ગુજરાત મુળના પુલકિત દેસાઈ ન્યુજર્સીના પાર્સિપ્પનીના મેયર તરીકે ચૂંટાયા
ગુજરાતી મૂળના પુલકિત દેસાઈ અમેરિકાના ન્યૂજર્સીમાં પાર્સિપની શહેરના પ્રથમ ભારતીય-અમેરિકન અને એશિયન-અમેરિકન મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે 3 જાન્યુઆરી 2026ના રોજ મેયર તરીકે શપથ લીધા.

યુએસ મરીન વેટરન અને અનુભવી ટેક પ્રોફેશનલ એવા પુલકિત દેસાઈએ ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ટાઉનશીપમાં ડેમોક્રેટ મેજોરિટી સ્થાપી છે. મેયર તરીકે તેમનો મુખ્ય એજન્ડા સ્માર્ટ ડેવલપમેન્ટ, શહેરમાં વધતી ભીડને અટકાવવી, વહીવટમાં પારદર્શિતા અને ઉચ્ચ જવાબદારી સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે.
દેસાઈનો શપથગ્રહણ પાર્સિપની મ્યુનિસિપલ બિલ્ડિંગ ખાતે પૂર્ણ થયો. આ પ્રસંગે તેમનો પરિવાર, સ્થાનિક સમુદાયના અગ્રણી સભ્યો, અને ન્યૂજર્સીના ચૂંટાયેલા ગવર્નર માઇકી શેરિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. સ્ટેટ સેનેટર રાજ મુખર્જીએ આ શપથ વિધિ કરાવી હતી. પુલકિત દેસાઈ મૂળ ગુજરાતના વલસાડ શહેરના વતની છે.
મેયર બનતા પહેલા, તેમણે એક બહોળો કારકિર્દીનો અનુભવ મેળવ્યો છે. દેસાઈએ છ વર્ષ સુધી યુએસ મરીન કોર્પસમાં સેવા આપી, જેમાં ઓપરેશન્સ ડેઝર્ટ શીલ્ડ અને ડેઝર્ટ સ્ટોર્મ જેવા મહત્વપૂર્ણ અભિયાનોમાં ફરજ નિભાવી. તેમની સૈન્ય સેવા પૂર્ણ કર્યા બાદ તેમણે લગભગ ત્રણ દાયકા સુધી ટેકનોલોજી ક્ષેત્રમાં કાર્ય કર્યું.
આ સમયગાળા દરમિયાન, દેસાઈએ સાયબર સુરક્ષા અને વૈશ્વિક IT સિસ્ટમ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ મેળવ્યો છે. હવે તેઓ આ વિશાળ અનુભવનો ઉપયોગ નાગરિક વહીવટમાં સુશાસન અને પારદર્શિતા લાવવા માટે કરવા માંગે છે. પાર્સિપનીમાં મોટી ભારતીય-અમેરિકન વસ્તી ધરાવતા લોકો માટે આ જીત એક મોટો માઈલસ્ટોન સાબિત થશે.












Click it and Unblock the Notifications
