આજે પાકિસ્તાનમાં ભારત વિરોધી રેલીનું આયોજન કરતો હાફીઝ સઇદ
ઇસ્લામાબાદ, 6 સપ્ટેમ્બર : ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર એ તૈબાના નવા ચહેરાવાળા સંગઠન જમાત ઉદ દાવા (જેયુડી)એ પાકિસ્તાનમાં આજે શુક્રવારે ભારત વિરોધી રેલીનું આયોજન કર્યું છે. લશ્કર એ તૈબાના સંસ્થાપક અને વર્ષ 2008માં 26/11ના રોજ મુંબઇમાં થયેલા લોહિયાળ હુમલાઓના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ આ રેલીની આગેવાની કરવાનો છે.
નિયંત્રણ રેખા પર ગોળીબર અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે જેયુડીએ પોતાના કાર્યકર્તાઓ, પાકિસ્તાનના અન્ય રાજકીય પક્ષો અને ધાર્મિક સંગઠનોને શુક્રવારે રાવલપિંડીમાં એકત્ર થવાની અપીલ કરી હતી.

આ રેલીને દફાઇ પાકિસ્તાન કારવાં નામ આપવામાં આવ્યું છે. ભારત વિરોધી આ રેલી નો આરંભ રાવલપિંડીથી થશે અને તે ઇસ્લામાબાદ ખાતે પૂરી થશે. રેલી ઇસ્લામાબાદ પહોંચશે તે પછી ત્યાં એક વિશાળ જન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેયુડીનો દાવો છે કે આ રેલીમાં તેના હજારો સમર્થકો જોડાવાના છે.
આ રેલી માટે હાફીઝે સત્તારૂઢ પીએમએલ-એન ઉપરાંત પીપીપી, પીટીઆઇ, પીએમએલ-ક્યુ, જેયુઆઇએફ, જેયુઆઇ-એસ, જમાત એ ઇસ્લામી અને એમક્યૂએમ જેવી પાર્ટીઓને પણ આ રેલીમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. તેણે હુર્રિયત કોન્ફ્રેન્સના નેતાઓને પણ રેલીમાં જોડાવા જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
