અમેરિકામાં વિઝા કૌભાંડમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિની ધરપકડ
અમેરિકામાં ભારતીય મૂળના એક વ્યક્તિ અને ત્રણ શહેરના પોલીસ અધિકારીઓ વિઝા ફ્રોડના ગંભીર આરોપોમાં ફસાયા છે. લુઇઝિયાના રાજ્યમાં રહેતા ચંદ્રકાંત પટેલે ખાસ પ્રકારના U વિઝા મેળવવા બોગસ લૂંટના બનાવો રચી પોલીસ અધિકારીઓની મદદથી ખોટા કેસો દાખલ કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
ચંદ્રકાંત પટેલે પોતાના સબવે રેસ્ટોરન્ટના ઓળખીતા લોકોના નામે લૂંટના ભોગ તરીકે બોગસ કેસ નોંધાવ્યા હતા. તેને 5 હજાર ડોલર જેટલી રકમ આપી ત્રણ શહેરના પોલીસ અધિકારીઓને આ નાટકમાં સામેલ કર્યા હતા.

આ બનાવો દ્વારા U વિઝા માટે અરજી કરી શકાય, જે ગુનાનો ભોગ બનેલા લોકોને USમાં રહેવાની અને તપાસમાં સહભાગી બનવાની પરવાનગી આપે છે.
US ફેડરલ કોર્ટના દસ્તાવેજો પ્રમાણે, આરોપી પોલીસ અધિકારીઓમાં ઓક્ડેલના ચીફ ચેડ ડોયલ, ફોરેસ્ટ હિલના ગ્લિન ડિક્સન, અને ગ્લેનમોરાના ટેબો ઓનિશિયા શામેલ છે.
આ સિવાય ઓક્ડેલના સિટી માર્શલ માઈકલ સ્લેનીનું પણ નામ બહાર આવ્યું છે. ચેડ ડોયલની પત્ની એલિસન ડોયલ સામે અલગ ભ્રષ્ટાચારના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ દ્વારા દાખલ કરાયેલા બોગસ કેસોમાં કુલ 25 લોકોના નામ હતા અને દરેકની અટક પટેલ હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે આ લોકો ક્યારેય કોઈ ગુનાના શિકાર બન્યા ન હતા. તપાસ દરમિયાન ચંદ્રકાંત પટેલ પાસેથી 2,30,000 ડોલર રોકડ અને 51,000ની મિલકત પણ જપ્ત કરવામાં આવી છે, જેનો સંબંધ આ કૌભાંડથી છે.












Click it and Unblock the Notifications
