For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતીઓ વિનાની ગુજરાત ટાઇટન્સ આકર્ષણ પેદા કરશે?

IPL 2022 : ગુજરાતીઓ વિનાની ગુજરાત ટાઇટન્સ આકર્ષણ પેદા કરશે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે વિવિધ ફ્રેન્ચાઇઝીએ હરાજી સાથે પોતપોતાની કસરતનો પ્રારંભ કરી દીધો છે. તાજેતરમાં યોજાયેલી બે દિવસની હરાજીમાં વિવિધ ટીમોએ પ્રથમ દિવસે થોડો સંયમ દાખવ્યો પરંતુ બીજે દિવસે અઢળક ખરીદી કરી લીધી હતી.

પ્રથમ દિવસે તો ગુજરાતની ટીમે ઘણો સંયમ દાખવ્યો અને મુંબઈની માફક તેની ઝોળીમાં પણ ખાસ ખેલાડીઓની ભરતી જોવા મળી નહીં પરંતુ બીજે દિવસે ગુજરાતે પણ મેદાન મારી દીધું હતું
Click here to see the BBC interactive

દરેક ટીમ પોતાની રણનીતિ મુજબ ખેલાડીઓની પસંદગી કરતી હોય છે અને આ માટે અગાઉથી પુષ્કળ હોમવર્ક કરીને હરાજીમાં નિર્ણયો લેતી હોય છે.

આ વખત બે નવી ટીમોની આ ધનાઢ્ય ટી20 ક્રિકેટ લીગમાં એન્ટ્રી થઈ છે ત્યારે સૌનું ધ્યાન સ્વાભિકપણે જ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ તરફ હતું.

જોકે પ્રથમ દિવસે તો ગુજરાતની ટીમે ઘણો સંયમ દાખવ્યો અને મુંબઈની માફક તેની ઝોળીમાં પણ ખાસ ખેલાડીઓની ભરતી જોવા મળી નહીં પરંતુ બીજે દિવસે ગુજરાતે પણ મેદાન મારી દીધું હતું.

આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતની ટીમમાં તેના કૅપ્ટન હાર્દિક પંડ્યાને બાદ કરતાં કોઈ ગુજરાતી ખેલાડી જોવા મળતો નથી.


હાર્દિક પંડ્યા સિવાય કોઈ ગુજરાતી ખેલાડીનો સમાવેશ નહીં

ગુજરાતની ટીમમાં હાર્દિક પંડ્યાને બાદ કરતાં એકેય ગુજરાતી નથી

આમ તો આઇપીએલની તાસીર જોતાં આશ્ચર્ય થવું જોઈએ નહીં કેમ કે અહીં નામ માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ છે પરંતુ તેમાં સમગ્ર વિશ્વના ખેલાડીઓ રમતા હોય છે અને અહીં સ્થાનિક ખેલાડીને તક આપવી જ જોઈએ તેવો કોઈ નિયમ હોતો નથી તેમ છતાં ઘણી ટીમ એવી છે જે સ્થાનિક જુનિયર કે નવા ખેલાડીને તક આપતી હોય છે. પંજાબ કે દિલ્હી તેમજ મુંબઈની ટીમમાં પણ કેટલાક સ્થાનિક ખેલાડીને સામેલ કરાયા છે જેની સરખામણીએ ગુજરાતની ટીમમાં હાર્દિક પંડ્યાને બાદ કરતાં એકેય ગુજરાતી નથી.

આમ છતાં ગુજરાતની ટીમ આ વખતે આકર્ષણ પેદા કરશે તેમાં શંકા નથી કેમ કે તેની પાસે વિશ્વના કેટલાક નીવડેલા ખેલાડીઓની ફોજ છે.


