For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકાની એ ભૂલો જેણે તેને આર્થિક પાયમાલીમાં ધકેલી દીધું

શ્રીલંકાની એ ભૂલો જેણે તેને આર્થિક પાયમાલીમાં ધકેલી દીધું

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને મોંઘવારી લોકોના ખિસ્સા પર ભારે પડી રહી છે, તો ભારતના પાડોશી દેશમાં લોકો માટે મોંઘવારીની સાથે-સાથે પેટ્રોલ ડીઝલ, રાંધણ ગૅસ, ખાવા-પીવાની વસ્તુઓ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે, જેના કારણે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે.

રાજપક્ષે પરિવાર સામે પ્રદર્શન

વર્ષ 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણની કમીને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

દેશમાં અત્યારે વીજકાપ, ખાવા-પીવાની વસ્તુઓ, ઈંધણ અને દવાઓની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોનો ગુસ્સો આસમાને છે. આ સંકટની વચ્ચે રવિવારે મોડી રાત્રે શ્રીલંકાના તમામ કૅબિનેટ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ બધા પક્ષોને નવી સરકારના ગઠન માટે આમંત્રિત કર્યા છે.

દેશમાં મોઘવારી એટલી હદે વધી છે કે સામાન્ય રાંધણ ગૅસના સિલિન્ડરના ભાવમાં ચાર મહિનામાં 85 ટકાનો વધારો થયો છે.


શ્રીલંકા આર્થિક સંકટ પાછળ કારણ શું?

https://www.youtube.com/watch?v=VG5xtGNhIk4

માર્ચ 2020માં કોવિડ લૉકડાઉન દરમિયાન શ્રીલંકાના મુખ્ય ઉદ્યોગો ચા, કપડા અને પર્યટન ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.

શ્રીલંકાનું અર્થતંત્ર મોટા પ્રમાણમાં પર્યટનઉદ્યોગ પર આધારિત છે. દેશની જીડીપીમાં પર્યટનઉદ્યોગની લગભગ દસ ટકા ભાગીદારી છે.

કોવિડને કારણે શ્રીલંકામાં પર્યટકોનું આગમન બંધ થઈ ગયું, જેને પગલે પર્યટનઉદ્યોગની કમર તૂટી ગઈ. વિદેશ હૂંડિયામણની અછતને કારણે કૅનેડા જેવા અનેક દેશોએ હાલ શ્રીલંકામાં રોકાણ બંધ કર્યું છે.

કોવિડને કારણે પર્યટનને લાગેલા ફટકાનું નુકસાન ભોગવી રહેલા શ્રીલંકાની સરકારે કેટલીક ભૂલો કરી, જેનાથી અર્થતંત્ર ધીમું પડતું ગયું. 2019માં રાજપક્ષે સરકારે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધારવા માટે ટૅક્સ ઘટાડી દીધો. આનાથી સરકારના મહેસૂલ પર પણ અસર પડી હતી.

ઉપરાંત રાજપક્ષેનો દેશમાં કૅમિકલ ફર્ટિલાઇઝરથી ખેતી બંધ કરવાનો આદેશ પણ ઘાતક નીવડ્યો. નિષ્ણાતો માને છે કે તેનાથી પાકમાં ભારે ઘટાડો નોંધાયો .

શ્રીલંકા એક દ્વીપ છે અને તેની પાસે સ્થિર આવકનો કોઈ સ્રોત નથી. કોરોના મહામારી અને સરકારના અમુક નિર્ણયોને કારણે શ્રીલંકાની સામે આર્થિક રૂપથી સંકટ વધતું ગયું. સાથે જ દેશની કેન્દ્રીય બૅન્કના હાથમાં રહેલી વિદેશી હૂંડિયામણમાં સતત ઘટાડો થતો રહ્યો.

શ્રીલંકાની સરકાર પાસે વિદેશથી આયાત માટે વિદેશી હૂંડિયામણ ખૂટવા લાગી.

2.2 કરોડની વસતી ધરાવતા નાનકડા દેશ શ્રીલંકાની વિદેશ હૂંડિયામણ નવેમ્બર 2021ના અંત સુધી માત્ર 1.6 અબજ ડૉલર જેટલી રહી ગઈ હતી, જે માત્ર અમુક અઠવાડિયાંની આયાતની ચૂકવણી કરી શકાય તેટલા પૂરતી જ હતી.

