બાંટા, મત બાંટો ઈન્સાનોં કો.

હિન્દી હૈ હમ વતન હૈ, હિન્દોસ્તાં હમારા." આટલી વાત પૂરતી છે.


કારુણ્ય અને હાસ્ય

પ્રશ્ન :તમે કાર્યક્રમોમાં કહેતા હો છો કે કરુણતાની ટોચ પરથી હાસ્ય પ્રગટે છે.

શાહબુદ્દીન રાઠોડ : હા. કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે અને સત્તા, સમૃદ્ધિ અને સંપત્તિની ચરમસીમાએ આધ્યાત્મ શરૂ થાય છે. જૈનોના 24 તીર્થંકરો રાજા કે રાજકુમાર હતા.

ચાર્લી ચૅપ્લિનના જીવનમાં કારુણ્ય જ છે. રમકડાં રમવાની ઉંમરે તે રમકડાં વેચતા હતા. ચાર્લી અને તેમના ભાઈ સીડ બંનેને અનાથાશ્રમમાં મૂક્યા અને માતા લીલી હાર્લીને પાગલખાનામાં મૂક્યાં હતાં. ત્યાંથી જીવન શરૂ થાય છે અને તેઓ જગતના મહાન હાસ્ય કલાકાર બને છે.

આપણા સાહિત્યકાર ધનસુખલાલ મહેતાનાં પત્ની પાગલ હતાં. તેઓ પત્નીની ખૂબ કાળજી લેતા. તેમના માટે ટિફિન લઈ જાય વગેરે વગેરે. લોકો કહેતા કે તમારાં પત્નીની તો આવી દશા છે તમે શું જોઈને ત્યાં જાવ છો? એ તમને ઓળખે છે?

ધનસુખલાલ મહેતા કહેતા કે કેમ ન ઓળખે? 20 લોકો ઊભા હોય અને વાટકાનો ઘા કરે તો મને જ આંટી જાય. આ કારુણ્યમિશ્રિત હાસ્ય છે. આમ કારુણ્યની ચરમસીમાએ હાસ્ય આવે છે. મારું જીવન પણ દર્દોની દાસ્તાન અને ગરીબીની ગાથા છે.

જીવનમાં જે યાતનાઓ આવી તેનો પ્રતિભાવ માત્ર હાસ્યમાં જ આપ્યો છે. દેણાનો મને પીએચ.ડી. કર્યા જેટલો અનુભવ છે.

મેં તેના પર એક પુસ્તક પણ લખ્યું છે, 'દેવું તો મરદ કરે'. 1954માં અમારા ગામમાં એસ.એસ.સી.નો ક્લાસ નહોતો. ત્યારે 11મા ધોરણને અંતે એસ.એસ.સી. થતું હતું.

એ પછી એક વર્ષ હું ભાવનગર ભણવા ગયો. ત્યાં વડવા - વરતેજિયા ફળીમાં અમારા બનેવી ખાનસાહેબનું મકાન ત્યાં હતું. આટલી એક જ સવલત.

બાકી વાંચવા માટે પુસ્તકો નહીં, શાળાએ પહેરી શકાય એવા કપડાં નહીં. 30 રૂપિયામાં લોજવાળા બે સમય મહિનો જમાડતા હતા.

મારું તો મહિનાનું બજેટ જ વીસ રૂપિયા હતું. એમાં સાંજના ટંકની જોગવાઈ નહોતી.

સાંજનું બજેટ મારું બે આનાનું હતું. એક આનાના શેર જામફળ મળતાં અને ચાર આનાનાં ડઝન કેળાં મળતાં હતાં.

સાંજે આવી રીતે જ ટંક નીકળતો. આખેઆખું વર્ષ મેં આવી રીતે પસાર કર્યું હતું. હું એ વખતે સેકન્ડ ક્લાસથી એસ.એસ.સી. પાસ થયો હતો. તે દિવસેય મને એટલી તો ખબર હતી જ કે

"જેમની સંસારમાં વસમી સફર હોતી નથી,

તેમને શું છે જીવન એની ખબર હોતી નથી.