ટીમનું સંતુલન

ગુજરાત પાસે આ વખતે ઇંગ્લૅન્ડના જેસન રોય છે તો સાઉથ આફ્રિકાનો ડેવિડ મિલર અને ઑસ્ટ્રેલિયાના મેથ્યુ વેડ છે

ગુજરાત પાસે આ વખતે ઇંગ્લૅન્ડના જેસન રોય છે તો સાઉથ આફ્રિકાનો ડેવિડ મિલર અને ઑસ્ટ્રેલિયાના મેથ્યુ વેડ છે. આ ઉપરાંત ભારતના નવા બૅટ્સમૅન શુભમન ગિલ છે.

ટીમના 24 ખેલાડીમાંથી દસ ઓલરાઉન્ડર છે જે ગુજરાતની ટીમનું સૌથી મોટું જમા પાસું છે. કૅપ્ટન હાર્દિક પડ્યા ઉપરાંત અફઘાનિસ્તાનના શ્રેષ્ઠ લેગ સ્પિનર રાશીદ ખાન છે જે નીચલા ક્રમે આવીને બૅટિંગમાં કમાલ કરતા રહે છે.

આ ઉપરાંત રાહુલ તેવટિયા જેવા પ્રતિભાશાળી ખેલાડી છે જેઓ બૅટિંગમાં આક્રમકતા દાખવી શકે છે એટલું જ નહીં પરંતુ તેઓ સારા સ્પિનર પણ છે.

ગુરકિરાટસિંઘ માણ અને ડોમનિક ડ્રેક્સ મિડલ ઑર્ડરમાં ટીમને મજબૂતી પ્રદાન કરી શકે છે.

ઉત્તર પ્રદેશના યશ દયાલ ટીમના કોચ આશિષ નહેરાની માફક લેફ્ટ આર્મ પેસ બૉલિંગ કરે છે અને ઉત્તર પ્રદેશની ટીમ માટે બૉલિંગમાં કમાલ કરી ચૂક્યા છે તો તેમની સાથે અનુભવી લોકી ફર્ગ્યુસન છે જેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધમાલ મચાવી ચૂક્યા છે.

મોહમ્મદ શમી કોઈ પણ ટીમ માટે ઉપયોગી બૉલર પુરવાર થાય કેમ કે તે હાલમાં ભારતીય ટીમના બૉલિંગ આક્રમણનું મુખ્ય અંગ છે.

આવી જ રીતે અલઝારી જોસેફ વેસ્ટ ઇન્ડિઝની વર્તમાન ટીમના સ્ટ્રાઇક બૉલર છે. ટીમ પાસે રિદ્ધિમાન સહા જેવા અનુભવી વિકેટકીપર છે તો સાથે સાથે મેથ્યુ વેડ પણ છે. આમ બે શ્રેષ્ઠ વિકેટકીપર ગુજરાત ટાઇટન્સની તાકાત બની રહેશે.


ટીમની સૌથી મોટી તાકાત

રાશીદ ખાન

કોઈ પણ ટી20 ક્રિકેટ ટીમની સૌથી મોટી તાકાત તેનામાં રહેલા ઓલરાઉન્ડર હોય છે કેમ કે અહીં બૉલરોને ખાસ તક મળતી નથી. તેઓ એકાદ ઓવરમાં પ્રયોગ પણ કરી શકતા નથી જ્યારે બૅટ્સમૅનને સેટ થવા માટે એકાદ બે ઓવર પણ માંડ મળતી હોય છે એવામાં શરૂઆતમાં થોડી વિકેટ પડી જાય તો દસ કે 12 ઓવરમાં તો મિડલ ઑર્ડરને રમવાનું આવી જાય છે અને જો તેઓ નિષ્ફળ રહે તો ટીમની નજર બાકી રહેલા બૉલરો પર રહે છે અને તેમાં જો કોઈ ઉપયોગી બૅટિંગ કરતાં હોય તો તે ટીમ માટે લૉટરી પુરવાર થાય છે.

આમ ઓલરાઉન્ડરોનું મહત્ત્વ વધી જાય છે.

