• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલીપ કુમાર અને મધુબાલાની લવ સ્ટોરી અધૂરી કેમ રહી ગઈ?

દિલીપ કુમાર અને મધુબાલાની લવ સ્ટોરી અધૂરી કેમ રહી ગઈ?
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

હિંદી સિનેમામાં જ્યારે પણ સૌથી સુંદર ચહેરાની વાત થાય, મધુબાલાનું નામ સૌથી પહેલાં લેવાય અને મધુબાલાનું નામ આવે એ સાથે જ દિલીપ કુમાર સાથેની એમની કહાણી પણ યાદ આવે જ.

મધુબાલાનાં અનેક પાત્રો પણ આંખો સામે તરવા લાગે. પછી એ 'મહલ'માં સસ્પેન્સ જગાવતાં મધુબાલા હોય કે 'મિસ્ટર ઍન્ડ મિસીઝ 55'નાં શહેરી મધુબાલા.

કાં તો એમ કહો કે 'હાવડા બ્રિજ'નાં માદક ડાન્સરની છબી હોય કે પછી 'મુગલ-એ-આઝમ'નાં અનારકલીનું પાત્ર કે જેમાં એમની આભા ખરેખર કોઈ રાજકુમારીથી કમ નથી લાગતી.

મોહક, સુદર, દિલકશ અને તાજગીથી ભરપૂર, ચહેરામાંથી ટપકતું નૂર, આવા કોઈ ચહેરાનો ઉલ્લેખ આવે એટલે મધુબાલા સિવાય ભાગ્યે જ તમને કોઈ બીજો ચહેરો યાદ આવે.

મધુબાલાની ખુબસુરતીની અંદાજો લગાવવો હોય તો 1990ની એક ફિલ્મી પત્રિકા 'મૂવી'ના બોલિવૂડની ઑલ ટાઇમ ગ્રૅટેસ્ટ અભિનેત્રીઓ અંગેના સર્વે જોઈ લો.

એમાં 58 ટકા લોકોએ મધુબાલાને સૌથી ખુબસુરત ગણાવ્યાં હતાં. એમની આસપાસ પણ અન્ય કોઈ નહોતું ફરકી શક્યું.

બીજા નંબરે લોકોએ નરગીસને સુંદર ગણાવ્યાં હતાં. એમને માત્ર 13 ટકા મત મળ્યા હતા.


સૌથી સુંદર મધુબાલા

મદુબાલા સાથે જ હિંદી સિનેમામાં પ્રવેશનારા રાજ કપુરે કહ્યું હતું કે ઈશ્વરે ખુદ પોતાના હાથે આરસપહાણથી મધુબાલાને કંડાર્યાં હતાં.

'પૅંગ્વિન ઇન્ડિયા' દ્વારા પ્રકાશિત અને ભાઈચંદ પટેલ દ્વારા સંપાદિત 'બોલીવુડ ટૉપ 20- સુપરસ્ટાર્સ ઑફ ઇન્ડિયા' પુસ્તકમાં રાજ કપુરે કરેલી આ વાતનો ઉલ્લેખ છે.

આજ પુસ્તકમાં 'શિવસેના'ના સંસ્થાપક બાલ ઠાકરેએ પોતાના ફિલ્મજગતમાં કામ કરવાના પોતાના દિવસો યાદ કરતા કહ્યું હતું કે એક દિવસ જ્યારે શૂટિંગ કરતા મધુબાલાને તેમણે જોયાં તો એમને લાગ્યું કે એમનો દિવસ સફળ થઈ ગયો.

શમ્મી કપૂરે પોતાની આત્મકથા 'શમ્મી કપુર ધ ગૅમ ચૅન્જર'માં એક આખું પ્રકરણ મુધબાલાને સંપર્પિત કર્યું છે, એનું શિર્ષક છે, 'ફૅલ મૅડલી ઇન લવ વિધ મધુબાલા.'

