For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનના 'અલ્સર' જેવો એ વિસ્તાર જે આવકારી રહ્યો છે તાલિબાનને

અફઘાનિસ્તાનના 'અલ્સર' જેવો એ વિસ્તાર જે આવકારી રહ્યો છે તાલિબાનને

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

માટીની ઈંટો વડે બનાવવામાં આવેલા ઘરની આંતરિક સજાવટ આંખને ઠંડક આપે તેવી છે. ઘરમાં સ્વચ્છતા અને શાંતિ છે. શમ્સુલ્લા નામના એક પુરુષ મહેમાનોને અતિથિ કક્ષમાં લઈ જાય છે. શમ્શુલ્લાનો નાનો પુત્ર તેમના પગને વળગ્યો છે.

ઘરની ફર્શ પર ગાલીચો બિછાવવામાં આવ્યો છે અને કમસેકમ બે ફૂટ જાડી દિવાલની અડોઅડ ગાદીઓ ગોઠવવામાં આવી છે.

અફઘાનિસ્તાન

કેટલીક ચીજો પ્રદર્શનાર્થે મૂકવામાં આવી છે. વિવિધરંગી કાચની અડધો ડઝન નાનકડી બૉટલો સાથેની એક નાની કૅબિનેટ દેખાય છે.

આ પરિવાર બહુ ગરીબ છે અને તેમની પાસે જે કંઈ હતું તે છેલ્લાં 20 વર્ષના યુદ્ધમાં નાશ પામ્યું છે અથવા તેને લૂંટી લેવામાં આવ્યું છે.

આ ઘર બળબળતા સૂર્ય અને બહારની ધૂળભરી હવા સામે તેમને આશરો આપે છે.

હેલમંડ પ્રાંતના મારજાહમાં યુદ્ધનું મેદાન બનેલા તમામ પારિવારિક પરિસરોની માફક આ ઘરની ચારે બાજુ પણ માટીની ઊંચી દીવાલ છે.

એ દીવાલની અંદરના ભાગમાં કપાસનો પાક લણવા તેઓ તૈયાર હતા અને એ જથ્થાનો શમ્સુલ્લાએ બહારના ભાગમાં આવેલા ખેતરમાંથી લણેલા પાકમાં ઉમેરો કરવાનો હતો.

શમ્સુલ્લાએ તેમનાં માતા ગોલજુમા ભણી ઈશારો કર્યો અને જણાવ્યું કે ગોલજુમા 65 વર્ષનાં છે. ગોલજુમા પગથી માથા સુધી લાંબી શાલમાં ઢંકાયેલાં હતાં. જે નાનકડો ભાગ ખુલ્લો હતો, તેમાંથી તેઓ બહારની ગતિવિધિ નિહાળતાં હતાં.


યુદ્ધમાં માર્યા ગયા ચાર દીકરા

અફઘાનિસ્તાન

મને તેમની આંખો અને નાક ક્યારેક જ જોવા મળ્યાં હતાં. ગોલજુમાનો અવાજ મજબૂત હતો.

તેમણે યુદ્ધને કારણે ખેદાનમેદાન થયેલાં, પારાવાર દુઃખભર્યાં જીવનની અને તેમના ચાર પુત્રોના મૃત્યુની વાત કરી હતી.

સૌથી નાનો શમ્સુલ્લા જ બચી શક્યો હતો. એ 24 વર્ષનો છે, પરંતુ તેનો ચહેરો 34 વર્ષના પુરુષ જેવો દેખાય છે.

ગોલજુમાના સૌથી મોટા પુત્ર ઝિયા ઉલ હકનું 11 વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. એ તાલિબાનનો લડવૈયો હતો.

ગોલજુમા કહે છે, "મારો દીકરો એવું માનતો હતો કે અમેરિકનો ઇસ્લામ તથા અફઘાનિસ્તાનને ખતમ કરવા ઈચ્છે છે. તેથી તે તાલિબાન સાથે જોડાયો હતો."

ગોલજુમાના બીજા ત્રણ પુત્રો વર્ષ 2014ના થોડા મહિનાઓમાં માર્યા ગયા હતા.

કાદરતલ્લાનું મૃત્યુ હવાઈ હુમલામાં થયું હતું. બીજા બે પુત્રો હયાતુલ્લા અને અમિનુલ્લાની પોલીસે તેમના પારિવારિક ઘરમાંથી ધરપકડ કરી હતી.

શમ્સુલ્લાના જણાવ્યા મુજબ, તેમના ભાઈઓને બળજબરીથી સરકારી સૈન્યમાં જોતરવામાં આવ્યા હતા અને એ બન્ને માર્યા ગયા હતા.

