
દિલ્હીમાં લાગુ થશે યોગી ફોર્મ્યુલા, તોફાનીઓ પાસેથી વસૂલવામાં આવશે દંડ
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાના પરિણામે જાહેર અને ખાનગી સંપત્તિનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 42 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 250 થી વધુ લોકો ઘાયલ થયા છે. દિલ્હી પોલીસે હિંસાના વિવિધ કેસોમાં 123 એફઆઈઆર નોંધી છે, જ્યારે હિંસા સંબંધિત કેસોમાં 630 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, દિલ્હી પોલીસે યુપી પોલીસની તર્જ પર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

દિલ્હી પોલીસ તોફાનીઓની સંપત્તિ જપ્ત કરશે
દિલ્હી પોલીસ તોફાનીઓની મિલકત જપ્ત કરશે જેમણે ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન કર્યું છે. દિલ્હી પોલીસ અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી કે તોફાનીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. નાગરિકતા સુધારો કાયદાના વિરોધ દરમિયાન યુપી પોલીસે જાહેર મિલકતોને થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે કડક પગલા લીધા હતા અને પ્રદર્શનકારીઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે પોલીસે 400 લોકોને નોટિસ મોકલી હતી.

નુકશાન પહોંચાડનાર લોકોની સંપત્તી કરાશે જપ્ત
એક અધિકારીએ જણાવ્યું કે, નુકસાનની આકારણી કરવા માટે એસઆઈટી અને સ્થાનિક પોલીસને મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી સરકારના અધિકારીઓ સાથે સંકલન કરવાની સૂચના આપવામાં આવી છે. એસઆઈટીની બે ટીમો હિંસાની તપાસ કરી રહી છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા દરમિયાન તોફાનીઓએ મૌઝપુર, ઝફરાબાદ, મુસ્તફાબાદ, શિવવિહાર, ભજનપુરા, કરાવલ નગર, ગોકુલપુરી, સીલમપુર અને આસપાસના વિસ્તારોમાં અનેક મકાનોને આગ ચાંપી હતી. કેટલાય વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

1000 તોફાનીઓને ઓળખવામાં આવ્યા
એસઆઇટી એવા લોકોની ઓળખ કરી રહી છે કે જેમણે હિંસા દરમિયાન આગ ચંપી, લૂંટ અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. પોલીસને શંકા છે કે સ્થાનિક ગુનેગારોએ ઝફરાબાદ, કરાવલ નગર, મૌજપુર, ભજનપુરા અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિનો લાભ લીધો હતો. દિલ્હી પોલીસે શુક્રવારે કહ્યું હતું કે 1000 તોફાનીઓની ઓળખ થઈ છે અને 630 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસનો અંદાજ છે કે કરોડોની સંપત્તિને નુકસાન થયું છે.

630 લોકોની પોલીસે ધરપકડ કરાઇ
દિલ્હી પોલીસે જણાવ્યું કે, આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયાર રાખવા અને તેના ઉપયોગ સામે 25 લોકો વિરૂદ્ધ 123 એફઆઈઆર નોંધાઈ છે. શુક્રવારે, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ દુકાનો શરૂ થવા માંડી છે. જો કે, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં હજી પણ મોટા પાયે સુરક્ષા દળો તૈનાત છે. દિલ્હી પોલીસ વતી કહેવામાં આવ્યું છે કે હિંસા સંબંધિત કેસમાં વધુ કેસ નોંધવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્લી હિંસામાં 630 લોકોની ધરપકડ, જાણો અત્યાર સુધી શું થયુ?