For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Elephant Day: દક્ષિણ ભારતમાં જંગલી હાથીઓ અને લોકો એકસાથે કઈ રીતે રહે છે?

World Elephant Day: દક્ષિણ ભારતમાં જંગલી હાથીઓ અને લોકો એકસાથે કઈ રીતે રહે છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
હાથી

તર્શ થેકેકરા થોડાં વર્ષો પહેલાં ભારતના એક સાંકડા પર્વતીય રસ્તા પર કાર હંકારી રહ્યા હતા ત્યારે તેમણે દાંત વિનાના એક મોટા નર હાથીને તેમના ભણી ધસી આવતો જોયો હતો.

થેકેકરા બીબીસીને કહે છે, "યુ-ટર્ન લેવા જેટલી જગ્યા ન હતી. તેથી હું કાર ઊભી રાખીને તેમાંથી બહાર નીકળી ગયો હતો અને પાછળ દોડવા લાગ્યો હતો."

"જો તમે હાથીની બહુ નજીક જાઓ તો એ તમારા પર ધસી આવતા હોય છે અને તમે વાહનમાં હો તો તમારા પર ધસી આવવાનો દેખાડો કરતા હોય છે."

જોકે, એ સમયે રસ્તાની ધાર પર ચાલી રહેલાં બાળકો ભયભીત થેકેકરાને જોઈને હસવા લાગ્યાં હતાં.

થેકેકરા કહે છે, "બાળકોએ કહ્યું હતું કે ગભરાશો નહીં, આ હાથી ગાય જેવો છે. એ પાણી પીવા જઈ રહ્યો છે અને તમને નુકસાન નહીં કરે."

બાળકોની વાત સાચી હતી. હાથીએ તેમની અવગણના કરી હતી અને જળકુંડ તરફ આગળ વધ્યો હતો એ જોઈને થેકેકરા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એલિફન્ટ રિસર્ચર એટલે કે હાથીઓ વિશે સંશોધન કરતા થેકેકરા દક્ષિણ ભારતના ગુડાલુર વન વિભાગમાં કામ કરતા હતા. તેમને હાથીનું આ વર્તન વિચિત્ર લાગ્યું હતું અને તેમને આ વિશે વધુ જાણવાની જિજ્ઞાસા થઈ હતી.


નગરોમાં ધસી આવતા અને વસી જતા હાથીઓ

હાથી

થેકેકરાને બાદમાં જાણવા મળ્યું હતું કે સ્થાનિક લોકોએ તે હાથીને ગણેશન નામ આપ્યું હતું. (જે દેખીતું હતું, કારણ કે હિન્દુ પૌરાણિક કથાઓમાં હાથીના મસ્તકવાળા ભગવાનનું નામ પણ ગણેશ છે)

વિશ્વના અનેક ભાગોમાં હાથીઓ ખોરાક તથા પાણીની શોધમાં વારંવાર માનવ વસાહતોમાં ધસી આવતા હોય છે.

સામાન્ય રીતે તેઓ થોડા દિવસોમાં ફરી જંગલમાં જતા રહે છે, પરંતુ દક્ષિણ ભારતમાં ગણેશન જેવા અનેક જંગલી હાથી માનવો સાથે જીવવાનું શરૂ કરી દે છે. હકીકતમાં હાથીઓ મોટા જંગલોને અડીને આવેલા નગરોમાં વર્ષનો મોટો હિસ્સો પસાર કરવાનું પસંદ કરે છે.

ગુડાલુર નગર અને તેની આજુબાજુના ગામોમાં અઢી લાખથી વધારે લોકો વસવાટ કરે છે. 500 ચોરસ કિલોમિટરના આ વનવિસ્તારમાં ચા-કૉફીના બગીચા આવેલા છે અને એ વિસ્તારમાં અંદાજે દોઢસો હાથી પણ રહે છે.

કેટલાક હાથીઓને શહેરમાં રહેવાનું એટલું બધું ફાવી ગયું છે કે ગણેશન જેવા કેટલાક હાથીઓ તેમની હાજરીમાં ફટાકડા ફોડવામાં આવે કે મોટા ઢોલ વગાડવામાં આવે તો પણ લોકો પર ધસી આવતા નથી કે આક્રમણ કરતા નથી.