શમ્સુલ્લા પરિવારની જવાબદારી સંભાળે તેવું અલ્લાએ નક્કી કર્યું હશે.


અમેરિકન સૈન્ય માટે મારજાહનો ખરાબ અનુભવ

અફઘાનિસ્તાન

શમ્સુલ્લા કહે છે, "તમે એક હાથમાં પાંચ તરબૂચને બૅલેન્સ કરવાનો પ્રયાસ કર્યો છે? મારે એવું કરવું પડે છે."

શમ્સુલ્લાની જવાબદારીમાં તેના સૌથી મોટાભાઈનાં વિધવાની સંભાળ લેવાનો પણ સમાવેશ થાય છે.

શમ્સુલ્લા કહે છે, "મને મારા ભાઈઓ બહુ યાદ આવે છે. સૌથી મોટાભાઈનું મૃત્યુ થયું ત્યારે તેમનાં પત્નીએ બીજા નંબરના ભાઈ સાથે લગ્ન કર્યાં હતાં. બીજા નંબરના ભાઈનું મૃત્યુ થયું ત્યારે તેઓ ત્રીજા નંબરના ભાઈને પરણ્યાં હતાં. ત્રીજા નંબરના ભાઈનું મૃત્યુ થયું ત્યારે તેઓ ચોથા નંબરના ભાઈને પરણ્યાં હતાં અને ચોથા નંબરના ભાઈનું મૃત્યુ થયું ત્યારે મેં તેમની સાથે લગ્ન કર્યાં હતાં."

અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાના આદેશ અનુસાર 2014માં મારજાહની પસંદગી અમેરિકાની લશ્કરી કાર્યવાહીના પ્રથમ તબક્કા માટે કરવામાં આવી હતી.

તેની પાછળનો વિચાર એવો હતો કે સૈન્યને બળવતર બનાવવાથી જોરદાર ફટકો મારી શકાશે અને એ ફટકાને પગલે યુદ્ધનો પ્રવાહ પલટાઈને કાબુલમાંની સરકાર અને અમેરિકન, બ્રિટિશ તથા સહયોગી રાષ્ટ્રોનાં લશ્કરી દળોની તરફેણમાં આવી જશે.

અમેરિકન લશ્કરે એ વર્ષે બહાર પાડેલા નિવેદનમાં ભવિષ્યવાણી કરી હતી કે "અમે તાલિબાનને ખદેડી મૂકીશું પછી ભવિષ્ય ઉજળું હશે. સારી સ્કૂલો, સારાં દવાખાનાં અને મુક્ત માર્કેટ હશે."

તાલિબાન બળવાખોરો સામે લડી રહેલાં વિદેશી સૈન્યો માટે મારજાહમાંના કપાસ તથા અફીણનાં ખેતરો દુઃસ્વપ્ન જેવાં પૂરવાર થયાં હતાં.

મારજાહમાંની ત્રણ મહિના લાંબી લશ્કરી કાર્યવાહીને અમેરિકાના કમાન્ડર જનરલ સ્ટેન્લી મૅકક્રિસ્ટલે "દૂઝતા ઘા" જેવી ગણાવી હતી. એ પછીના 10 વર્ષમાં એવી અનેક લડાઈ થઈ હતી.


તાલિબાનનું સ્વાગત

https://www.youtube.com/watch?v=OGIRL70IURQ

અફઘાનિસ્તાનને તેના લોકો માટે બહેતર જગ્યા બનાવવાનો દાવો કરતા પશ્ચિમી નેતાઓ પ્રત્યે ગોલજુમાને નફરત છે.

તેમણે કહ્યું હતું, "હું તેમના મિશન વિશે કશું જાણતી નથી. તેમણે અમારા દેશને ખેદાનમેદાન કરી નાખ્યો છે."

અગાઉના શાસનમાં મહિલાઓને સારી તકો મળી હતી, પરંતુ હવે મહિલાઓ નિરાશ છે, એ સંબંધે મેં પૂછેલા સવાલનો ગોલજુમાએ આપેલો જવાબ અવિશ્વસનીય હતો.

તેમણે કહ્યું હતું, "તેઓ (પરદેશી લશ્કરી દળો) અહીં હતાં ત્યારે અમારા અનેક લોકોએ બહુ સહન કરવું પડ્યું હતું. તેમણે અમારા પતિઓને, ભાઈઓને અને અમારા પુત્રોને મારી નાખ્યા. મને તાલિબાન પસંદ છે, કારણ તે તેઓ ઇસ્લામનો આદર કરે છે. મારા જેવી મહિલાઓ કાબુલમાંની મહિલાઓ જેવી નથી."