તેઓ કહે છે, "મને એ ખબર હતી કે મુધ કોઈ બીજાને પ્રેમ કરે છે એમ છતાં હું એ સ્વીકારવા માગું છું કે હું તેમને ગાંડાની જેમ પ્રેમ કરવા લાગ્યો હતો."

"આ માટે કોઈને પણ દોષ ના આપી શકાય કારણ કે મેં એટલી ખૂબસુરત સ્ત્રી બીજી કોઈ નથી જોઈ."


શમ્મી કપુરે વર્ષ 2001માં પ્રકાશિત આ આત્મકથામાં કહ્યું હતું કે 'છ દાયકા બાદ આજે પણ જ્યારે તેઓ મધુબાલા અંગે વિચારે છે તેમના હૃદયના ધબકારા થંભી જાય છે.'

મધુબાલાની સુંદરતા એવી હતી કે પોતાની ડૅબ્યૂ ફિલ્મ 'રેલ કા ડિબ્બા'ના શૂંટિગ દરમિયાન મધુબાલાને જોતાં જ તેઓ પોતાના સંવાદો ભૂલી જતા હતા.

માત્ર 36 વર્ષની ઉંમર, જીવનના અંતિમ 9 વર્ષ પોતાના જ ઘરમાં કેદ થઈ રહેવા મજબૂર અને માત્ર 66 ફિલ્મો.

આમ છતાં મધુબાલાએ એ મૂકામ હાંસલ કરી લીધો કે એમને ક્યારેય ભૂલાવી ના શકાય.

જન્મથી જ મધુબાલાના હૃદયમાં કાણું હતું અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર એ બીમારીમાં તેમણે વધારે કામ નહોતું કરવું જોઈતું.

પણ મુધબાલાના પિતાએ એમને એક એવી દુનિયામાં ધકેલી દીધાં હતાં કે જ્યાં તેમણે સતત કામ કરવું પડે એમ હતું.


હકીકત એવી હતી કે મધુબાલાના શીરે માત્ર પોતાનાં માતાપિતા જ નહીં પણ 11 ભાઈ-બહેનના પરિવારની જવાબદારી હતી.

તેમના પિતા લાહોરમાં 'ઇમ્પિરિયલ ટૉબેકો કંપની'માં કામ કરતા હતા.

એ નોકરી જતી રહી તો તેઓ દિલ્હી આવ્યા અને દિલ્હીથી મુંબઈમાં એવું નક્કી કરીને પહોંચ્યા કે સુંદર મધુબાલાને ફિલ્મોમાં કામ મળી જશે.

એમની ઇચ્છા ફળી અને માત્ર 6 વર્ષની મધુબાલાએ માયાનગરમાં પગલાં માંડ્યાં.

આ કામમાં તેમણે પોતાની જાતને કેટલી ખપાવી દીધી એનો ઉલ્લેખ 1957માં 'ફિલ્મફૅર'ની એ ખાસ સીરિઝમાં મળે છે, જેમાં પત્રિકાએ એ જમાનાના સુપરસ્ટાર્સને પોતાના અંગે કંઈક લખવા કહ્યું હતું.

નરગીસ, મીનાકુમારી, નૂતન, રાજ કપુર, દિલીપકુમાર, દેવ આનંદ, કિશારકુમાર, અશોકકુમારે એમાં પોતાનાં અંગે માટે લખ્યું હતું.

આ સિરીઝમાં મધુબાલાએ પોતાના અંગે કંઈક લખવાનો ઇન્કાર કરતાં માફીનાફામાં લખ્યું હતું,

"હું મારી જાતને ગુમાવી ચૂકી છું. એવામાં મારી અંગે શું લખું? મને લાગે છે કે તમે મને એના વિશે લખવા માટે કહ્યું છે જેને હું ઓળખતી જ નથી."

