• search

Exclusive : ‘ગુજરાતી પીએમ’ ભરી શકશે મતદારોમાં જોમ?

By કન્હૈયા કોષ્ટી

અમદાવાદ, 29 એપ્રિલ : ગુજરાત લોકસભા ચૂંટણી 2014 માટે તૈયાર છે. બસ ગુરુવારે સવારે 7 વાગતા જ ગુજરાતના લોકોના હાથમાં મતદાન કરવા માટેની પાંચ વર્ષે મળતી તક આવી જશે અને લોકો મતદાન કેન્દ્રો ઉપર પહોંચીને પોતાનો મત આપશે. તે વાતમાં કોઈ શંકા નથી કે દર વખતની જેમ આ વખતે પણ લોકોના મગજમાં મતદાન કરતા પહેલા અનેક બાબતો હશે અને તે બાબતોને આધારે જ મતદાન થશે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને ભારતીય જનતા પક્ષ તથા તેના તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના મિશન 272 માટે આ 26 બેઠકો પણ ખૂબ મહત્વ ધરાવે છે, તો કોંગ્રેસ માત્ર 2009નું પરિણામ દોહરાવવાનું જ નહીં, પણ તેના કરતા સારો દેખાવ કરવાનું દબાણ છે. બંને પક્ષો વધુમાં વધુ બેઠકો જીતવાની કોશિશમાં છે, પરંતુ તેમની આ કોશિશ ત્યારે જ રંગ લાવી શકશે કે જ્યારે લોકો મોટાપાયે મતદાન કરવા માટે ઘરોની બહાર નિકળે.

જ્યાં સુધી ગુજરાતના ઇતિહાસની વાત છે, તો મતદાન કરવા અંગેનો તેનો ટ્રૅક રેકૉર્ડ ખૂબ જ ખરાબ છે. ખાસ તો લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતનું મતદાન વિધાનસભા ચૂંટણીઓ કરતા નીચુ રહેતુ આવ્યું છે. તેમાં પણ છેલ્લા 12 વર્ષથી તો વિધાનસભા ચૂંટણીના 16 માસ બાદ જ લોકસભા ચૂંટણીઓ હોય છે, પરંતુ 16 માસના ગાળામાં જ વિધાનસભાની સરખામણીમાં લોકસભામાં મતદાનની ટકાવારી 10થી 15 ટકા ઘટી જાય છે.

પૃથક ગુજરાતની સ્થાપના થયા બાદ ગુજરાતમાં 1962થી 2009 દરમિયાન લોકસભાની કુલ 13 ચૂંટણીઓ થઈ છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 51.74 ટકા મતદાન થયું છે. તેમાં સૌથી વધુ 63.77 ટકા મતદાન 1967માં થયુ હતું, તો સૌથી ઓછુ 35.92 ટકા મતદાન 1996માં થયુ હતું. બહુ પાછળ ન જતા ગત ચૂંટણીની વાત કરીએ, તો 2009ની લોકસભા ચૂંટણીમાં માત્ર 47.92 ટકા લોકો જ વોટ આપવા ઘરોમાંથી બહાર નિકળ્યા હતાં. આમ કહી શકાય કે ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી બહુ નીચી રહે છે.

જોકે ગત લોકસભા ચૂંટણી 2009માં કોઈ વિશેષ લહેરની વાત નહોતી. ભાજપ તરફથી લાલકૃષ્ણ અડવાણી, તો કોંગ્રેસ તરફથી ડૉ. મનમોહન સિંહ મેદાનમાં હતાં. કોઈ વિશેષ લહેરના અભાવે રાષ્ટ્રીય કક્ષાએ જ મતદાન ઓછુ થયુ હોય, તો મતદાન કરવામાં આળસુ ગુજરાત પાસે વધુ મતદાનની આશા કઈ રીતે સેવી શકાય? પરંતુ આ વખતે માહોલ જુદો છે, કારણ કે આ વખતે ગુજરાતના ચૂંટણી માહોલમાં એક તરફ કેન્દ્રની કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યૂપીએ સરકાર વિરુદ્ધના મુદ્દાઓ છે, તો બીજી બાજુ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની ઉમેદવારીનો સવાલ છે. લગભગ 37 વર્ષ બાદ કોઇક ગુજરાતીના વડાપ્રધાન બનવાની શક્યતા ઊભી થઈ છે અને એટલે જ આ વખતની ચૂંટણીમાં ગુજરાતના મતદારોની સમક્ષ ગુજરાતી પીએમનો મુદ્દો પણ મહત્વનો છે.

