For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ ટેકનૉલૉજી જેનાથી યુદ્ધોમાં ચીન અને રશિયા દુનિયા પર હાવી થઈ શકે છે

એ ટેકનૉલૉજી જેનાથી યુદ્ધોમાં ચીન અને રશિયા દુનિયા પર હાવી થઈ શકે છે

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

2021નું વર્ષ બ્રિટનની સંરક્ષણ અને સલામતીની નીતિમાં પાયાનો ફેરફાર થયો છે. ડિજિટલ ટેક્નૉલૉજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર માટેનું બજેટ વધ્યું છે. પરંપરાગત શસ્ત્રો અને સૈનિકોની સંખ્યા માટેનું ભંડોળ ઓછું થયું છે.

એવા સમયે આ ફેરફાર થયો છે, જ્યારે રશિયાનાં દળો યુક્રેનની સરહદે જમા થઈ રહ્યાં છે. રશિયા એવી પણ માગણી કરી રહ્યું છે કે અમુક દેશોમાંથી નાટોએ પોતાનાં દળો હઠાવી લેવાં જોઈએ અને ચીન પણ તાઇવાનને ફરી કબજે કરવાની - જરૂર પડ્યે તાકાતથી પણ કબજે કરવાની ચેતવણી આપવા લાગ્યું છે.

દુનિયામાં ઘણી જગ્યાએ નાનાં-મોટાં ઘર્ષણ ચાલી રહ્યાં છે. ઇથિયોપિયામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે, યુક્રેનમાં વિભાજન માટેનાં તોફાનોના કારણે 2014થી અત્યાર સુધીમાં 14,000નાં મોત થયાં છે, સીરિયામાં અસંતોષ અટક્યો નથી.

ભવિષ્યમાં મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ થાય તો તે કેવું હશે અને શું ભાવી પડકારોને પહોંચી વળવા માટે પશ્ચિમ તૈયાર છે?

પ્રથમ તો એ કે 'ભવિષ્યનું યુદ્ધ' લગભગ દરવાજે આવીને ઊભું છે. ભવિષ્યમાં પશ્ચિમના દેશો, રશિયા અથવા ચીન વચ્ચે ઘર્ષણ થાય તો તેમાં જે કંઈ જોવા મળશે, તેમાંથી મોટા ભાગનાં શસ્ત્રો અત્યારે ઉપલબ્ધ છે. શસ્ત્રો વિકસાવાઈ ગયાં છે અને ગોઠવાઈ પણ ગયાં છે.


દુનિયા માટે ગંભીર જોખમ

16 નવેમ્બરે રશિયાએ અવકાશમાં મિસાઇલનો ટેસ્ટ કર્યો અને પોતાના જ એક સેટેલાઇટને ઉડાવી મૂક્યો હતો.

તાજેતરમાં ચીને પણ પોતાની આધુનિક હાયપરસોનિક મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું, જે ધ્વની કરતાં પણ વધારે ઝડપથી પ્રવાસ કરી શકે છે.

સાયબર હુમલા, હવામાનને પલટાવી નાખવું વગેરે જેવી બાબતો તો વારંવાર જોવા મળી છે, જેને ઘણી વાર 'સબ-થ્રૅશહૉલ્ડ લડાઈ' કહેવામાં આવે છે.

ક્લિન્ટન અને ઓબામા રાષ્ટ્રપતિ હતા, ત્યારે પેન્ટાગોનમાં પૉલિસીના વડા તરીકે મિશેલ ફ્લોરનોય હતા. તેમનું માનવું છે કે છેલ્લા બે દાયકા દરમિયાન પશ્ચિમનું ધ્યાન મધ્ય-પૂર્વ પર કેન્દ્રીત થયું હતું એટલે દુશ્મન દેશોને લશ્કરી બાબતોમાં પ્રગતિ કરવાની તક મળી ગઈ હતી.