થેકેકરા કહે છે, "આ બધું જ, જે હું પહેલાથી જાણતો હતો તેનાથી વિપરીત હતું. ગણેશને મારી સાથે કોઈ લડાઈ કરી ન હતી."


હાથી માટેની તાલીમ પ્રક્રિયાની ટીકા

જંગલી હાથીઓને વશમાં કરવાની અને તેમને તાલીમ આપવાની પ્રક્રિયાની સંખ્યાબંધ પશુ કલ્યાણ જૂથો ટીકા કરતાં રહે છે, પરંતુ વિશ્વના અનેક દેશોમાં એ પ્રક્રિયાનું અનુસરણ ચાલુ છે.

આ પ્રક્રિયા અનેક મહિનાઓ સુધી ચાલતી હોય છે. તેમાં હાથીઓને એકાંત કારાવાસમાં રાખવામાં આવે છે અને તેઓ મહાવતના આદેશનું પાલન કરવાનું શીખે નહીં ત્યાં સુધી તેમને ત્રાસ આપવામાં આવે છે.

જોકે, થેકેકરાનો અનુભવ દર્શાવે છે કે જંગલી હાથીઓ, માણસો સાથે રહેતા શીખવાની જન્મજાત ક્ષમતા ધરાવતા હોય છે.

તેઓ જળકુંડોમાંથી જાતે પાણી પી લેતા હોય છે અને ભોજનસામગ્રીની ચોરી કરતા હોય છે, પરંતુ કોઈને નુકસાન કરતા નથી.


ગણેશન હાથીનાં 'તોફાન'

હાથી

ગુડાલુર એલીફન્ટ મૉનિટરિંગ પ્રોજેક્ટના મુખ્ય સંશોધક તરીકે થેકેકરાએ તે વિસ્તારમાંના બધા હાથીઓનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો અને માણસો સાથે રહેતા પાંચ હાથીઓ સહિતના 90 હાથીઓ વિશે વિગતવાર નોંધ તૈયાર કરી હતી.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગે વૃદ્ધ નર હાથીઓ શહેરમાં આશ્રય લેતા હોય છે અને પોતાનું અસ્તિત્વ કેમ ટકાવી રાખવું તથા ખોરાક-પાણી કઈ રીતે મેળવવાં એ જાતે શીખતા હોય છે.

થેકેકરા કહે છે, "અમે ગણેશન પર સતત ત્રણ વર્ષ નજર રાખી હતી. એ જંગલમાં ક્યારેય ગયો ન હતો. એ લોકોની વચ્ચે જ સમય પસાર કરતો હતો."

"એ રસ્તાની બાજુએ નિયમિત રીતે ઊંઘી જતો હતો. તે તેની સૂંઢને બસોમાં ધુસાડતો અને ક્યારેક વાહનોના કાચ તોડી નાખતો જોવા મળ્યો હતો. તેણે કેટલીક રીક્ષાઓ પર હુમલો પણ કર્યો હતો."

ગણેશન શહેરનાં ઘરોની પાણીની ટાંકીમાંથી પાણી પીવા ટેવાઈ ગયો હતો.

હાથીએ ચાના બગીચાઓમાંની કામગીરી ક્યારેક વિક્ષેપ સર્જ્યો હતો, ટ્રાફિક થંભાવતો જોવા મળ્યો હતો, ફેરિયાઓ પાસેથી ફળો તથા શાકભાજી છીનવી લેવાના પણ કિસ્સા હતા પરંતુ કોઈને ક્યારેય નુકસાન કર્યું ન હતું.