દરમિયાન ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારની કથિત નિષ્ફળતાઓ બતાવી કોંગ્રેસ દ્વારા કરાતો વિરોધ પણ આ ચૂંટણીમાં મતદારો માટે એક મુદ્દો તો છે જ, પરંતુ ભાજપ તરફથી ગુજરાતમાં મોદીનો ગુજરાતી પીએમ તરીકેનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે. ભાજપના પોસ્ટર્સમાં પણ ‘વોટ તમારો-વટ ગુજરાતનો' જેવા નારા મૂકવામાં આવ્યા છે કે જે દર્શાવે છે કે ભાજપ ગુજરાતી પીએમના મુદ્દે પણ લોકોના મોટા સમર્થનની આશા સેવે છે. શું ભાજપ તરફથી ગુજરાતી પીએમનો ચલાવાયેલ મુદ્દો ગુજરાતના મતદારો વચ્ચે અસર કરી શકશે? શું લોકસભા ચૂંટણીઓમાં મતદાન કરવામાં ઉદાસીન ગણાતા ગુજરાતના મતદારો ગુજરાતી પીએમ બનાવવાના મુદ્દે મોટી સંખ્યામાં ઘરોમાંથી બહાર નિકળશે?

ગુજરાતમાં ગુજરાતી પીએમનો મુદ્દો પહેલી વાર નથી ઊભો થયો. દેશના વડાપ્રધાન પદે સૌપ્રથમ ગુજરાતી ગુલઝારી લાલ નંદા વિરાજ્યા હતાં. જોકે તેઓ પરિસ્થિતિજન્ય કાર્યવાહક વડાપ્રધાન બન્યા હતાં, પરંતુ ચૂંટણી દ્વારા ચુંટાઈને વડાપ્રધાન બનવાનો સૌભાગ્ય મોરારજી દેસાઈને મળ્યો હતો. 1975માં ઇંદિરા ગાંધી દ્વારા દેશમાં લદાયેલ ઇમર્જંસી વિરુદ્ધ દેશભરમાં વ્યાપ્ત ગુસ્સાનો જુવાળ લોકસભા ચૂંટણી 1977માં જોવાયો હતો અને તે ચૂંટણીમાં જનતા પાર્ટીનો વિજય થયો હતો. જનતા પાર્ટી તરફથી મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન બન્યા હતાં અને તેઓ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતાં. જોકે 1977ની ચૂંટણીમાં ઇંદિરા અને કોંગ્રેસ વિરોધી જુવાળ વચ્ચે તથા મોરારજી દેસાઈ જેવા ગુજરાતીના વડાપ્રધાન બનવાની શક્યતા વચ્ચે પણ ગુજરાતમાં મતદાનની ટકાવારી 60 સુધી નહોતી પહોંચી શકી. એ ચૂંટણીમાં ગુજરાતમાં 59.21 ટકા ગુજરાતીઓ મત આપવા નિકળ્યા હતાં. એટલે જ સવાલ ઊભો થાય છે કે જે કામ 77નો ઇમર્જંસી વિરોધી અને ગુજરાતી પીએમ સમર્થક સાદ ન કરી શક્યું, તે કામ શું આ વખતે મોદી લહેર સાથે ગુજરાતી પીએમનો મુદ્દો કરી શકશે?

ચાલો તસવીરો સાથે સમજીએ ગુજરાતના મતદારોની તાસીર :

શરુઆત જ ખરાબ

શરુઆત જ ખરાબ

પૃથક ગુજરાતની સ્થાપના બાદ પહેલી વાર 1962માં યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતનું મતદાન 46.97 ટકા રહ્યુ હતું. આમ ગુજરાતમાં પહેલી વખત થયેલ ચૂંટણીમાં લોકો મત આપવા બહાર નિકળ્યા નહોતાં.

