For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2022 : સચીન તેંડુલકરે જેમને મહેન્દ્રસિંહ ધોની સાથે સરખાવ્યા એ આઈપીએલમાં રમતા ભાવનગરના ખેલાડી કોણ છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચેની મૅચથી ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનનો પ્રારંભ થયો. મૅચ પ્રારંભથી જ એકપક્ષીય અને નિરાશાજનક રહી હતી, પરંતુ આ મૅચમાં ક્રિકેટના સુપરસ્ટાર સચીન તેંડુલકરનું ટ્વીટ ઉત્સાહપ્રેરક રહ્યું.

મૅચમાં કેકેઆરના વિકેટકીપર શેલ્ડન જેક્સને સેટ બૅટ્સમેન રૉબિન ઉથપ્પાને સ્ટમ્પ આઉટ કર્યા હતા.

કેકેઆરની સાતમી ઑવરના પાંચમા બૉલે વરુણ ચક્રવર્તીની બૉલિંગમાં શેલ્ડને ઉથપ્પાને સ્ટમ્પ આઉટ કર્યા હતા.

સીએસકે 2 વિકેટ ગુમાવીને 49 રન પર રમી રહ્યુ હતું અને શેલ્ડનના એ કમાલના સ્ટમ્પિંગ સાથે ઉથપ્પા પેવેલિયન પરત ફર્યા હતા.

વરુણ વાઇડ બૉલ ફેંકે છે, પરંતુ પીચ બહાર ગયેલા ઉથપ્પાનું બેટ હવામાં જ અધ્ધર રહી જાય છે અને શેલ્ડન જેક્સન સ્ટમ્પિંગ કરી દે છે. અને આંખના પલકારામાં જ ઉથપ્પાના આઉટ થવાનો આખો ઘટનાક્રમ બની જાય છે.

આ સ્ટમ્પિંગ અંગે સચીને ટ્વીટ કરતા લખ્યું હતું, "એ જોરદાર સ્ટમ્પિંગ હતું. શેલ્ડન જેક્સનની ગતિ જોઈને મને ધોની યાદ આવી ગયા. વીજળીવેગ..."

https://twitter.com/sachin_rt/status/1507731348705865732


શેલ્ડન જેક્સન કોણ છે?

ચેતેશ્વર પૂજારા સાથે શેલ્ડને અનેક વખત શતકીય ભાગીદારીઓ નોંધાવી છે

ભાવનગરમાં જન્મેલા 35 વર્ષીય વિકેટકીપર બૅટ્સમૅન શેલ્ડન જેક્સન રણજી ટ્રૉફીમાં સૌરાષ્ટ્રની ટીમના આધારભૂત બૅટ્સમૅન રહ્યા છે. તેમની પ્રથમ શ્રેણીની કારકિર્દી શાનદાર રહી છે.

2011માં રેલવે સામે કારકિર્દીની શરૂઆત કરી હતી. શેલ્ડનની બીજી સિઝન પણ શાનદાર રહી અને તેમણે ટીમમાં બીજા ક્રમે સૌથી વધુ રન કર્યા. તેમણે ટીમમાં સિઝનમાં સૌથી વધુ સદી ફટકારી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા શેલ્ડન જેક્સન કહે છે, "હું ભાવનગરનો વતની છું. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. મારી માતા ટ્યુશન ક્લાસ ચલાવતી."

"હું 14 વર્ષનો હતો ત્યારે પહેલા ભરૂચા ક્રિકેટ ક્લબ તરીકે ઓળખાતી અને અત્યારની સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબમાં પ્રૅક્ટિસમાં જતો હતો. ત્યાં એમજી ગોહીલસરે (જેઓ આજે હયાત નથી) મને જોયો. તેમણે મને ક્રિકેટમાં આગળ વધવા માટે ઘણો સપોર્ટ કર્યો હતો."

સચીનના ટ્વીટ અંગે શેલ્ડન કહે છે, "તેમનું પ્રોત્સાહન મારા માટે બહુ મહત્ત્વ ધરાવે છે, કેમ કે તેઓ ક્રિકેટજગતના ભગવાન ગણાય છે."

આ પહેલાં પણ વર્ષ 2009માં કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા આઈપીએલમાં સાઈન કરવામાં આવ્યા હતા. જોકે તેમને કોઈ મૅચમાં રમવા મળ્યું નહોતું.

https://www.youtube.com/watch?v=5Cao9N1-ke8

2012-13ની રણજી ટ્રૉફી સિઝનમાં શેલ્ડને કર્ણાટક સામે સામે ક્વાર્ટર-ફાઇનલમાં અને પંજાબ સામે સેમિફાઇનલમાં ઉપરાછાપરી સદી ફટકારી હતી. ઉપરાંત તેમણે સિઝનમાં ચાર અર્ધસદી અને ત્રણ સદી ફટકારી હતી.