પરિણામસ્વરૂપ, સરકારે થોડી ઘણી વધેલી વિદેશ હૂંડિયામણ બચાવી રાખવા માટે ખાવા-પીવાની વસ્તુઓ સહિત કેટલીક જરૂરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લાદવો પડ્યો.

આ સિવાય ઈંધણ તથા ફ્રેઇટના ભાવ વધતા મિલ્ક પાઉડર તથા ચોખાના ભાવ પણ આસમાને પહોંચી ગયા.

મોઘવારી માત્ર શ્રીલંકાની સમસ્યા નથી. એશિયાના અનેક દેશો જેમાં ભારત અને પાકિસ્તાન પણ સામેલ છે, ત્યાં મોઘવારી વધી રહી છે.

શ્રીલંકામાં પરિસ્થિતિ એટલે પણ વણસી ગઈ કારણ કે આ એક નાનકડો દ્વીપ છે, જે મોટા ભાગની વસ્તુઓની આપૂર્તિ માટે વિદેશથી આયાત પર નિર્ભર છે. જેમકે દેશનો નાનકડો ડેરીઉદ્યોગ સ્થાનિક માગની આપૂર્તિ કરી શકે તેમ નથી, એટલે શ્રીલંકાએ મિલ્ક પાઉડરની આયાત કરવી પડે છે.

કોરોના મહામારીને કારણે વિશ્વમાં ઈંધણના ભાવ વધ્યા છે, જેનાથી શ્રીલંકાની મુશ્કેલીમાં વધારો થયો હતો. દેશમાં આવકનો સૌથી મોટો સ્રોત પર્યટનઉદ્યોગ એ મહામારીને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયો હતો.

2019માં શ્રીલંકાને ચાર અબજ ડૉલરની આવક થઈ હતી, જેમાં કોરોના મહામારીને કારણે 90 ટકાનો ઘટાડો આવ્યો હતો.


મોંઘવારી અને ચીજવસ્તુઓની અછત

જેમ-જેમ શ્રીલંકામાં આર્થિક સ્થિતિ વણસતી ગઈ, આવશ્યક વસ્તુઓની કિંમત ઐતિહાસિક રૂપથી મોંઘી થતી ગઈ. રાંધણ ગૅસની અછતને કારણે હોટલો બંધ થઈ ગઈ કારણ કે રાજ્યના મુખ્ય ગૅસ આપૂર્તિકર્તાઓની પાસે ગૅસ ખરીદવાના પૈસા પણ નહોતા બચ્યા.

આવશ્યક સામાન ખરીદવા માટે લોકો દુકાનોની સામે લાઇનોમાં ઊભા થવા લાગ્યા અને કેટલીક વખત સામાન માટે હિંસા પણ થઈ હતી. વીજકાપ અને ડીઝલ તથા રાંધણગૅસની અછતની સીધી અસર જનજીવન પર પડી રહી છે.

ડીઝલની કમીની પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે દેશમાં સાર્વજનિક પરિવહન ઠપ થઈ ગયું કારણ કે બસો અને કૉમર્શિયલ વાહનોમાં મુખ્ય ઈંધણ તરીકે વપરાતું ડીઝલ દેશમાં છે જ નહીં.

જોકે કહેવામાં આવે છે કે 1970ના દાયકામાં સિરિમોવા ભંડારનાયકે વડા પ્રધાન હતા ત્યારે શ્રીલંકામાં દુષ્કાળ પડ્યો હતો. પરંતુ કેટલાક લોકોને લાગે છે કે વર્તમાન સંકટ તેના કરતાં પણ ઘેરું છે.


શ્રીલંકા પર ચીનથી લીધેલા ધિરાણનો બોજ

પોલીસ

શ્રીલંકાની ખરાબ આર્થિક સ્થિતિનું એક કારણ તેના પર વધતું દેવું પણ છે. એકલા ચીનનું જ શ્રીલંકા પર પાંચ અબજ ડૉલરનું દેવું છે. ભારત અને જાપાનનું પણ શ્રીલંકાની ઉપર ઘણું દેવું છે.

