• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખેડૂત આંદોલનનું એક વર્ષ: ત્રણેય કાયદા પાછા ખેંચી લીધા બાદ ખેડૂતોની સમસ્યાઓનો અંત આવી જશે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

એક વર્ષના ખેડૂતોના આંદોલનને અંતે સરકારે ત્રણેય કૃષિકાયદાઓ પાછા ખેંચી લીધા છે. આ નિર્ણયને 'ખેડૂતોની જીત' તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

જોકે, કૃષિપેદાશો પર લઘુતમ ટેકાના ભાવને કાયદેસર રીતે લાગુ કરવાના પ્રશ્ન પર ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે હજુ મડાગાંઠ છે.

જે દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિકાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી, તે દિવસે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર કૃષિક્ષેત્રમાં કેવી રીતે સુધારા લાવી શકાય તેની શક્યતાઓ પણ તપાસશે.

પરંતુ સવાલો એ ઊઠી રહ્યા છે કે આ ત્રણેય કાયદા પાછા ખેંચી લીધા બાદ હવે ખેડૂતોની સમસ્યાઓનો અંત આવી જશે?

વરિષ્ઠ પત્રકાર પી સાઈનાથ કહે છે કે હવે કોઈ પણ સમિતિ બનાવવાને બદલે કૃષિ આયોગની રચના કરવાની જરૂર છે.

તેઓ કહે છે કે ભારતના બંધારણના ઘડવૈયાઓએ દીર્ઘદૃષ્ટિ વાપરીને કૃષિને રાજ્યનો વિષય બનાવ્યો હતો, કારણ કે ભારતમાં વિવિધ પ્રાંતમાં વિભિન્ન પ્રકારના પાક ઉગાડવામાં આવે છે અને દરેક પ્રાંતની ભૌગોલિક અને પ્રાકૃતિક પૃષ્ઠભૂમિ પણ અલગ છે. એટલે જ સમસ્યાઓ પણ વિભિન્ન પ્રકારની હોવાની.

કૃષિ અર્થશાસ્ત્રીઓએ જે મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે તે ખેડૂતોની ઘટતી આવક છે, કારણ કે 2016માં થયેલા સરકારના આર્થિક સર્વે પ્રમાણે, દેશનાં 17 રાજ્યો એવાં છે જ્યાં ખેડૂતોની વાર્ષિક આવક માત્ર વીસ હજાર રૂપિયા છે.


દેશમાં કેટલું ઉત્પાદન થાય છે?

ગત સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવેલા 'સિચ્યુએશનલ ઍસેસમેન્ટ સર્વે' અનુસાર, ખેડૂતો ખેતીમાંથી મહિને સરેરાશ માત્ર 10 હજાર રૂપિયા કમાય છે. એની સામે દેશમાં લગભગ 30 કરોડ ટન અનાજ, 32 કરોડ ટન ફળો અને શાકભાજી અને 20 કરોડ ટન દૂધનું ઉત્પાદન થાય છે.

કૃષિક્ષેત્રના અર્થશાસ્ત્રી દેવિન્દર શર્માએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાથી ખેડૂતોને મોટી રાહત મળી છે, કારણ કે જે પ્રગતિશીલ દેશોમાં માર્કેટ સુધર્યુ છે ત્યાં ખેતીમાં મોટી કટોકટી સર્જાઈ છે.

તેમણે કહ્યું હતું કે ત્રણેય કૃષિકાયદાઓ અમેરિકા, યુરોપિયન યુનિયન અને ઇંગ્લૅન્ડમાં લાગુ એક જ મૉડલ પર બનાવવામાં આવ્યા છે. ભારતમાં પણ કુલ જીડીપીમાં કૃષિક્ષેત્રનું યોગદાન ઘટી રહ્યું છે, જે હવે 14 ટકાની આસપાસ રહ્યું છે.

તેઓ કહે છે, "અમેરિકામાં બજાર સુધારાઓ છેલ્લાં 150 વર્ષથી ચાલી રહ્યા છે. આ સુધારાઓની અસર એવી થઈ કે ત્યાં ખેડૂતોની વસ્તી માત્ર 1.5 ટકા રહી છે. આ જ કારણે અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારોની સરખામણીએ આત્મહત્યાની ટકાવારી પણ ઘણી ઊંચી છે.

દેવિંદર શર્મા કહે છે કે ભારતમાં કૃષિક્ષેત્રને બચાવવાનો એક જ રસ્તો હોઈ શકે છે - તે છે કૃષિ ઉત્પાદનો પર લઘુતમ ટેકાના ભાવનો મજબૂત કાયદો. સાતમા પગારપંચનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે માત્ર 4થી 5 ટકા લોકોને જ તેનો લાભ મળ્યો છે.