તેમાં ય બૉલિંગ ઓલરાઉન્ડર ટીમને વધારે લાભ કરાવી શકે છે કેમ કે તે બૉલિંગ ઉપરાંત બૅટિંગ પણ કરી લેતા હોય છે જેને કારણે કૅપ્ટનને ક્યારેય બૉલરોનો ક્વોટા પૂરો કરવાની ચિંતા રહેતી નથી. આ રીતે જોવા જઈએ તો ગુજરાત ટાઇટન્સ પાસે ઓલરાઉન્ડરોની ફોજ છે જે આગામી દિવસોમાં તેને આઇપીએલમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે તેમ છે.

ગુજરાત ટાઇટન્સ પાસે 200-200 ટી20 રમેલા કે હજારો રન ફટકારનારા બૅટ્સમૅન નથી કે ઢગલાબંધ વિકેટો ખેરવનારા બૉલર નહીં હોય પરંતુ તેની પાસે એ પ્રકારના ખેલાડી છે જે નિયમિતપણે વિકેટો ઝડપતા રહે છે અથવા તો બૅટિંગમાં ટી20માં જરૂરી એવા 30-40 રન ફટકારતા રહેતા હોય છે.


ગુજરાત ટાઇટન્સના કેટલાક ખેલાડીઓ પર નજર

રાશીદ ખાન બૉલની સાથોસાથ બૅટથી પણ પ્રદર્શન કરવામાં સક્ષમ

હાર્દિક પંડ્યાઃ વડોદરાના આ ઓલરાઉન્ડરમાં પ્રતિભાની કોઈ કમી નથી પરંતુ જરૂર છે સાતત્યની.

મુંબઈ ઇન્ડિયન્સને છેલ્લા કેટલાક સમયથી સફળતા અપાવનારા હાર્દિક ભારતીય ટીમના પણ આધારભૂત ખેલાડી હતા પરંતુ ઈજા અને ફોર્મને કારણે તેમણે ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું.

મુંબઈ ઇન્ડિયન્સે તેમને રિટેઇન કર્યો નહીં જેનો લાભ લઈને ગુજરાત ટાઇટન્સને મૅનેજમેન્ટે તેમને ટીમમાં સમાવી લીધા અને કૅપ્ટન પણ જાહેર કરી દીધા.

હાર્દિકની સરખામણી એક સમયે કપિલદેવ સાથે થતી હતી. તેઓ ખીલે ત્યારે બૅટિંગ હોય કે બૉલિંગ હોય પણ ટીમને ચોક્કસ લાભ કરાવી આપે છે.

છેલ્લા કેટલાક સમયથી તેઓ બૉલિંગ કરતા નથી પરંતુ એવી અપેક્ષા રખાય છે કે આ વખતની આઇપીએલમાં હાર્દિક બૉલિંગ કરતા જોવા મળશે. સવાલ એટલો જ છે કે કપ્તાનીના બોજા હેઠળ તેઓ પોતાની બૉલિંગને અંડરરેટ કરી ન દે.

બૅટિંગમાં તેઓ આજે ય એટલા જ ખતરનાક છે. આઇપીએલમાં તેઓ 153ના સ્ટ્રાઇક રેટથી 1476 રન ફટકારી ચૂક્યા છે અને 92 મૅચમાં તેણે 42 વિકેટ ઝડપી છે.

ડેવિડ મિલરઃ સાઉથ આફ્રિકાના આ બૅટ્સમૅન 2012થી આઇપીએલના નિયમિત સદસ્ય છે. અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમ્યા બાદ 2021માં તે રાજસ્થાન માટે તેઓ રમ્યા હતા.

તેઓ 136ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરે છે. મિલરે એક સદી પણ ફટકારી છે અને 2000 રનથી માત્ર 26 રન દૂર છે. આ ઉપરાંત ડેવિડ મિલર ઉમદા ફિલ્ડર પણ છે જેની કોઈ પણ ટીમને જરૂર હોય છે.