શ્રીલંકાની સરકારે આયાત માટે મોંઘા ભાવે ડૉલર ખરીદવા પડી રહ્યા છે. તેનાથી દેવું વધી રહ્યું છે. આનાથી શ્રીલંકન રૂપિયાની કિંમત પણ ઘટી ગઈ છે.

ફેબ્રુઆરીના મહિનામાં બૅન્ક ઑફ સિલોને 40 હજાર ટન પેટ્રોલ મગાવવા માટે 35.5 અબજ ડૉલર આપ્યા હતા. ખરેખર તો પેટ્રોલનું શિપમેન્ટ ચાર દિવસ સુધી કોલંબોના બંદર પર રાહ જોઈ રહ્યું હતું કારણ કે સરકાર પાસે ચૂકવણી માટે પૈસા જ નહોતા. આખરે બૅન્ક ઑફ સિલોને પૈસા આપવા પડ્યા.

શ્રીલંકાની કેન્દ્રીય બૅન્કની તરફથી ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર દેશનો વિદેશી હૂંડિયામણ જાન્યુઆરી 2022માં 24.8 ટકા ઘટીને 2.36 અબજ ડૉલર રહી ગઈ હતી. 2022માં શ્રીલંકાને સાત અબજ ડૉલરનું દેવું ચૂકવવાનું છે. વર્તમાન પરિસ્થિતિને જોતા શ્રીલંકાના ડિફૉલ્ટર થવાનો ખતરો ઊભો થઈ ગયો છે.

જો પરિસ્થિતિ નહીં સુધરે તો શ્રીલંકાએ આઈએમએફ પાસે જવું પડશે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીમાં એશિયન દેશોમાં સૌથી વધારે મોંઘવારી શ્રીલંકામાં જ વધી છે. ફેબ્રુઆરી 2021ની સરખામણીમાં ફેબ્રુઆરી 2022માં છૂટક મોઘવારી 15.1 ટકા વધી ગઈ છે.

શ્રીલંકન કરન્સીનું સરકારે ગત મહિને અવમૂલ્યન કર્યું હતું ત્યાર બાદ તેની કિંમત અમેરિકન ડૉલર સામે 30 ટકા ઘટાડો થયો છે.


ગોટબાયા પરિવાર સામે વિરોધપ્રદર્શન કેમ?

https://www.youtube.com/watch?v=U8kviOt77Tg

શ્રીલંકામાં અભૂતપૂર્વ આર્થિક સંકટ વચ્ચે લોકો માટે જીવનનિર્વહન કરવું અઘરું બની ગયું છે અને તેના માટે શક્તિશાળી રાજપક્ષે પરિવારને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સરકારના કુપ્રબંધન અને સતત કરજને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

શ્રીલંકાએ માર્ચ 2020માં આયાત પર પ્રતિબંધ લાદ્યો હતો, જેથી વિદેશી હૂંડિયામણી બચત થઈ શકે અને તેની મારફત વિદેશ કરજ ચૂકવવા માટે 51 અબજ ડૉલર બચાવી શકાય.

રાજધાની કોલંબોમાં ગત ગુરુવારે લોકો રસ્તા પર ઊતરીને રાજપક્ષેના રાજીનામાની માગ કરતા રેલીઓ કરી હતી.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ત્રીજી એપ્રિલે દેશવ્યાપી વિરોધપ્રદર્શનની યોજના હતી, પરંતુ તે પહેલાં સરકારે આખા દેશમાં કટોકટી જાહેર કરી દીધી હતી. તથા કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો હતો.

શ્રીલંકામાં રાજપક્ષે પરિવારને અતિશક્તિશાળી માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના મોટા ભાઈ મહિંદા રાજપક્ષે દેશના વડા પ્રધાન છે અને તેઓ દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.

તેમના નાના ભાઈ બાસિલ દેશના નાણા મંત્રી હતા. સૌથી મોટા ભાઈ ચમલ કૃષિમંત્રી હતા અને તેમના ભત્રીજા નમલ દેશના રમતગમત મંત્રી હતા.