એ વરસે સૌરાષ્ટ્રે પહેલી વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો તેમાં શેલ્ડનના ભવ્ય પ્રદર્શનનું ઘણું યોગદાન હતું.

ઑક્ટોબર 2013માં ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ-એ સામેની શ્રેણી માટે ભારત-એ ટીમમાં સ્થાન મેળવ્યું. 2015-16માં ઈરાની ટ્રૉફીમાં તેમના અણનમ 59 રનની મદદથી રેસ્ટ ઑફ ઇન્ડિયા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રીજા ક્રમનો રન ચેઝ કરવામાં સ્થાન પામ્યું હતું.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શેલ્ડને 79 મૅચમાં 133 ઇનિંગમાં કુલ 5,947 રન નોંધાવ્યા છે. જેમાં તેમનો સર્વાધિક સ્કોર 186 હતો.

એ-શ્રેણીમાં 65 ઇનિંગમાં 37.23 રનની સરેરાશ સાથે કુલ 2,346 રન ફટકાર્યા હતા. શેલ્ડને 53 ટી-20 ઇનિંગમાં 120ની સ્ટ્રાઇક રેટ સાથે કુલ 1,514 રન સાથે એક સદી ફટકારી છે.

વિજય હજારે ટ્રૉફી 2015-16માં તેમણે મધ્ય પ્રદેશ અને ગોવા સામે સદી નોંધાવી હતી. મધ્ય પ્રદેશ સામે 111 રન ફટકાર્યા હતા, જ્યારે 199 રનનો પીછો કરતા ગોવા સામે તેમણે માત્ર 103 દડામાં અણનમ 150 રન ફટકારીને ટીમને 10 વિકેટે વિજ્ય અપાવ્યો હતો. એ ઇનિંગમાં શેલ્ડને 22 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

શેલ્ડન જેક્સને વિજય હજારે ટ્રૉફી 2021-22માં વિદર્ભ સામેની મૅચમાં હવામાં છલાંગ લગાવીને કૅચ ઝડપ્યો હતો.


યુવરાજસિંહે પણ કહ્યું, "હેલમેટ પહેરવાનું રાખો, તમે પ્રતિભાશાળી છો"

દુલીપ ટ્રૉફીની એ ફાઇનલ મૅચમાં 256 રને અણનમ રહેલા ચેતેશ્વર પૂજારા ઍન્ડ કંપનીએ યુવરાજ અને શિખર ધવન જેવા સ્ટાર પ્લેયરની ટીમ સામે 6 વિકેટે 693 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.

એ મૅચમાં પણ શેલ્ડન જેક્સનનો મોટો ફાળો હતો. એ મૅચમાં શેલ્ડને 134 રન ફટકાર્યા હતા અને પૂજારા સાથે 243 રનની ભાગીદારી નોંધાવી હતી. એ મૅચમાં કુલદીપ યાદવે 214 રન અને અમીત મિશ્રાએ 171 રન આપ્યા હતા.

સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહે પણ શેલ્ડન જેક્સનની પ્રશંસા કરતું ટ્વીટ કર્યું હતું. "પ્રિય શેલ્ડન. હેલમેટ પહેરવાનું રાખો! તમે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છો અને લાંબા સમય પછી સુવર્ણ તક મળી છે, સુરક્ષિત રહો!!!"

https://twitter.com/YUVSTRONG12/status/1507741620090904581

શેલ્ડન કહે છે, "હું યુવરાજસિંહની સલાહને યાદ રાખવાનો પ્રયાસ કરીશ. વિકેટ પાછળ હેલમેટ પહેરવાનું નહીં ભૂલું"

રણજી ટ્રૉફી 2017-18માં જમ્મુ-કાશ્મીર સામે શેલ્ડન જેક્સને 156 બૉલમાં 181 રન ફટકાર્યા હતા. તેમણે રવીન્દ્ર જાડેજા સાથે 281 રનની મેરાથોન પાર્ટનરશિપ નોંધાવી હતી.

ચેતેશ્વર પૂજારા સાથે તેમણે અનેક વખત શતકીય ભાગીદારીઓ નોંધાવી છે.

ટ્વિટર પર સ્વ-પરિચયમાં શેલ્ડન પોતાને પ્રાણીપ્રેમી ગણાવે છે.



https://www.youtube.com/watch?v=rMUd9-AcP90

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022: Who is the Bhavnagar player Sachin Tendulkar compared to Mahendra Singh Dhoni?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X