CSK vs GT : અંબાતી રાયડુના નામે અનોખો રેકોર્ડ, GTને 170 રનનો ટાર્ગેટ!
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની 29મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ઓપનર રુતુરાજ ગાયકવાડ રંગમાં જોવા મળ્યો હતો. રુતુરાજે તેની IPL કરિયરની 8મી અડધી સદી ફટકારી હતી, જેના આધારે ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ગુજરાત સામે 170 રનનો ટાર્ગેટ આપી શકી હતી. ગાયકવાડે 48 બોલમાં 73 રનની ઇનિંગ રમી, જેમાં 5 ફોર અને 5 સિક્સ સામેલ હતી. તેના સિવાય અંબાતી રાયડુના બેટમાંથી પણ રન નીકળતા જોવા મળ્યા હતા.
રાયડુએ 31 બોલમાં 46 રન બનાવ્યા, જેમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી. રોબિન ઉથપ્પા 10 બોલમાં 3 રન બનાવી શક્યો હતો, ત્યારબાદ મોઈન અલી 1 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. શિબમ દુબેએ 17 બોલમાં 19 રન બનાવ્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજા 12 બોલમાં 22 રન બનાવીને અણનમ રહ્યો હતો. અલઝારી જોસેફે 34 રનમાં 2 જ્યારે મોહમ્મદ શમી અને યશ દયાલે 1-1 વિકેટ લીધી હતી.
અંબાતી રાયડુ IPLની એક ખાસ યાદીમાં સામેલ થયો છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં 4000 રન બનાવનાર 10મો ભારતીય બેટ્સમેન બન્યો. જમણા હાથના બેટ્સમેને રવિવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) સામે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) મેચ દરમિયાન સિદ્ધિ હાંસલ કરી હતી. IPL લીગ T20 ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર તે 13મો બેટ્સમેન પણ બન્યો.
રાયડુ 4000 સુધી પહોંચવાથી 29 રન પાછળ હતો. વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના, એમએસ ધોની, રોબિન ઉથપ્પા, ગૌતમ ગંભીર, દિનેશ કાર્તિક અને અજિંક્ય રહાણે IPLમાં 4000 થી વધુ રન બનાવનાર અન્ય ભારતીય બેટ્સમેન છે. દિલ્હી કેપિટલ્સના ડેવિડ વોર્નર, જમૈકાના ક્રિસ ગેલ અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ આ માઈલસ્ટોન સુધી પહોંચનારા વિદેશી ખેલાડીઓ છે.