જિંદગી ને મોતમાં છે માત્ર ધરતીનું શરણ

કોને વ્યોમે હવેલી કે કબર હોતી નથી."


વૃક્ષ જેટલાં ઊંચાં હોય એટલાં જ ઊંડાં હોય

પ્રશ્ન : હાલના સમયમાં હાસ્યની રજૂઆત માટે ઘણા મંચ છે. રોડિયો જૉકી રેડિયો પર હાસ્ય રજૂ કરે છે. સ્ટૅન્ડ અપ કૉમેડિયનો હસાવે છે. મિમિક્રી કલાકારો તો ખરાં જ. આમાં જે હાસ્ય રજૂ થયા છે એ તમને કેવું લાગે છે?

શાહબુદ્દીન રાઠોડ : આખરે તો કલા દ્વારા માણસ પોતાની જાતને રજૂ કરતો હોય છે. તેમને જે ઠીક લાગે તે કરે.

એ લોકો શું કરે છે તે મારો વિષય નથી. એટલું ખરું કે એમાં ઊંડાણનો અભાવ હોય છે. વૃક્ષ જેટલાં ઊંચાં હોય એટલાં જ ઊંડાં હોય છે.

વાતની કક્ષા જેટલી ઊંચી હોય એટલી તે વધુ સારી વાત ગણાય. એ હાસ્ય સાહજિક નથી લાગતું. એમાં પ્રયાસ દેખાય છે.

પ્રશ્ન : તમને એવું લાગે છે કે જે હાસ્યમાં ચિંતન, મનન કે ફિલસૂફી ન હોય તે હાસ્ય તકલાદી હોય છે, લાંબું ટકતું નથી?

શાહબુદ્દીન રાઠોડ : માનવજીવનનાં ચિરંતન ભાવો જેમાં સંકળાયેલા હોય તે હાસ્ય હોય કે સાહિત્ય હોય એ જ એમનેમ ટકી રહે છે. 'દાદા હો દીકરી' કે 'પાપ તારું પરકાસ જાડેજા' કે 'કાળજાકેરો કટકો' ગીતો દાયકાઓથી ચાલ્યા આવે છે. એ જ સાહિત્ય ટકશે.


'વનેચંદ, સુલેમાન, નટો, રતિલાલ આ મારા પાત્રો મારા મિત્રો છે'

શાહબુદ્દીન રાઠોડ

પ્રશ્ન : હાસ્ય અને દ્વિઅર્થીપણા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. તમે મર્યાદાનો સ્તર ઊંચો જાળવી રાખવાની વાત કરી પણ ક્યારેક એવું પણ જોવા મળે છે કે કેટલાક કલાકારોનું હાસ્ય છે તે દ્વિઅર્થીપણામાં સરકી જાય છે. એવું હાસ્ય સાંભળો છો ત્યારે શું લાગે છે?

શાહબુદ્દીન રાઠોડ : ત્યારે એવું લાગે કે આ યોગ્ય નથી. મેં એક જ કામ કર્યું છે કે એની નિંદા કે વિશ્લેષણમાં પડવાનું નહીં.

તમે સારું રજૂ કરો એટલે લોકો એને આવકારશે જ. એક વાત છે કે અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને ત્યારે જ અસરકારક બને છે.

તમે વાંચ્યું હોય, વિચાર્યું હોય, ચિંતન કર્યું હોય એ પછી જે રજૂઆત થતી હોય એ જુદી જાતની હોય છે. એ ઘણી મહેનત માગી લે છે.

પ્રશ્ન : તમે મંચ પરથી હાસ્ય પીરસીને લોકોને હસાવી શકો છો એ કલાકારી તમારામાં છે એવું તમને પહેલી વખત ક્યારે માલૂમ થયું?