દેશમાં આર્થિક સંકટ વચ્ચે મહિંદા રાજપક્ષે સિવાય તેમના કૅબિનેટના 26 મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ નવી સરકારના ગઠનમાં બધા રાજકીય પક્ષોને આમંત્રિત કર્યા છે.

રોષે ભરાયેલા લોકો હવે રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માગ પણ કરી રહ્યા છે.


ભારત, ચીન અને આઈએમએફ કરી રહ્યા છે મદદ?

આર્થિક સંકટનો ઉકેલ લાવવા માટે શ્રીલંકાની સરકારે બિનજરૂરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લાદ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર શ્રીલંકાએ ચીન પાસે પણ મદદની અપીલ કરી છે.

સોમવારે આવેલા અહેવાલો અનુસાર કોલંબોએ ભારત પાસેથી જરૂરી ચીજવસ્તુઓની આયાત માટે એક અબજ ડૉલરની ક્રૅડિટ લાઇન માગી છે. માર્ચ મહિનામાં પણ શ્રીલંકાના (પૂર્વ) નાણામંત્રી બેસિલ રાજપક્ષેએ ભારત પાસેથી એક અબજ ડૉલરની ક્રેડિટ લાઇનની સમજૂતી કરી હતી.

આ સિવાય ભારતે 400 મિલિયન ડૉલરની કરન્સી સ્વૅપ અને મુદ્રાની અદલા-બદલી કરી હતી તથા શ્રીલંકાને ઈંધણની ખરીદી માટે 500 મિલિયન ડૉલરની ક્રેડિટ લાઇન આપી હતી.

શ્રીલંકાની સરકારનું કહેવું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી બેલઆઉટ પૅકેજ માગ કરી રહ્યા છે, સાથે જ ભારત અને ચીન પાસેથી વધુ દેવું માગ્યું છે.

એક તરફ રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માગ થઈ રહી છે અને બીજી તરફ ઑલ પાર્ટી કૅબિનેટ માટે અવાજ ઊઠી રહ્યો છે, પરંતુ મુખ્ય વિપક્ષી દળે સંકેત આપ્યા છે કે તેઓ નવા મંત્રીમંડળમાં જગ્યા નથી ઇચ્છતા.

આર્થિક સંકટ વચ્ચે રાજપક્ષેએ પોતાની સરકારની કામગીરીનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે વિદેશી હૂંડિયામણના સંકટને કારણે આર્થિક સંકટ નથી પેદા થયું, પરંતુ આ મહામારીને કારણે થયો છે, જેની અસર પર્યટઉદ્યોગ પર પડી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર શ્રીલંકાએ ચીનને આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે પહેલાંથી લીધેલા દેવાની ચૂકવણી માટે નવેસરથી ગોઠવણ કરવાની વિનંતી કરી છે. એ સિવાય શ્રીલંકા ચીન સાથે 2.5 અબજ ડૉલરના ધિરાણ માટે વાતચીત કરી રહ્યું છે.

જોકે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ધિરાણ ચૂકવવાને લઈને નવેસરથી ગોઠવણ કરવી પડશે અથવા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની મદદ લેવી પડશે.


સરકાર શું કરી રહી છે?

આર્થિક સંકટનું સમાધાન શોધવા માટે રાજપક્ષે સરકારે કેટલાક બિનજરૂરી સામાનની આયાત પર પ્રતિબંધ લાદ્યા છે.

દેશમાં આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સંકટ સહિત વધતી મોંઘવારીની સામે લોકોના ગુસ્સાને શાંત પાડવા માટે સરકારે એક અબજ ડૉલરના રાહત પૅકેજની જાહેરાત કરી છે.

જેમાં સરકારી કર્મચારીઓના પગાર તથા પેન્શનમાં વધારો તથા ખાદ્યસામગ્રી અને દવાઓ પરથી કેટલાક ટૅક્સ હઠાવવાનું સામેલ છે. દેશના સૌથી ગરીબ લોકો માટે પણ આર્થિક ટેકાની જાહેરાત કરી છે.


https://www.youtube.com/watch?v=bIp1WVZpymI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The mistakes of Sri Lanka that pushed it into economic ruin
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X