ચોખા અને નમકના શોખીન હાથી

હાથી

ગુડાલુર રેન્જ, ત્રણ રાજ્યોમાં ફેલાયેલા નિલગિરી બાયોસ્ફીયર રિઝર્વનો એક હિસ્સો છે. એ વન વિસ્તાર 6,000થી વધારે એશિયન હાથીઓનું ઘર છે. આ હરિયાળા વનપ્રદેશમાં સંખ્યાબંધ વાઘ પણ વસવાટ કરે છે. આ વિસ્તારની ગણતરી ભારતમાં અતિ સુરક્ષિત વન્ય અભયારણ્યોમાં કરવામાં આવે છે.

થેકેકરાના અંદાજ મુજબ, દક્ષિણ ભારતના અત્યારે 20થી વધુ હાથીઓ નગરોમાં લોકોની સાથે રહે છે. એ પૈકીનો એક હાથી છે રિવાલ્ડો. રિવાલ્ડો વિખ્યાત ગિરિમથક ઊટીમાં વસવાટ કરે છે.

એક વ્યક્તિ પાસેથી ચિકન બિરયાની આંચકીને તે ખાવાની લિજ્જત માણી રહેલા રિવાલ્ડોનો વીડિયો વાયરલ થયો હતો. તેનાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું.

અલબત, હાથીઓના સંશોધક તરીકે થેકેકરા આસાનીથી સમજી શક્યા હતા કે વાસ્તવમાં શું થયું હતું.

થેકેકરા કહે છે, "હાથીઓને ચોખા અને નમક પસંદ હોય છે. તેમાં ચિકનનું હોવું તો આકસ્મિક બાબત હતું." હાથી હંમેશા શાકાહારી હોય છે.

જંગલી હાથીઓ તેમનો મોટાભાગનો સમય ખોરાક અને પાણીની શોધમાં પસાર કરતા હોય છે. થેકેકરાના જણાવ્યા મુજબ, તેમને જેની જરૂર હોય એ ચીજ શહેરી વિસ્તારમાં બે કલાકથી ઓછા સમયમાં મળી જતી હોય છે.

"તેમને લીલો ચારો અને રાંધેલું ધાન ખવડાવવામાં આવે છે ત્યારે તેમાં સારા એવા પ્રમાણમાં કૅલરી હોય છે. તેથી હાથીઓએ વધારે ખાવું પડતું નથી."

અહીં નકારાત્મક બાબત એ છે કે ખોરાકમાં પોષક તત્વો ઓછાં હોય છે અને તેને લીધે તેમણે લાંબો પ્રવાસ ખેડવો પડતો નથી.

થેકેકરા કહે છે,"તેથી હાથીઓ દિવસના મોટાભાગના સમયમાં ચુપચાપ બેઠા રહે છે અને કસરત કરતા નથી. હાથીઓના મોટા કદનું કારણ આ છે."


માણસોએ પણ અનુકૂલન સાધવું પડે

હાથી

સમય પસાર થવાની સાથે સ્થાનિક લોકોને સમજાયું છે કે જે રીતે હાથીઓ માણસની સાથે રહેવા છતાં તેમના પર હુમલો કરતા નથી એ જ રીતે હાથીઓ સાથે જીવન પસાર કરવા માટે તેમણે પણ અનુકૂલન સાધવું પડે.

અહીંના શહેરી વિસ્તારમાં જોવા મળતા સૌથી મોટા હાથીઓ પૈકીના એકનું નામ ભારાદન છે. એ હાથી ગુડાલુરમાંના એક નાના ગામ થોરાપાલ્લીમાં એક રેસ્ટોરાંની મુલાકાતે નિયમિત રીતે આવે છે. ભારાદનને ખવડાવવા માટે તે રેસ્ટોરાં ખાસ ખોરાક સાચવી રાખે છે.

થેકેકરા કહે છે, "રેસ્ટોરાંના માલિકો શાકભાજીનો વધેલો હિસ્સો અને કેળાના પાંદડા (કારણ કે દક્ષિણ ભારતની રેસ્ટોરાંમાં ભોજન કેળાના પાનમાં જ પીરસવામાં આવે છે) ભારદન માટે રાખી મૂકે છે."

થેકેકરા એક રેસ્ટોરાંમાં રાતનું ભોજન કરતા હતા ત્યારે તેમણે ભારાદનને નિહાળ્યો હતો.