મિશેલ કહે છે કે, "આપણે એટલે કે અમેરિકા, યુકે અને સાથી દેશો એક વ્યૂહાત્મક બિંદુ પર આવીને ઊભા રહી ગયા છીએ."

"ત્રાસવાદનો સામનો કરવા માટે 20 વર્ષોથી ધ્યાન કેન્દ્રીત કરાયું હતું, તેમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ."

"ઇરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધમાંથી બહાર આવીને આપણે હવે એ વાસ્તવિકતાને તાકી રહ્યા છીએ કે આપણે એક ગંભીર મહાસત્તાઓ વચ્ચેના શક્તિપ્રદર્શનની સ્પર્ધામાં આવી ગયા છીએ."

તેઓ જેનો ઉલ્લેખ કરી રહ્યા છે તે દેશો છે રશિયા અને ચીન, જેમનો ઉલ્લેખ યુકે સરકારના ઇન્ટિગ્રૅટેડ રિવ્યૂમાં પણ 'ગંભીર જોખમ' તરીકે કરાયો છે.

તેઓ કહે છે કે, "આપણે મધ્ય-પૂર્વ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા હતા, ત્યારે આ દેશોએ પશ્ચિમની પદ્ધતિએ યુદ્ધનું ભણતર લઈ લીધું. તે દેશોએ નવી ટેક્નૉલૉજીમાં મોટાપાયે રોકાણ પણ કર્યું છે."

તેમાંથી મોટા ભાગનું રોકાણ સાયબર ઍક્ટિવિટી માટે કરાયું છે - પશ્ચિમના સમાજને વેરવિખેર કરી નાખે તેવી પ્રવૃત્તિઓ કરવી, ચૂંટણીની પ્રક્રિયાને પ્રભાવિત કરવી, અગત્યના ડેટા ચોરી લેવા વગેરે.

આ બધી પ્રવૃત્તિઓને સીધી લડાઈ ગણી ન શકાય અને મોટા ભાગે આવું કંઈ કર્યું હોવાનો ઇનકાર પણ કરી શકાય છે.


અમેરિકા અને ચીન વચ્ચે લડાઈ થઈ જાય તો શું થાય?

ચીન, રશિયા

હાલના સમયે જે રીતે પશ્ચિમ અને રશિયા વચ્ચે યુક્રેનના મામલે તણાવ છે, ત્યારે તેમાં અથવા તો તાઇવાનના મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે લડાઈ થઈ જાય તો શું થાય? તે કેવા પ્રકારનું યુદ્ધ હશે?

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રૅટેજિક સ્ટડીઝ (IISS)ના સિનિયર રિસર્ચ ફૅલો મીરા નુવન્સ કહે છે કે, "મને લાગે છે કે આ ઘર્ષણ થશે તો તે બહુ ઝડપથી ચાલશે અને તેમાં સૌથી વધુ ભાર માહિતી પ્રાપ્ત કરવાની બાબતમાં હશે."

ચીન લશ્કરી હેતુઓ માટે કઈ રીતે ડેટાનો ઉપયોગ કરી રહ્યો છે, તેના પર મુખ્યત્વે આ સંસ્થા સંશોધન કરી રહી છે.

"ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ સ્ટ્રૅટેજિક સપૉર્ટ ફોર્સ નામની નવી એજન્સી ઊભી કરી છે, જે અવકાશ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સાયબર ક્ષમતાની બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરે છે."

આ બાબતોનો વ્યવહારમાં શું અર્થ થાય?

દેખીતી રીતે જ યુદ્ધ ફાટી નીકળે તો સૌપ્રથમ બંને બાજુથી સાયબર હુમલા થશે. સામા દેશોનાં સંદેશાવ્યવહારને, તેમના ટેલિકૉમ માટેના ઉપગ્રહોને નકામા કરી દેવાશે અને માહિતીનું વહન કરનારા દરિયાના પેટાળમાં રહેલા કૅબલોને કાપી નાખવામાં આવશે.