"જ્યારે નવું પગારપંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવતું હતું કે તે દેશની અર્થવ્યવસ્થામાં નવું ચેતન લાવી દેશે. તો પછી અંદાજ લગાવો કે જો લઘુતમ ટેકાના ભાવ લાગુ કરવામાં આવે અને દેશની લગભગ 50 ટકા વસ્તીને તેનો ફાયદો થશે. આમ થાય તો અર્થવ્યવસ્થામાં કેવું નવું જોમ આવે તેનો અંદાજ લગાવી શકાય છે.''


ખેડૂતો માટે હવે શું કરવાની જરૂર છે?

ખેડૂતો

એટલા માટે તેમનું કહેવું છે કે સરકારે દરેક પ્રકારની કૃષિપેદાશો માટે લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા જોઈએ અને ખેડૂતોની આવક વધારવાનો આ એકમાત્ર રસ્તો હોઈ શકે છે. તેઓ એમ પણ માને છે કે જો આમ નહીં થાય તો જેમ અત્યારે અમેરિકા અને યુરોપમાં થઈ રહ્યું છે તેમ અહી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ખેતીથી દૂર જશે.

લઘુતમ ટેકાના ભાવ ઘણાં રાજ્યોમાં લાગુ છે અને ઘણાં રાજ્યોમાં એની કોઈ વ્યવસ્થા નથી અને તે તમામ ઉત્પાદનો પર પણ લાગુ નથી પડતા.

કૃષિનિષ્ણાતોનું કહેવું છે કે આ અંગે કાયદો હોવો જોઈએ જેથી સમગ્ર દેશમાં તેને લાગુ પાડી શકાય.

ભારત સરકારના કૃષિ મંત્રાલયમાં સચિવ રહી ચૂકેલા સિરાજ હુસૈને પણ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલા 'સિચ્યુએશનલ ઍસેસમેન્ટ સર્વે'ના અહેવાલને ટાંકીને કહ્યું હતું કે રિપોર્ટ પ્રમાણે ભારતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક રૂ. 10,218 બતાવવામાં આવી છે અને ઝારખંડ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવાં પૂર્વ ભારતીય રાજ્યોમાં તો ખેડૂતોની માસિક આવક આનાથી પણ ઓછી છે.


દેશના ખેડૂતોની આવક કેટલી છે?

સરકારી આંકડા મુજબ, ઝારખંડનો ખેડૂત મહિને માત્ર 4,895 રૂપિયા કમાય છે, ઓડિશાનો ખેડૂત મહિને 5,112 રૂપિયા, પશ્ચિમ બંગાળનો ખેડૂત 6,762 રૂપિયા અને બિહારનો ખેડૂત માત્ર 7,542 રૂપિયા કમાય છે.

સિરાજ હુસૈનના જણાવ્યા પ્રમાણે, માર્કેટયાર્ડ નબળાં પડવાના કારણે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સામે પણ મોટું સંકટ ઊભુ થયું છે, કારણ કે સરકાર ખેડૂતો પાસેથી તેમના ઉત્પાદનની સીધી ખરીદી કરવાથી દૂર જઈ રહી છે.

સિરાજ હુસૈનના મતે, કૃષિક્ષેત્રમાં સુધારા બહુ જરૂરી છે, પરંતુ તે માત્ર નિષ્ણાતોની સમિતિ અથવા ટીમ દ્વારા તૈયાર થવા જોઈએ અને તેમના દ્વારા કૃષિક્ષેત્રની અર્થવ્યવસ્થા અને આબોહવામાં થઈ રહેલા પરિવર્તનની અસર પર સંશોધન બાદ જ તેનો નિર્ણય થવો જોઈએ.

જોકે જે દિવસે વડા પ્રધાને આ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી, તે દિવસે તેમણે તેમના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે એક સમિતિની રચના કરવામાં આવશે જેમાં કૃષિ અર્થશાસ્ત્રીઓ અને ખેડૂતોના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે.

સિરાજ હુસૈને પણ આ વાતની હિમાયત કરતા કહ્યું હતું કે હવે આવનારા દિવસોમાં જે પણ સુધારા પ્રસ્તાવિત કરવામાં આવે તેમાં રાજ્યોનો અભિપ્રાય જરૂરી છે, કારણ કે રાજ્યો જ તેમની પરિસ્થિતિ અનુસાર સૂચનો આપી શકશે.

આજે પણ ખેડૂતોની માથે વર્ષોથી ચાલ્યા આવતા એ જ મહત્ત્વના પ્રશ્નો યથાવત્ રહ્યા છે. પાણી, વીજળી, ખાતર અને બિયારણની ઉપલબ્ધતાના પ્રશ્નો.

તેથી જ વરિષ્ઠ પત્રકાર પી સાઈનાથ કહે છે કે જો કૃષિ પર અલગ કમિશન બનાવવામાં આવે તો તે આ મુદ્દાઓને ઉકેલવામાં મદદ કરી શકે છે.https://www.youtube.com/watch?v=i3PS3fwxOTc&t=1s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Will the problems of farmers come to an end after the three laws are withdrawn?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X