ગોલજુમાના જણાવ્યા મુજબ, તાલિબાન યુદ્ધ જીત્યા એ પહેલાં બધા તેમનાથી ડરતા હતા, પરંતુ યુદ્ધના અંતથી બધા નિરાંતનો શ્વાસ લઈ રહ્યા છે.

ગોલજુમાએ જે કંઈ કહ્યું તે કોઈ દબાણ વિના કહ્યું હતું કે કેમ એ પણ સવાલ છે.

અમને મંજૂરી આપતાં પહેલાં તાલિબાને શરત મૂકી હતી કે બીબીસીની ટીમ સશસ્ત્ર તાલિબાન બૉડીગાર્ડ અને તાલિબાન માન્ય દુભાષિયાઓ સાથે જ હેલમંડમાં પ્રવાસ કરી શકશે.

અમારી સાથે બૉડીગાર્ડ્સ ન હોત તો તાલિબાને સ્થાનિક લોકોના મનમાં ઘૂસાડેલા ભય વિશે કદાચ અમને વધુ વાતો સાંભળવા મળી હોત.

જોકે, વિશ્વનાં સૌથી શક્તિશાળી લશ્કરોએ કરેલા હેલમંડના પરંપરાગત કૃષિસમુદાયના વિનાશની ગોલજુમાએ ઝાટકણી કાઢી અને તેમના ચાર પુત્રોનાં મૃત્યુ બાબતે પીડા વ્યક્ત કરી ત્યારે મને તેમની ઈમાનદારી વિશે જરા પણ શંકા ન હતી.


નવો યુગ, નવા પડકારો

9/11ના હુમલા બાદ થોડા સમયમાં જ 2001માં અમેરિકા, બ્રિટન અને તેમનાં સાથી રાષ્ટ્રોએ, અલ-કાયદાના વિનાશ તથા તેમને આશરો આપવા બદલ તાલિબાનને સજા કરવાના સ્પષ્ટ હેતુ સાથે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું.

એ પછી જે થયું તે સમજવું અને તેને વાજબી ઠરાવવું બહુ મુશ્કેલ છે. એક જીતી ન શકાય તેવા યુદ્ધે અફઘાન નાગરિકોનું જીવન બરબાદ કરી નાખ્યું હતું.

લોકશાહીની માફક વિકાસ પણ બંદુકના નાળચા વડે કરી શકાતો નથી.

એ પ્રક્રિયામાં પશ્ચિમને સફળતા મળી હતી. શહેરી પુરુષો તથા સ્ત્રીઓની પેઢીને સારું શિક્ષણ મળ્યું અને તેમની ક્ષિતિજ વિસ્તરી હતી, પરંતુ એ લાભ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગોલજુમાના પરિવાર જેવા ગરીબ તથી અલ્પશિક્ષિત લોકો સુધી પહોંચ્યો ન હતો.

તાલિબાને 1996માં પહેલીવાર સત્તા મેળવી ત્યારે પોતાની ધાર્મિક તથા સાંસ્કૃતિક વિચારધારાના અમલ માટે તેમણે હિંસાનો આશરો લીધો હતો.

આજના મોટા ભાગના અફઘાન નાગરિકો 9/11 અને આક્રમણ પહેલાંના વર્ષોને સંભારી શકે તેટલા મોટા નથી.

લશ્કર ગાહમાં યુવા તાલિબોએ બીબીસીના કૅમેરાના પ્રતિભાવમાં પોતપોતાના મોબાઈલ ફોનમાં અમારા વીડિયો ઉતાર્યા હતા અને વિદેશીઓ સાથે સેલ્ફી લીધી હતી.

અહીં મોબાઈલ ડેટા સસ્તો છે. અમારા તાલિબાનરક્ષક તેમના ફોન પર બીબીસી પશ્તો નિહાળતા હતા.

1990ના દાયકામાં તાલિબાને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ આ વખતે જુવાન તાલિબો માટે વિશ્વ તરફની બારી ઊઘડી ગઈ છે.

અગાઉના તાલિબાન લડવૈયાઓ બહારના વિશ્વ વિશે કશું જાણતા ન હતા, પણ હવે એવું નથી.

સવાલ એ છે કે તાલિબાન માત્ર તેના પોતાના લડવૈયાઓને સ્માર્ટફોન, ઇન્ટરનેટ તેમજ તેમને આવકારવા સજ્જ વિશ્વથી અળગા રહેવાની ફરજ પાડી શકશે?

આ વખતે દેશને ફરજ પાડવાનું, કદાચ વધારે મુશ્કેલ બનશે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
An area like Afghanistan's 'ulcer' that is welcoming the Taliban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X