IISS ખાતે ભવિષ્યના યુદ્ધની બાબતના નિષ્ણાત ફ્રાન્ક-સ્ટિફન ગેડીને મેં પૂછ્યું કે આવું થાય તેનાથી તમને અને મને શું ફરક પડે. શું તેના કારણે ફોન બંધ થઈ જશે, પેટ્રોલપંપ ઠપ થઈ જશે અને અનાજનું વિતરણ અસ્તવ્યસ્ત થઈ જશે?


વિશ્વ અને અણુશસ્ત્રો

ચીન, રશિયા

તેઓ કહે છે, "હા, એવું થવાની સંભાવના છે. કેમ કે મહાસત્તાઓ સાયબર હુમલા કરવા માટેનાં સાધનો પાછળ મોટો ખર્ચ કરી રહી છે."

"માત્ર સાયબર નહીં, પણ ઇલેક્ટ્રોનિક યુદ્ધ માટેનાં સાધનો પણ વિકસાવી રહી છે, જેનાથી ઉપગ્રહોને ઠપ કરીને સંદેશાવ્યવહારને ખોરવી શકાય. એટલે ભવિષ્યના યુદ્ધમાં માત્ર સેના નહીં, પણ નાગરિકોને પણ હેરાન થવાનું આવશે."

સૌથી મોટું જોખમ એ છે કે અજાણપણે તણાવ વધી જાય. તમારો ઉપગ્રહ કામ ન કરી રહ્યો હોય અને ભોંયરામાં ગોઠવવામાં આવેલાં બન્કરોમાં રાખેલા ફોન કામ ન કરતા હોય, ત્યારે શું ચાલી રહ્યું છે તે સમજવું મુશ્કેલ બની જાય.

એવા સંજોગોમાં આગળ શું પગલું લેવું તેનો નિર્ણય લેવાનો મુશ્કેલ બની જાય.

મીરા નુવન્સ માને છે કે આવી સ્થિતિમાં બે રીતે પ્રતિસાદ આવી શકે છે - 'લઘુતમ' અથવા 'મહત્તમ' પ્રતિસાદ આપવામાં આવે, જેના કારણે તણાવ વધી જાય તેવું જોખમ પણ ઊભું રહે છે.

ભવિષ્યના યુદ્ધમાં બીજી સૌથી અગત્યની બાબત સાબિત થવાની છે તે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ - AI. કમાન્ડરને નિર્ણય લેવા માટે AI બહુ ઉપયોગી થઈ શકે છે. માહિતીનું ઝડપથી વિશ્લેષણ કરીને પ્રતિસાદ આપવામાં તેઓ ઝડપ કરી શકે છે.

આ બાબતમાં અમેરિકા સંભવિત હરિફોથી આગળ છે અને મિશેલ ફ્લોરનોય માને છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી પાસે મોટી સંખ્યામાં સૈનિકો છે, પણ આ બાબતે અમેરિકા બરોબરી કરી શકે છે.

તેઓ કહે છે કે, "હરિફના સુરક્ષા માટેના આયોજનને વિખેરી નાખવા માટે અને ગુણવત્તાની રીતે ફાયદો મેળવવામાં એવું કરી શકાય કે મનુષ્યની સામે મશીનને મૂકી દેવામાં આવે."

"એટલે કે તમારી પાસે એવું પ્લૅટફૉર્મ હોય, જ્યાં એક માણસ 100 જેટલાં મશીનોને નિયંત્રિત કરી શકે તેમ હોય ત્યારે તમે ગુણવત્તાની રીતે ફરીથી સંતુલન સાધી શકો."

