સરકાર પ્રદર્શનકારીઓ કરતા બળાત્કારીઓને વધારે પ્રેમ કરે છે: રામદેવ

દિવસે દિવસે દિલ્હી ગેંગરેપ મામલો જોર પકડી રહ્યો છે અને સાથે સાથે દેશની કેન્દ્ર સરકારનો ફફડાટ પણ વધી રહ્યો છે. દિવસેને દિવસે દિલ્હી ખાતે પ્રદર્શનકારીઓની ભીડ વધતી જાય છે. યોગગુરુ બાબા રામદેવ પણ આજે આ પ્રદર્શનનો ભાગ બનવા પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા. તેમની સાથે પૂર્વ જનરલ વી.કે સિંહ પણ હાજર હતા. બાબાને પોલીસે ઇન્ડિયા ગેટ નહીં જવા દેતા તેમણે જંતરમંતર ખાતે લોકોનું સંબોધન કર્યું હતું.
બાબા રામદેવ અને તેમના સમર્થકો પહેલા જંતરમંતર ખાતે પહોંચ્યા હતા. બાબાએ જંતર મંતર ખાતે લોકોને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કેન્દ્રની કોંગ્રેસ સરકાર બળાત્કારીઓને શા માટે સાવરી રહી છે. સુષમા સ્વરાજે પણ બળાત્કારીઓને ફાંસીની સજા કરવાની વિનંતી કરી હતી છતાં સોનિયા ગાંધી શા માટે આ દિશામાં કોઇ પગલા નથી લેતી.
તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધીની સરકાર પ્રદર્શનકારીઓને પ્રદર્શન પણ કરવા દેતી નથી અને તેમની પર બળ પ્રયોગ કરે છે, લાઠીચાર્જ કરે છે, આંસુગેસના સેલ છોડે છે. આ સરકાર પ્રદર્શનકારીઓ કરતા બળાત્કારીઓને વધારે પ્રેમ કરે છે. આ સરકાર બળાત્કારીઓને ફાંસી આપવામાં કેમ અચકાય છે. જંતરમંતર ખાતે લોકોને સંબોધ્યા બાદ બાબા રામદેવ પોતાના સમર્થકોની સાથે પોલીસનો સુરક્ષાઘેરો તોડીને ઇન્ડિયા ગેટ પહોંચી ગયા હતા.
આજે સવારે પ્રદર્શનકારીઓને મળવા માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઇન્ડિયા ગેટ આગળ આવ્યા હતા, અને તેમની સાથે વાતચીત કરી હતી. જોકે પ્રદર્શનકારીઓની ઉગ્ર માંગને કારણે મુલાકાત નિષ્ફળ રહી હતી. મુલાકાત નિષ્ફળ રહેવાના કારણે કેન્દ્ર સરકારે ઇન્ડિયાગેટ ખાતે ધારા 144 લાગુ કરી દીધી હતી. સરકારે પોલીસ અને જવાનોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ અને લાઠીચાર્જ કરાયો હતો. હાલમાં ઇન્ડિયા ગેટ આગળ પોલીસ જવાનો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હળવો પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર થયેલા સામુહિક બળાત્કારીઓને કડકમાં કડક ફાંસીની સજા કરવાની માંગ કરી રહ્યા છે તેમજ આવી ઘટના ના ઘટે તેના માટે તેઓ કડક કાનૂન લાવવાની માંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