"સમયે મને પોતાની જાતને મળવાનો વખત જ ના આપ્યો. જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારે કોઈએ મારા વિશે પૂછ્યું નહીં અને હું આ ભૂલભૂલામણીમાં આવી ગઈ."

https://twitter.com/FilmHistoryPic/status/963602473142321152

"ફિલ્મ ઉદ્યોગે મને સૌ પહેલી શિખામણ એ આપી કે તમારે તમારા અંગે બધુ જ ભૂલી જવાનું હોય. બધુ જ, પોતાને પણ. ત્યારે જ તમે ઍક્ટ કરી શકો. એવામાં હું મારી જાત અંગે શું લખું?"

મધુબાલાના ફિલ્મી જીવન પર ખતિજા અકબરે 'આઈ વૉન્ટ ટુ લિવ : ધ સ્ટોરી ઑફ મધુબાલા' લખી છે.

આ પુસ્તકમાં જણાવાયું છે કે કઈ રીતે મધુબાલાએ પોતાના અભિનય પ્રત્યેના અનુશાસન અને શીખવાની ધગશને ક્યારેય કમ નહોતી કરી.

મધુબાલાએ એ સમયમાં ફિલ્મી દુનિયાનાં એક માત્ર એવા અભિનેત્રી હતાં કે જે સમય પહેલાં સૅટ પર આવી જતાં.

જોકે, સ્વાસ્થ્યના કારણોને લઈને તેમણે ક્યારેય આઉટડૉર શૂટિંગમાં ભાગ નથી લીધો. આમ છતાં મધુબાલાનું નામ એમના સમયની ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતું.

કામ પ્રત્યેના તેમના પર પર્ફૅક્શનનું ઉદાહરણ આપવું હોય તો 'મુગલ-એ-આઝમ' ફિલ્મના એ પ્રેમદૃશ્યો જુઓ, જેમા શાહઝાદા સલીમ, અનારકલીને મોરપીંછથી પજવે છે.

આ દૃશ્યોનો સમાવેશ ભારતીય સિનેમાના સૌથી રૉમેન્ટિક દૃશ્યોમાં કરવામાં આવે છે.

અહીં જાણવું રસપ્રદ છે કે એ ફિલ્મના તમામ પ્રેમદૃશ્યો વખતે મધુબાલા અને દિલીપકુમારે અબોલા લઈ લીધા હતા.


દિલીપકુમાર-મધુબાલાની પ્રેમકથા

બન્નેને એક વખતે ભારતીય ફિલ્મ ઇતિહાસની સૌથી રૉમેન્ટિક જોડી તરીકે ઓળખાતાં હતાં. બન્ને એકબીજાને પ્રેમ પણ કરતાં હતાં.

1955માં પ્રથમ વખત ફિલ્મ 'ઇન્સાનિયત'ના પ્રિમિયર વખતે મધુબાલા અને દિલીપકુમાર પ્રથમ વખત જાહેરમાં એકબીજા સાથે દેખાયાં હતાં.

આ પ્રથમ અને એક માત્ર ઘટના હતી કે બન્ને જાહેરમાં એક સાથે દેખાયાં હોય.

એ તકને કવર કરનારા પત્રકાર કે.રાઝદાને બાદમાં લખ્યું હતું કે મધુબાલા આનાથી વધુ ખુશ પહેલાં ક્યારેય નહોતા દેખાયાં. 'રૉક્સી સિનેમા'માં યોજાયેલા એ આખા પ્રિમિયર દરમિયાન મધુબાલાએ દિલીપકુમારનો હાથ પકડી રાખ્યો હતો.

શમ્મી કપુરે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે કઈ રીતે દિલીપકુમાર માત્ર મધુબાલાને જોવા માટે જ મુંબઈથી પુણે સુધી કાર ચલાવીને આવતા હતા અને દૂર ઊભા રહીને મધુબાલાને જોયા કરતા હતા.

અલબત્ત, એક સર્વ સામાન્ય માન્યતા એ પણ છે કે મધુબાલાના પિતા નહોતા ઇચ્છતા કે મધુબાલા અને દિલીપકુમારનાં લગ્ન થાય.