જોકે એક બાબત એવી છે જેમાં રશિયા અને ચીનથી પશ્ચિમ પાછળ પડી રહ્યું છે. એ છે હાઇપરસોનિક મિસાઇલ - ધ્વની કરતાં પાંચથી 27ગણી ઝડપે ભાગી શકતી મિસાઇલ જેના પર પરંપરાગત અને અણુ બંને પ્રકારનાં શસ્ત્રો રહી શકે છે.


2022માં વિશ્વ ક્યાં ઊભું છે?

રશિયાએ ઝિક્રોન નામની હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલના સફળ પરિક્ષણની જાહેરાત કરી છે અને દાવો કર્યો છે કે વિશ્વમાં કોઈ પણ સુરક્ષાની વ્યવસ્થાને તોડી પાડી શકે તેમ છે.

ચીને સૌ પ્રથમ 2019માં ડોંગ ફેંગ 17 નામથી હાઇપરસોનિક ગ્લાઇડ વ્હિકલ (HGV)નું પ્રદર્શન કર્યું હતું, જે અવકાશમાં અણધારી દિશામાં પણ ત્રાટકી શકે છે અને તેના કારણે તેને આંતરવી મુશ્કેલ બની જાય છે.

આવી જ મિસાઇલ માટે અમેરિકાએ હાલમાં પરિક્ષણ કર્યું, પણ તે બરાબર પાર પડ્યું નથી. ચીનની સેના પાસે હવે આવાં શસ્ત્રો છે, તેના કારણે વૉશિંગ્ટને વિચાર કરવો પડે તેમ છે.

ચીન તાઇવાન પર હુમલો કરે ત્યારે તેમાં વચ્ચે પડવું કે નહીં તે નિર્ણય લેતા પહેલાં અમેરિકાએ આ બાબતો ધ્યાને રાખવી પડે.

2022નું વર્ષ શરૂ થઈ ગયું છે, ત્યારે રશિયાનાં દળો યુક્રેનની સરહદે ગોઠવાઈ ગયાં છે. પરંતુ તેમાં સાયબર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધની ક્ષમતા કરતાં અત્યારે પરંપરાગત શસ્ત્રો સાથેની ટુકડીઓ વધારે છે. ટૅન્ક, બખ્તરગાડીઓ વગેરે વધારે છે.

યુકેએ નિર્ણય લીધો છે કે પરંપરાગત સેનામાં કાપ મૂકીને નવી ટેકનૉલૉજીમાં વધારે રોકાણ કરવું. ભવિષ્યની યુદ્ધની બાબતોના નિષ્ણાત ફ્રાન્ઝ-સ્ટિફન ગેડી કહે છે કે આ પ્રયાસોના કારણે 20 વર્ષમાં ફાયદો દેખાવા લાગશે. પરંતુ ત્યાં સુધીના વચ્ચેના ગાળામાં ચિંતાજનક સ્થિતિ ઊભી રહેવાની છે.

તેઓ કહે છે, "મને લાગે છે કે આગામી પાંચથી 10 વર્ષમાં ખતરનાક સ્થિતિ હશે, જ્યારે પરંપરાગત સેના ઘટી રહી હશે. તે જ વખતે આ નવી ઊભી થઈ રહેલી આધુનિક ક્ષમતાઓ હજી તૈયાર પણ નહીં થઈ હોય."

અને આ આગામી પાંચ કે 10 વર્ષમાં જ પશ્ચિમની સલામતી સામે સૌથી મોટું જોખમ ઊભું થઈ શકે છે. તો શું માત્ર નિરાશાજનક જ સ્થિતિ છે?

અમેરિકાની સંરક્ષણ નીતિમાં વર્ષો ગાળનારા મિશેલ ફ્લૉરનોય કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. તેઓ માને છે કે બે રીતે ઉકેલ આવી શકે છે - સાથી દેશો સાથે વધારે સંકલન સાથે સંવાદ અને યોગ્ય દિશામાં રોકાણ.



https://www.youtube.com/watch?v=xz9w7jElOd0

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The technology that allows China and Russia to dominate the world in wars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X