શાહબુદ્દીન રાઠોડ : વનેચંદ, સુલેમાન, નટો, રતિલાલ, થોભણ વગેરે નામો હું કાર્યક્રમમાં વર્ણવતો હોઉં છું. એ બધા મારા મિત્રો છે.

અમે મળતા ત્યારે હું બોલતો તો તેઓ બધા ખુશ થતા. થાનગઢ અમારા ગામમાં સિરામિક ઉત્પાદન કરતી પરશુરામ પોટરીના લીધે 62 વર્ષ સુધી ગણેશોત્સવ ચાલ્યો.

55 વર્ષ સુધી નવરાત્રી મહોત્સવ ચાલ્યો. એ 55 વર્ષ સુધી નવરાત્રી મહોત્સવ ચાલ્યો ત્યારે મેં 35 વર્ષ એનું સંચાલન કર્યું હતું.

જે કલાકારો આવે તેમને હું રજૂ કરતો હતો અને વચ્ચે હાસ્યરસિક વાતો રજૂ કરતો હતો. એ સાંભળીને લોકો હસતા હતા.

મેં એવી ખાતરીય કરી કે મારામાં આટલી ક્ષમતા છે. આની સાથે મેં મારી દુર્બળતાય જાણી લીધી કે આ સિવાય હું કશું કરી શકું એમ નથી.

બહુ બહુ તો લોકો હસી શકે એટલી જ આપણી લાયકાત છે. ગણેશોત્સવમાં મેં હાસ્યરસિક નાટકો લખ્યાં છે અને થાન, વાંકાનેર, મોરબીમાં ભજવ્યાં પણ છે.


આંતરરાષ્ટ્રીય વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરની વનેચંદના વરઘોડામાં ઍન્ટ્રી કેવી રીતે થઈ?

શાહબુદ્દીન રાઠોડ

પ્રશ્ન : વનેચંદ હોય કે લાભુ મેરઈ હોય, તમે તમારા હાસ્ય કાર્યક્રમોમાં જે પાત્રો રજૂ કર્યાં તે સાચુકલાં પાત્રો હતાં. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. કઈ કૉમેન્ટ્સ પર કોને વાંકું પડી જશે એ કળવું મુશ્કેલ હોય છે. લોકો ક્યારેક એકબીજાના ટ્વીટ પર બાખડે છે. તો હાલ એવો સમય છે ખરો કે તમે કોઈક નવા સાચુકલા પાત્રને મંચ પરથી રજૂ કરી શકો?

શાહબુદ્દીન રાઠોડ : એ જે તે પાત્રો સાથેના તમારા સંબંધ ક્યા પ્રકારના છે એના પર નિર્ભર રહે છે.

હાસ્યનો વરઘોડો રજૂ કરતી વખતે હું વિવિધ પાત્રો એમાં રજૂ કરું છું. ત્યારે એવું થતું કે લોકો સામેથી આવીને મને કહી જતા કે આમાં અમારું એકાદું પાત્ર ઉમેરજો.

જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સુલેમાન પટેલને લોકો એક સાથે નવ સિંહ પાણી પીતા હોય એવા તેમણે લીધેલા ફોટાથી ઓળખે છે.

એ ફોટો જગવિખ્યાત છે અને વાઇલ્ડ લાઇફ જગતનો દુર્લભ ફોટો ગણવામાં આવે છે. સુલેમાને મને કીધું કે આપણુંય ક્યાંક લગાડી દો.

પછી મેં વનેચંદના વરઘોડામાં એમનું અનુસંધાન જોડ્યું. મેં કાર્યક્રમોમા રજૂ કર્યું કે 'વનેચંદના વરઘોડામાં આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર સુલેમાન પટેલ ફોટો પાડતા હતા. ત્યારપછી એમને ગમે એ પ્રેરણા થઈ કે એ જાનવરના ફોટે ચઢી ગયા પછી એમણે માણહના ફોટા ન પાડ્યા!'

કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યારેય કોઈએ એમ નથી કહ્યું કે ભાઈ અમારું તમે કેમ આમ બોલ્યા? તકલીફ ત્યારે ઊભી થઈ જ્યારે એ જ પાત્રોને લઈને બીજા કલાકારો બોલવા માંડ્યા.

આવું થયું ત્યારે આ પાત્રોને તકલીફ થઈ. જેમને સંબંધ હોય એ મજાક કરી શકે. જેમને ન હોય તેમણે એવી છૂટ ન લેવી જોઈએ.

પ્રશ્ન : હાસ્યમાં રજૂ થતાં તમારાં પાત્રો ગામનાં જ હોય છે. શહેરી નથી હોતા?

શાહબુદ્દીન રાઠોડ : ગામમાં જ એટલાં બધાં પાત્રો પડ્યાં છે કે બહારગામ તપાસ જ નથી કરી.

પ્રશ્ન : કોઈ પણ હાસ્ય કલાકાર માટે સામ્પ્રત સામાજિક રાજકીય જે સ્થિતિ હોય છે એ તેની કલા પ્રસ્તુતિ માટેનું મોટું મેદાન હોય છે. ક્યારેક હાસ્યકારની એ જવાબદારી પણ બનતી હોય છે.

શાહબુદ્દીન રાઠોડ : હા, મેં એમાં ખેડાણ નથી કર્યું. હાસ્યકારનાં બે ભયસ્થાનો હોય છે. કાં જાણે અજાણ્યે ઉપદેશકની ભૂમિકામાં સરી પડે છે. તમારે કેમ વર્તવું કે કેમ જીવન જીવવું એ કહેવાની તેની લાયકાત નથી. બધાને બધી જ ખબર પડતી હોય છે. કાં કક્ષા નીચે લઈ જઈને અશ્લિલતામાં ઊતરી જાય છે. આ બંને બાબતોથી દૂર રહીને હાસ્ય રજૂ કરવાનું છે. એ રીતે રજૂ કરવાનું છે કે જેનાથી હાસ્ય નિષ્પન્ન થાય.

પ્રશ્ન : ઘણી વખત દેશ અને સમાજ સામે એવી સ્થિતિ હોય છે કે લોકો બોલી નથી શકતા હોતા, લેખકો લખી નથી શકતા હોતા. એવે વખતે હાસ્યકાર પોતાનાં વ્યંગબાણ વડે સમાજને કે રાજનેતાને કહી શકતા હોય છે. તમે ક્યારેય એવું લાગ્યું છે કે સામાજિક જવાબદારી તરીકે હવે મારું હાસ્ય આ વાત રજૂ કરશે.

શાહબુદ્દીન રાઠોડ : એવા પ્રસંગો મેં રજૂ કર્યા છે. મંત્રી, મુખ્ય મંત્રી, વિધાનસભ્યો સમક્ષ મેં ગાંધીનગરમાં ઘણા કાર્યક્રમ આપ્યા છે. એમાં તેમની મેં મજાક પણ ખૂબ કરી છે. તેઓ પણ ખુશ થયા છે. મજાક સહન કરવાવાળો રાજકારણીઓ જેવો બીજો એકેય વર્ગ નથી. સાથે હું આપણા કેળવણીકાર તેમજ સાહિત્યકાર મનુભાઈ પંચોળી દર્શકની એક વાત કહીશ જે મેં યાદ રાખી છે. દર્શક કહેતા કે હાસ્યમાં રિયલાઇઝેશન હોવું જોઈએ, રીએક્શન નહીં.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=4ida4uHFYU0&t=2s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Where did Padma Shri awardee Shahbuddin Rathore get characters like Vanechand, Labhu Merai, Thobhan?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X