આઇપીએલમાં મિલર 53 કૅચ ઝડપી ચૂક્યા છે. સાઉથ આફ્રિકા માટે 140 વન-ડે અને 95 ટી20 મૅચ રમીચૂકેલા ડેવિડ મિલર હંમેશાં 100થી ઉપરના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરવા માટે જાણીતો છે. મિડલ ઑર્ડરમાં આવીને તેઓ હરીફ ટીમના બૉલિંગ આક્રમણને તહસનહસ કરી દેતા હોય છે. ખાસ કરીને ઇનિંગ્સની અંતિમ ઓવરમાં મિલર બૅટિંગ કરતા હોય ત્યારે ટીમને ટાર્ગેટ સુધી પહોંચવાનો ભરોસો રહે છે.

રાશીદ ખાનઃ અફઘાનિસ્તાનના આ લેગ સ્પિનર અત્યારે વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિનર છે. પોતાના દેશમાં ફેલાયેલી અરાજકતાની તેમની રમત પર જરાય અસર પડી નથી અને રાશીદ અવિરતપણે પ્રદર્શન કરતા આવ્યા છે. 23 વર્ષીય રાશીદ ખાન 2017થી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા આવ્યા છે અને પહેલી વાર તેમણે ટીમ બદલી છે. ગુજરાત ટાઇટન્સના મૅનેજમેન્ટે અગાઉથી જ તેમને પોતાની ટીમમાં સામેલ કરી લીધા હતા જેથી હરાજીમાં અન્ય કોઈ ટીમને તક મળે નહીં. આ નિર્ણય જ રાશીદની ઉપયોગિતા પુરવાર કરી દે છે.

આઇપીએલમાં તેઓ 93 વિકેટ ખેરવી ચૂક્યા છે. અફઘાનિસ્તાન માટે તમામ ફોર્મેટમાં રમનારા રાશીદ ખાન આઇપીએલ ઉપરાંત દુનિયાભરની ટી20 લીગમાં રમતા રહે છે. રાશીદની ખાસિયત એ છે કે તેઓ રન ઓછા આપે છે અને સતત વિકેટ ખેરવતા રહે છે. ભાગ્યે જ કોઈ મૅચ એવી હશે જેમાં રાશીદે તેનો ચાર ઓવરનો સ્પેલ પૂરો કર્યો ન હોય.

લોકી ફર્ગ્યુસન : ન્યૂઝીલૅન્ડના આ ઝડપી બૉલર કદાચ અત્યારે અન્યની સરખામણીએ ઓછું ફોર્મ ધરાવતા હશે પરંતુ તેની કાબેલિયતમાં ખાસ ફરક પડ્યો નથી. તેઓ નીચલા ક્રમે આવીને ઉપયોગી બૅટિંગ તો કરે જ છે પરંતુ તેના કરતાં ય તેમની બૉલિંગની ધાર ટીમને મહત્ત્વની સફળતા અપાવતી રહે છે.

અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાઇઝિંગ સ્ટાર પૂણે માટે આઇપીએલમાં રમેલા ફર્ગ્યુસને 2017થી આઇપીએલમાં રમવાનો પ્રારંભ કર્યો અને 22 મૅચમાં 24 વિકેટ ઝડપી છે. તેમની પણ ખાસિયત છે કે તેઓ ભાગ્યે જ ચાર ઓવરનો સ્પેલ પૂરો કરવાથી વંચિત રહે છે અને મોટા ભાગની મૅચોમાં તે કમસે કમ એક વિકેટ તો જરૂર ખેરવે છે. ફર્ગ્યુસનની ઝડપ ટી20 ક્રિકેટમાં પણ ભલભલા બૅટ્સમૅનને વિચલિત કરી દેનારી છે.