ફિલ્મી પત્રિકાઓમાં પણ આને લઈને અઢળક છપાયું હતું. જોકે, દિલીપકુમારે પોતાની આત્મકથા 'દિલીપકુમાર : ધી સબ્સ્ટૅન્સ ઍન્ડ ધ શૅડો'માં આનાથી એકદમ અલગ જ વાત કરી છે.


મધુબાલા-દિલીપ આવી રીતે અલગ થયાં?

તેમણે લખ્યું છે, "જેવું કહેવાય છે, તેનાથી વિરુદ્ધ મધુ અને મારાં લગ્નની વિરુદ્ધ તેમના પિતા નહોતા. તેમની પોતાની પ્રોડક્શન કંપની હતી અને તેઓ એ વાતે ખૂબ ખુશ હતા કે એક જ ઘરમાં બે મોટા સ્ટાર હાજર હશે."

"એ તો ઇચ્છતા હતા કે દિલીપકુમાર અને મધુબાલા એક બીજાની હાથમાં હાથ પરોવી પોતાની કારકિર્દીના અંત સુધી તેમની ફિલ્મોમાં ડ્યુઍટ ગાતા નજરે પડે."

તો પછી એવી કઈ વાત બની કે બોલીવુડની સૌથી પ્રખ્યાત પ્રેમકથા લગ્ન સુધી પહોંચી ના શકી?

દિલીપકુમારે આ વિશે પણ લખ્યું છે, "જ્યારે મને મધુ પાસેથી તેમના પિતાની યોજનાઓ અંગે જાણ થઈ તો મારી એમની સાથે લાંબી વાતચીત થઈ."

"મેં એ બંનેને કહ્યું કે મારી કામ કરવાની મારી પોતાની રીત છે. હું મારી અનુકુળતા મુજબ પ્રોજેક્ટ પસંદ કરું છું અને એમાં મારું પોતાનું પ્રોડક્શન હાઉસ હોય તો પણ ઢીલ ના મૂકી શકું."

દિલીપકુમાર અનુસાર તેમની આ જ વાત મધુબાલાના પિતા અયાતુલ્લા ખાનને પસંદ ના પડી અને તેમણે દિલીપકુમારને જિદ્દી અને અડિયલ માનવાનું શરૂ કરી દીધું.

દિલીપકુમાર અનુસાર મધુબાલાનો લગાવ કાયમ પોતાના પિતા તરફ જ રહ્યો અને કહેતા રહ્યા કે લગ્ન થયા પછી બધું ઠીક થઈ જશે.

એવું પણ નહોતું કે દિલીપ લગ્ન માટે તૈયાર નહોતાય 1956માં 'ઢાકે કી મલમલ' ફિલ્મના શૂટિંગ દરમિયાન એક દિવસ તેમણે મધુબાલાને કહ્યું પણ કે 'કાઝી રાહ જુએ છે, ચાલ! મારા ઘરે આજે જ નિકાહ પઢી લઈએ.'

પરંતુ તેમની વાતો પર મધુબાલા રડવાં લાગ્યાં. દિલીપકુમાર કહેતા રહ્યા કે 'જો આજે તું નહીં આવે તો હું તારી પાસે પાછો નહીં આવું, ક્યારેય નહીં આવું.'

દિલીપ કુમાર તે પછી મધુબાલા પાસે પરત ના આવ્યા. કારણ કે બંને વચ્ચે 1957માં એવો વિવાદ સર્જાયો કે જેની આંચથી તેમના વચ્ચેના પ્રેમનો કસમયે અંત આવી ગયો.

1957માં પ્રદર્શિત 'નયા દૌર' ફિલ્મ માટે દિલીપકુમાર અને મધુબાલાને નિર્દેશક બી. આર. ચોપડાએ સાઇન કર્યાં.

આ ફિલ્મનું આઉટડૉર શૂટિંગ પૂણે અને ભોપાલમાં થવાનું હતું, પરંતુ મધુબાલાના પિતાએ મધુબાલાને ભોપાલ મોકલવાની ના પાડી દીધી. ત્યાં સુધી બી.આર. ચોપડા પોતાની ફિલ્મનું ઘણું શૂટિંગ કરી ચૂક્યા હતા.

