કાબુલ પર કબ્જો કર્યા બાદ તાલિબાન સરકાર બનાવવાની તૈયારીમાં છે, ટૂંક સમયમાં જાહેરાત કરશે
કાબુલ : સ્વતંત્રતા દિવસ નિમિત્તે જ્યારે ભારતમાં આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી હતી, તે જ સમયે તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબ્જો જાહેર કર્યો હતો. ભારત માટે રાજદ્વારી રીતે સૌથી મહત્ત્વના દેશ અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબ્જા બાદ માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોની ચિંતા વધી છે.
આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, તાલિબાન ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી શકે છે. ભૂતકાળમાં એક પત્રકાર પરિષદમાં તાલિબાનને વૈશ્વિક શક્તિઓ દ્વારા તેમની સરકારને માન્યતા આપવા માટે કહેવામાં આવ્યું હતું.
અમેરિકી સેનાને પરત બોલાવ્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રાજધાની કાબુલ પર એટલી જ ઝડપે નિયંત્રણ મેળવ્યું છે, તે હવે સરકારની રચના કરવામાં વ્યસ્ત છે. કાબુલ પર કબ્જો કર્યાના એક સપ્તાહ બાદ તાલિબાને રવિવારના રોજ જણાવ્યું કે, તે ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરશે.
તાલિબાનનું કહેવું છે કે, દેશ તેના લોકોને સુરક્ષિત કરવા માટે યુદ્ધગ્રસ્ત નાગરિકોને બહાર કાઢવાનું ચાલુ રાખશે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, નવી સરકારની રચના અંગે અફઘાન રાજકીય નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે અને નજીકના ભવિષ્યમાં નવી સરકારની જાહેરાત કરવામાં આવશે.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, અમારા રાજકીય અધિકારીઓએ અહીં કાબુલમાં નેતાઓ સાથે મુલાકાત કરી, તેમના મંતવ્યો મહત્વપૂર્ણ છે, હાલ ચર્ચા ચાલી રહી છે, ઇન્શાઅલ્લાહ, સરકાર પર ટૂંક સમયમાં જાહેરાતની અપેક્ષા છે. આ અગાઉ અફઘાનિસ્તાનને નિયંત્રિત કરનારા જૂથ તાલિબાનના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, તાલિબાનના સહ સ્થાપક અને નાયબ નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર શનિવારના રોજ કાબુલ પહોંચ્યા હતા, જેથી સરકાર રચવા માટે અફઘાન રાજકીય નેતાઓ સાથે ઔપચારિક ચર્ચા શરૂ કરી શકાય.