રાહુલ તેવટિયાઃ વતન રાજસ્થાન રોયલ્સ માટે 2014માં આઇપીએલ રમવાનો પ્રારંભ કર્યા બાદના જ વર્ષે રાહુલ તેવટિયાને પંજાબે ખરીદી લીધા અને ત્યાર બાદ દિલ્હી માટે રમ્યા બાદ તેઓ ફરીથી રાજસ્થાનની ટીમમાં આવી ગયા.

ભારતના કેટલાક પ્રતિભાશાળી લેગ સ્પિનરમાં સ્થાન ધરાવતા રાહુલ તેવટિયાને સાત વર્ષથી રમતા હોવા છતાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નહીં તેનું સૌને આશ્ચર્ય છે.

2014માં તેમણે આઇપીએલમાં રમવાનો પ્રારંભ કર્યો ત્યારે તે સૌના આકર્ષણનું કેન્દ્ર એટલા માટે હતા કેમ કે તેઓ માત્ર જમણા હાથે જ નહીં પરંતુ ડાબા હાથે પણ લેગસ્પિન બૉલિંગ કરી શકે છે. તેઓ નીચલા ક્રમમાં ઉપયોગી બૅટિંગ પણ કરી લે છે. 2020માં શારજાહમાં પજાબ સામેની મૅચમાં તેમણે માત્ર 31 બૉલમાં જ 53 રન ફટકારીને રોયલ્સને વિજય અપાવ્યો ત્યારે સાત સાત સિક્સર ફટકારી દીધી હતી.

આ ઉપરાંત એ જ સિઝનમાં તેમણે કોલકાતા અને સનરાઇઝર્સ સામે પણ એવી જ ઝંઝાવાતી બૅટિંગ કરી હતી. દુબઈમાં સનરાઇઝર્સ સામે 28 બૉલમાં અણનમ 45 રન ફટકારીને તેમણે ટીમને સફળતા અપાવી હતી.

ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યા (ઓલરાઉન્ડર) 15 કરોડ, રાશીદ ખાન (ઓલરાઉન્ડર) 15 કરોડ, લોકી ફર્ગ્યુસન (બૉલર) દસ કરોડ, રાહુલ તેવટિયા (ઑલરાઉન્ડર) નવ કરોડ, શુભમન ગિલ (બૅટ્સમૅન) આઠ કરોડ, મોહમ્મદ શમી (બૉલર) 6.25 કરોડ, યશ દયાલ (બૉલર) 3.20 કરોડ, આર. સાઈ કિશોર (સ્પિનર) ત્રણ કરોડ, ડેવિડ મિલર (બૅટ્સમૅન), ત્રણ કરોડ , અભિનવ મનોહર (બૅટ્સમૅન) 2.60 કરોડ, અલઝારી જોસેફ (બૉલર) 2.40 કરોડ, મેથ્યુ વેડ (બૅટ્સમૅન/વિકેટકીપર) 2.40 કરોડ, જેસન રોય (બૅટ્સમૅન) બે કરોડ, રિદ્ધિમાન સાહા (બૅટ્સમૅન/વિકેટકીપર) 1.90 કરોડ, જયંત યાદવ (ઓલરાઉન્ડર) 1.70 કરોડ, વિજય શંકર (ઓલરાન્ડર) 1.40 કરોડ, ડોમનિક ડ્રેક્સ (ઓલરાઉન્ડર) 1.10 કરોડ, ગુરકિરાટસિંઘ (ઓલરાઉન્ડર) 50 લાખ, વરુણ એરોન (બૉલર) 50 લાખ, નૂર અહેમદ (સ્પિનર) 30 લાખ, દર્શન નાલખંડે (ઓલરાઉન્ડર) 20 લાખ, પ્રદીપ સાંગવા (ઓલરાઉન્ડર) અને સાઈ સુદર્શનને (ઓલરાઉન્ડર) 20 લાખ રૂપિયામાં ખરીદ્યા છે.

ફૂટર


https://youtu.be/_VUz8YT08Yo

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022: Will Gujarat Titans without Gujaratis attract?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X