વકીલ તરીકે કામ કરી ચૂકેલા બી.આર. ચોપડા આ કિસ્સો કોર્ટ સુધી લઈ ગયા અને આ દરમિયાન તેમણે મધુબાલાની જગ્યાએ વૈજયંતી માલાને સાઇન કરી લીધાં.

આ કિસ્સાની સુનાવણી દરમિયાન દિલીપકુમારે કોર્ટમાં કહ્યું હતું કે તેઓ મધુબાલાને પ્રેમ કરે છે અને તેમના મૃત્યુ સુધી મોહબ્બત કરતા રહેશે. પરંતુ તેમણે તેમનું નિવેદન બી આર ચોપડાના પક્ષમાં આપ્યું.

દિલીપકુમારે પોતાની આત્મકથામાં આ વિશે લખ્યું છે કે તેમણે પોતાની તરફથી સુલેહના ઘણા પ્રયત્નો કર્યા હતાં પરંતુ કોઈ લાભ થયો નહી અને આખાં કિસ્સામાં બી.આર. ચોપડાનો પક્ષ સાચો હતો.

આ પછી મધુબાલાને ખાતરી થઈ ગઈ કે દિલીપકુમાર તેમની પાસે ક્યારેય પાછા નહીં આવે.


કિશોરકુમાર સાથે લગ્ન

આ જુદાઈના સમય દરમિયાન જ મધુબાલાએ લગ્ન કરવા માટે મન મનાવ્યું હશે. પરંતુ તેઓ કિશોરકુમાર સાથે લગ્ન કરી લેશે, એનો કોઈને પણ અંદાજ નહતો.

મધુબાલા અને દિલીપકુમારના રસ્તા અલગ થવા લાગ્યા, એ જ વખતે કિશોરકુમારનાં રોમા દેવી સાથે છૂટાછેડા થઈ ગયા હતા.

એ વખતે મધુ અને કિશોર એક સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યાં હતાં.

આ કારણથી બંને વચ્ચે એક આકર્ષણ થયું અને વર્ષ 1960માં કિશોરકુમાર અને મધુબાલાએ લગ્ન કરી લીધાં.

કિશોરકુમાર સાથે લગ્નના નિર્ણયે મધુબાલાને દિલીપકુમારથી અલગ થવાની તુલનાએ ઘણો વધુ આઘાત પહોંચાડ્યો.

કિશોરકુમારને મધુબાલાની બીમારી વિશે તો જાણકારી હતી પરંતુ તેની ગંભીરતાનો અંદાજ નહતો.

તેઓ મધુબાલાને ઇલાજ માટે લંડન લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ જવાબ આપતા કહ્યું કે હવે વધુમાં વધુ મધુબાલા એકથી બે વર્ષ જ જીવી શકે.

એ પછી કિશોરકુમાર જ્યારે પાછા ફર્યા ત્યારે તેઓ મધુબાલાને તેમના પિતા અને બહેનો પાસે મૂકી આવ્યા અને કહ્યું કે તેઓ એટલા વ્યસ્ત રહે છે કે મધુબાલાની સાર-સંભાળ નહીં લઈ શકે.

તેઓ મધુબાલાને મળવા ચોક્કસ આવતા હતા પરંતુ ત્રણ ચાર મહિનાના અંતરે એટલે જ્યારે મધુબાલાને કિશોરકુમારના સાથની સૌથી વધુ જરૂર હતી, ત્યારે કિશોરકુમારની પાસે તેમના માટે સમય જ નહતો.


એ સ્થિતિમાં હૃદયની બીમારી વધતી ગઈ પરંતુ મધુબાલાની અંદર જીવવાની ઇચ્છા ઘણી હતી.

