જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને 30 લાખ રૂપિયાની ખંડણી માટે મારી નાંખવાની ધમકી
જૂનાગઢના રાજકીય વર્તુળોમાં એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, અને તેની સાથે ૩૦ લાખ રૂપિયાની ખંડણીની પણ માંગણી કરવામાં આવી છે.
આ ગંભીર મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધારાસભ્ય સંજય કોરડીયાને રોનક ઠાકુર નામના અજાણ્યા શખ્સે વોટ્સએપ મેસેજ દ્વારા ધમકી આપી હતી. મેસેજમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, જો ધારાસભ્ય જીવતા રહેવા માંગતા હોય તો તેમણે ૩૦ લાખ રૂપિયા આંગડિયા મારફતે અમદાવાદ મોકલાવવા પડશે. મેસેજમાં અપશબ્દોનો ઉપયોગ પણ થયો હતો.
આ ધમકી મળતાં જ, ધારાસભ્ય સંજય કોરડીયાએ તાત્કાલિક જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી. પોલીસે તેમની ફરિયાદના આધારે રોનક ઠાકુર વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ હાલમાં એ દિશામાં ચાલી રહી છે કે રોનક ઠાકુર નામના આ શખ્સે કયા કારણોસર ધારાસભ્ય પાસે આટલી મોટી રકમની ખંડણી માંગી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ધમકી અંગત અદાવતને કારણે અપાઈ છે કે પછી આ કૃત્ય કોઈના કહેવાથી કે રાજકીય ઈશારા પર કરાયું છે. આ ઘટનાએ જૂનાગઢના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે.












Click it and Unblock the Notifications
