સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ
સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા લાખો પરપ્રાંતીય શ્રમિકો હાલમાં એલપીજી ગેસની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. ગેસ સિલિન્ડરના રિફિલિંગના ભાવ આસમાને પહોંચતા શ્રમિકો માટે રૂમ પર રસોઈ બનાવવી હવે અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે અનેક કામદારો આર્થિક બોજ વધવાને કારણે પોતાના વતન પરત ફરવાનું વિચારી રહ્યા છે. શ્રમિકોનું પલાયન રોકવા માટે હવે ટેક્સટાઇલ એસોસિએશનો અને મિલ માલિકોએ ખાસ રાહત કામગીરી હાથ ધરી છે.

કામદારોને મદદ કરવા માટે પાંડેસરા વિસ્તારમાં એક વિશાળ 'મેગા કોમ્યુનિટી કિચન' કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં દરરોજ હજારો શ્રમિકોને માત્ર 50 રૂપિયાના રાહત દરે શુદ્ધ અને પૌષ્ટિક સાત્વિક ભોજન પીરસવામાં આવે છે.
પાંડેસરા, સચિન અને પલસાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં કોમર્શિયલ ગેસના પુરવઠામાં વિક્ષેપ પડતા નાની હોટલો પણ પ્રભાવિત થઈ છે. અગાઉ જે ગેસ 80 રૂપિયામાં મળતો હતો, તેના માટે હવે શ્રમિકોએ 500 થી 700 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે.
આ મેગા કિચનમાં દરરોજ અંદાજે 5,000 જેટલા શ્રમિકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. જેમાંથી ઘણા કામદારો ત્યાં જ ભોજન લે છે, જ્યારે અન્ય લોકો માટે ફેક્ટરીઓ સુધી પાર્સલ પહોંચાડવામાં આવે છે.
ઉદ્યોગપતિઓના મતે જો આ ભોજનની સુવિધા ન હોત તો કાપડ ઉદ્યોગમાં મોટાપાયે પલાયન જોવા મળત. શ્રમિકોને ઘર જેવું જ પૌષ્ટિક ભોજન મળે તે માટે રસોડામાં ખાસ સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવે છે.
કેટલાક મિલ માલિકો શ્રમિકોને સીધું ભોજન પૂરું પાડી રહ્યા છે, તો ક્યાંક રસોઈ માટે લાકડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સામૂહિક પ્રયાસોને કારણે સુરતના કાપડ ઉદ્યોગનું ઉત્પાદન અત્યારે અવિરતપણે ચાલુ રાખવામાં સફળતા મળી છે.












Click it and Unblock the Notifications