એટલે જ ડૉક્ટરોએ હાથ ઊંચા કરી લીધા બાદ પણ નવ વર્ષ સુધી તેઓ જીવિત રહ્યાં. પ

રંતુ જીવનના અંતિમ નવ વર્ષ તેમણે ખુબ જ એકાંતમાં પસાર કર્યાં. આ દરમિયાન સાવ ગણ્યાં-ગાંઠયા લોકો જ તેમના ખબરઅંતર પૂછવા માટે તેમના ઘરે આવતા.

એમાં દિલીપકુમારનો પરિવાર પણ સામેલ હતો.

'મુગલ-એ-આઝમ' રજૂ થયાના તુરંત બાદ મધુબાલા ગંભીર રીતે બીમાર પડ્યાં.

જોકે, એના ચાર વર્ષ સુધી તેમની ફિલ્મો રજૂ થતી રહી પરંતુ મધુબાલા અંતિમ દિવસોમાં કેવાં દેખાતાં હતાં, એ બાબતે ઓછા ક્યાસ નથી લગાવાયા.

'બોલીવુડ ટૉપ 20- સુપરસ્ટાર્સ ઑફ ઇન્ડિયા'માં મધુબાલાના અંતિમ દિવસોની ઝલક મળે છે.

દિલીપકુમારનાં બહેન સઈદા ખાનના અનુસાર મધુબાલાના મોતના એક દિવસ પહેલાં તેઓ તેમને મળ્યાં હતાં અને એ વખત સુધી તેમની સુંદરતામાં કોઈ પ્રકારની ઉણપ નહોતી આવી.

જોકે, લાંબી બીમારીને કારણે તેઓ થાકેલાં-હારેલાં ચોક્કસ દેખાતાં હતાં પરંતુ ચહેરાની ચમક યથાવત હતી.


અંતિમ દિવસોમાં મુધબાલાની સુંદરતા

પરંતુ કદાચ બીમારીએ મધુબાલાના આત્મબળને નબળું કરી નાખ્યું હતું.

એટલે જ પોતાના અંતિમ દિવસોમાં તેઓ મૅકઅપ કરવા લાગ્યાં હતાં. 'સુપરસ્ટાર્સ ઑફ ઇન્ડીયા'માં ફિલ્મ નિર્દેશક શક્તિ સામંતાએ જણાવ્યું હતું કે તેઓ પણ મધુબાલાના મૃત્યુના બરાબર એક દિવસ પહેલાં તેમને મળ્યા હતા.

એ વખતે મુધબાલાએ ઘણો મૅકઅપ કર્યો હતો. પરંતુ પોતાની સંપૂર્ણ ફિલ્મી કારકિર્દી દરમિયાન તેઓ ઘણો ઓછો મેકઅપ કરવા માટે જાણીતાં હતાં.

જે સુંદરતાનો બોલીવુડમાં એક સમયે ડંકો વાગતો હતો, એ જ બોલીવૂડની દુનિયાએ તેમને ભુલાવી દીધાં હતાં. પણ ભારતીય સિનેપ્રેમિઓના હૃદયની તેઓ હંમેશાં સામ્રાજ્ઞી બની રહ્યાં.

'ભારતીય ટપાલ સેવા'એ 18 માર્ચ, 2008 ના રોજ મધુબાલાની યાદમાં એક ટપાલ ટિકિટ પ્રકાશિત કરી હતી.

આ પ્રસંગે ફિલ્મ અભિનેતા મનોજકુમારે કહ્યું હતું કે 'મધુબાલા દેશનો ચહેરો હતાં. એક સદીમાં કોઈક એક જ મધુબાલા પેદા થઈ શકે છે. જ્યારે પણ તેમને જોતો હતો ત્યારે મારા હૃદયમાં ગઝલ ગુંજવા લાગતી હતી.'

ખરેખર, કોઈ બીજું ક્યારેય એ મધુબાલા ના બની શકે જે જેની એક તસવીર જોવા માત્રથી દિલોમાં સંવેદનાઓના તાર ઝણઝણી ઉઠે. મારા પણ અને તમારા પણ.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=lCLeIyH5hjU&t=8s

English summary
Why did Dilip Kumar and Madhubala's love story remain incomplete?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X