67માં શૂરા ને 71માં પીછેહઠ

67માં શૂરા ને 71માં પીછેહઠ

ગુજરાતમાં બીજી લોકસભા ચૂંટણી 1967માં યોજાઈ કે જેમાં 63.77 ટકા જેટલું ભારે મતદાન થયું, પરંતુ 1971માં ફરી પીછેહઠ કરતા ગુજરાતના લોકોએ માત્ર 55.49 ટકા મતદાન કર્યું.

લહેરોમાં પણ આળસુ ગુજરાતીઓ

લહેરોમાં પણ આળસુ ગુજરાતીઓ

ગુજરાતના લોકો લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા પ્રત્યે કેટલા આળસુ છે તે આ વાતથી સમજી શકાય કે દેશમાં ખાસ લહેર ચાલતી હોય, ત્યારે પણ ગુજરાતમાં મતદાનની ટકાવારી 60ને આંબી શકી નથી. તેમાં ઇમર્જંસી-કોંગ્રેસ-ઇંદિરા વિરોધી લહેર વચ્ચે 1977માં 59.21 ટકા, ઇંદિરા લહેર વચ્ચે 1980માં 55.41 ટકા, ઇંદિરા ગાંધીની હત્યાના કારણે ઉપજેલ સહાનુભૂતિ લહેર વચ્ચે 57.93 ટકા અને કોંગ્રેસ-રાજીવ સરકાર વિરોધી તથા વી. પી. સિંહ પક્ષે લહેર વચ્ચે 54.58 ટકા જ મતદાન થયુ હતું.

નિરાશાનો માહોલ

નિરાશાનો માહોલ

દેશ ભરમાં રાજકીય અસ્થિરતા અને નવા થતા ગઠબંધનના યુગમાં ગુજરાતના મતદારોમાં નિરાશાના માહોલ જોવા મળ્યો અને તેથી જ 1991માં 44.01 ટકા, તો 1996માં 35.92 ટકા જ મતદાન થયું. ઓછા મતદાન અંગે ચૂંટણી પંચે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ વિરોધી માહોલ

કોંગ્રેસ વિરોધી માહોલ

લોકસભા ચૂંટણી 1998 અને 1999માં કોંગ્રેસ વિરોધી માહોલ હતો, પરંતુ ગુજરાતમાં 1998માં 59.31 તથા 1999માં 47.03 ટકા મતદાન થયુ હતું.

વો હી રફ્તાર...

વો હી રફ્તાર...

ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓમાં ઓછુ મતદાન કરવાની વો હી રફ્તાર 2004 અને 2009ની ચૂંટણીઓમાં પણ જળવાઈ રહી. 2004માં 45.18 ટકા, તો 2009માં 47.92 ટકા ગુજરાતી મતદારો વોટ આપવા ઘરોની બહાર નિકળ્યાં.

ઓછા મતદાનનો ભય

ઓછા મતદાનનો ભય

હવે આ વખતે લોકસભા ચૂંટણી 2014માં ગુજરાતી પીએમનો મુદ્દો ભાજપ તરફથી ખૂબ ચગાવાઈ રહ્યો છે, પરંતુ ગુજરાતનો ટ્રૅક રેકૉર્ડ જોતા નથી લાગતું કે આટલી ગરમી વચ્ચે મતદારો ઘરોની બહાર નિકળશે?

ગુજરાતી પીએમનો વટ બનશે વોટ?

ગુજરાતી પીએમનો વટ બનશે વોટ?

ગુજરાતમાં 30મી એપ્રિલે મતદાન થવાનું છે. સૌથી મહત્વનો મુદ્દો એ જ રહેશે કે શું ગુજરાતમાં મતદાનની ટકાવારી ઉંચી આવશે? શું ગુજરાતી પીએમ તરીકે નરેન્દ્ર મોદીને દિલ્લીની ગાદીએ બેસાડવાના નામે ગુજરાતના લોકો મોટાપાયે મતદાન માટે ઉમટી પડશે?

English summary
Gujarati voter's track record so poor about voting in Lok Sabha Elections. Although, Lok Sabha Election 2014 is different for Gujarat and all Gujarati people, because BJP's Prime Minister candidate Narendra Modi is a Gujarati. Will issue of Gujarati PM increase vote percent in Gujarat? After 1977, this is 2nd time that a Gujarati Person in PM race, but at that time not affected this issue. Let's see, what will happen this time?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more