એ ઘટનાને યાદ કરતાં તેઓ કહે છે, "હાથીએ ખાવાનું શરૂ કર્યું એટલે લોકો એકઠા થઈ ગયા હતા. કેટલાકે તેના ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનું શરૂ કર્યું હતું. એક વધારે પડતા ઉત્સાહી જુવાને વધારે સારો ફોટો ક્લિક કરવા માટે હાથીની પૂંછડી પણ ખેંચી હતી."

એ જુવાન ઈચ્છતો હતો કે ભારાદન ફરીને કૅમેરાની સામે આવે.

થેકેકરા કહે છે, "એ જોઈને હું ચોંક્યો હતો. દેશના અન્ય ભાગમાં માત્ર હાથી જોવા મળે તો પણ લોકોને મજા પડી જતી હોય છે. ભારાદને તેનો પાછલો પગ ઉછાળ્યો, પણ પેલા જુવાન સુધી પહોંચી શક્યો નહીં. ભારાદને ફરીથી ખાવાનું શરૂ કરી દીધું હતું."

ભારાદન લોકોના ટોળા પર ધસી ગયો ન હતો. શાંત સ્વભાવે ભારાદનને 'ગૂડ બૉય' તરીકેની પ્રતિષ્ઠા અપાવી છે.

સ્થાનિક લોકો ઘણીવાર તેની સાથે પાળેલા પ્રાણી જેવો વ્યવહાર કરે છે અને તેની સાથે વાતો પણ કરે છે.

જોકે, બીજા બે જુવાન હાથીઓ ભારાદન સાથે સૈરસપાટામાં જોડાયા કે તરત જ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. એ હાથીઓએ શાકભાજી તથા ફળો ખાવા માટે દુકાનના બારી-દરવાજા તોડી નાખ્યા હતા.

ભારાદનના સ્વભાવથી વિપરીત આ બન્ને જુવાન હાથીઓ નિયમિત રીતે લોકોની પાછળ દોડતા હતા અને ભય તથા ગભરાટ ફેલાવતા હતા.


જંગલમાં પાછા જવાનો ઈનકાર

હાથી

હાથીઓ હુમલો કરે તેવા સંજોગોમાં માણસોના જીવને જોખમ ઊભું થવાનો ભય આ વિસ્તારના વન વિભાગને હતો. તેથી તેમણે રિવાલ્ડોને વનમાં પાછો મોકલવાના પ્રયાસ કર્યા હતા.

થેકેકરા જણાવે છે, "એક વ્યક્તિએ હાથીઓને જૅકફ્રૂટ ખવડાવવાનું શરૂ કર્યું એ પછી" રિવાલ્ડોનું ઊટી શહેરમાં આવવું શરૂ થયું હતું.

જૅકફ્રૂટ ખાધા પછી પણ રિવાલ્ડો વનમાં પાછો ફર્યો ન હતો. એ પછી રિસૉર્ટના માલિકે તેને ખોરાક આપવાનું શરૂ કર્યું હતું. તેને પ્રવાસીઓની આકર્ષણનું કેન્દ્ર બનાવ્યો હતો પરંતુ તેની સામે રિવાલ્ડોને કોઈ વાંધો ન હતો.

વર્ષો પસાર થવાની સાથે હાથીઓ અને સ્થાનિક લોકો એકમેકથી ભયભીત હોય એવું લાગતું નથી.

અલબત, હાથીઓ લોકો પર હુમલો કરશે એવો ભય વન વિભાગને સતત રહ્યા કરતો હતો. તેથી તેમણે "તાલીમ પામેલા અન્ય હાથીઓ"ની મદદથી હાથીઓને વનમાં પાછા ધકેલવાના પ્રયાસ વારંવાર કર્યા હતા.

તેઓ રિવાલ્ડોને પકડીને ગાઢ જંગલમાં છોડી આવ્યા હતા, પરંતુ એ 24 કલાકમાં 40 કિલોમીટર ચાલીને ગામમાં પાછો ફર્યો હતો.

