યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી? જાણો કેમ દુનિયાભરમાં શરૂ થઈ ચર્ચા?
યુક્રેન રશિયા યુદ્ધ બે વર્ષ પછી પણ ચાલી રહ્યું છે. હવે ચર્ચા શરૂ થઈ છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યા છે.
હાલમાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધ સેપ્ટર નામની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનો ખુલાસો કર્યો છે. આ મિસાઈલ પરમાણુ શક્તિથી સજ્જ છે અને તેને પાણીની નીચે છુપાયેલી સબમરીનમાંથી પણ લોન્ચ કરી શકાય છે.

પરમાણુ હુમલાની તૈયારી?
રશિયન સેનાએ આ મિસાઈલના લોન્ચિંગનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પશ્ચિમી દેશોમાં ચિંતા છે. પુતિનની નવી ટેસ્ટ ડ્રીલમાં આ મિસાઈલ પ્રથમ વખત એક્શનમાં બતાવવામાં આવી હતી. રશિયન ભાષામાં તેને બુલાવા કહે છે. પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ આ 40 ફૂટની મિસાઈલની રેન્જ લગભગ 8304 કિમી છે.
ધ સનના અહેવાલ અનુસાર, રશિયન આર્મી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પાણીની અંદરથી જોરદાર વિસ્ફોટ થાય છે. વિસ્ફોટની સાથે જ RSM-56 બુલાવા મિસાઈલને પાણીમાંથી છોડવામાં આવે છે અને આકાશમાં ધુમાડાના વાદળો છવાઈ જાય છે. વિસ્ફોટ પછી થોડીક સેકન્ડોમાં મિસાઇલ વાદળોની વચ્ચે અદૃશ્ય થઈ જાય છે. રશિયાની આ મિસાઈલ કવાયતને પશ્ચિમી અને નાટો દેશો માટે કડક ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે.
10 ટાર્ગેટ પર એક સાથે હુમલો કરી શકે છે
RSM-56 બુલાવા મિસાઈલને સબમરીનથી સરળતાથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલની લંબાઈ 40 ફૂટ છે અને તેની રેન્જ 8304 કિમી છે. RSM-56 બુલાવા 10 ન્યુક્લિયર ગાઈડેડ વોરહેડ્સ લઈ જવા માટે સક્ષમ છે અને તે એકસાથે અનેક લક્ષ્યોને ટાર્ગેટ કરવા બનાવાઈ છે. RSM-56 બુલાવાનું વજન 37 ટન છે અને પેલોડ 1150 કિગ્રા છે.
આ રશિયન મિસાઈલ જમીન, હવા અને પાણીમાંથી છોડવામાં આવી શકે છે, દુનિયા તેને એક મહત્વપૂર્ણ પરમાણુ હથિયાર તરીકે જોઈ રહી છે.
પશ્ચિમી દેશોને રશિયાની ચેતવણી
આ મિસાઇલ મોસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઓફ થર્મલ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી છે, જેના પર કામ 1990ના દાયકામાં શરૂ થયું હતું. થોડા સમય પહેલા પુતિને વ્યૂહાત્મક પરમાણુ હથિયારોના પરીક્ષણની વાત કરી હતી. તેમણે પશ્ચિમી દેશોને પરમાણુ યુદ્ધ અંગે સીધી ચેતવણી આપી હતી.
પુતિને કહ્યું કે, જો પશ્ચિમી દેશો યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે તો રશિયા પરમાણુ હુમલો કરવા મજબૂર થશે. અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂતે કહ્યું છે કે પુતિન પશ્ચિમી દેશોનો મુકાબલો કરવા માટે ખૂબ જ ગંભીર છે અને પરમાણુ હુમલાના ખતરાને નકારી શકાય તેમ નથી.












Click it and Unblock the Notifications