થેકેકરા જણાવે છે કે રિવાલ્ડો છેલ્લા 15 વર્ષથી ગામમાં રહે છે અને માણસો સાથે જીવન જીવતાં શીખેલા હાથીઓ પૈકીનો એક છે.


જંગલી પ્રાણીઓ કરે છે લોકોની હત્યા

હાથી

ગુડાલુર ફૉરેસ્ટ ડિવિઝનમાં છેલ્લા આઠ વર્ષમાં હાથીઓએ 75 લોકોને મારી નાખ્યા છે પરંતુ એ પૈકીના એકનું જ મૃત્યુ "શહેરી હાથીને" કારણે થયું હતું.

થેકેકરાના જણાવ્યા મુજબ, જેમ્સ લૌરીસ્ટોન નામનો એ હાથી આજે પણ લોકોની વચ્ચે રહે છે કારણ કે લોકો એ ઘટનાને ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા નહીં પણ અકસ્માત ગણે છે.

થેકેકરા કહે છે, "જંગલી હાથીઓ સ્થાનિક લોકોને મારી નાખે ત્યારે પણ લોકો સ્થાનિક હાથીને નુકસાન કરતા નથી. માણસો સાથે રહેતા હાથીઓ શાંત પ્રકૃતિના હોય છે એ તેઓ જાણે છે."


ભવિષ્યમાં વધુ હાથીઓ અને માણસો સાથે રહેશે

હાથી

ભારતમાં આશરે 27,000 હાથીઓ છે. એ પૈકીના ઘણા સંરક્ષિત વનવિસ્તારના બહાર વસવાટ કરે છે.

થેકેકરા માને છે કે હાથીઓ અને માણસોએ જે રીતે એકમેકને અપનાવી લીધા છે એ જોતાં આ પ્રજાતિઓના સહઅસ્તિત્વમાં વધારો થશે.

થેકેકરા કહે છે, "જીવવિજ્ઞાન માને છે કે પ્રજાતિઓનું વર્તન ચોક્કસ પ્રકારનું હોય છે, પરંતુ હવે આપણે પ્રત્યેક હાથીના વ્યક્તિત્વનો અભ્યાસ તેમના વિશે વધુ જાણવા માટે કરવો પડશે. હવે એવો અભ્યાસ શરૂ થયો છે."

ઑક્સફર્ડમાં શિક્ષિત આ સંશોધકને આશા છે કે તોફાની હાથીઓને ઓળખવામાં અને હાથીઓના સંરક્ષણમાં તેમના આ પ્રોજેક્ટને કારણે મદદ મળશે.

વધુને વધુ જંગલી હાથીઓ લોકો સાથે રહેવા માટે વન છોડી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે એવું થેકેકરા માને છે.

તેઓ કહે છે, "હવે અહીંના રહેણાંક વિસ્તારમાં બે માદા અને આ મદનિયા સહિતના ત્રણ હાથીનું ઝૂંડ જોવા મળી રહ્યું છે. હાથણીઓ સામાન્ય રીતે શાંત રહેતી નથી, કારણ કે તેમણે તેમના સંતાનોની સારસંભાળ લેવાની હોય છે. તેમ છતાં આ હાથણીઓ રસ્તાના કિનારે શાંતિથી વસવાટ કરી રહેલી જોવા મળે છે."

અત્યારે તો આ "શહેરી હાથીઓએ" લોકોના દિલ જીતી લીધાં છે.

ગણેશન નામનો જે હાથી સાંકડા પર્વતીય માર્ગ પર થેકેકરાને વર્ષો પહેલાં સૌપ્રથમ સામે મળ્યો હતો એનું પડી જવાને કારણે, કમનસીબે, મૃત્યુ થયું છે.

ગણેશન લોકો સાથે આઠથી વધારે વર્ષ સુધી રહ્યો હતો. મોત પછી વન વિભાગે તેને દફનાવ્યા બાદ સ્થાનિક લોકોએ ગણેશન પ્રત્યેનો સ્નેહ દર્શાવવા મૃત્યુ પછીની વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=e5dT6tTnbNw

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
World Elephant Day: How wild elephants and people live together in South India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X