
ઉત્તરપ્રદેશનું છુપાયેલું ઐતિહાસિક નગર દેવગઢ, જાણો અહીં શું છે ખાસ
ઉત્તરપ્રદેશ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને લઈ દેશભરમાં જાણીતુ છે. અહીંના મોટા ભાગના શહેરોનો ઈતિહાસ પૌરાણિક કાળ સાથે જોડાયેલો છે, તો અહી કેટલાક એવા સ્થળો પણ છે તેનો સંબંધ મુઘલ કાળ સાથે છે. કાશી, મથુરા, અલ્હાબાદ, કુશીનગર સહિતના શહેરો એવા છે, જેની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ અહીં આવી પહોંચે છે.
અમે તમને આજે ઉત્તરપ્રદેશના એક એવા જ શહેર વિશે જણાવીશું જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતુ છે. આ શહેર છે યુપીના લલિતપુરમાં આવેલું દેવગઢ નગર. તો વાંચો પ્રવાસન માટે આ શહેર કેટલું ખાસ છે.

એક ઐતિહાસિક નગર
PC- Ed Sentner
યુપીના લલિતપુર જિલ્લામાં આવેલું દેવગઢ ઝાંસીથી લગભગ 123 કિમી દૂર છે. આ શહેરનો ઉલ્લેખ ગુપ્ત, ગુર્જર, પ્રતિહાર, મુગલ અને અંગ્રેજોના કાળમાં થયેલો છે. 1974 સુધી આ શહેર ઝાંસી જિલ્લાનો જ ભાગ હતું. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો આ શહેર એ સમયે જૈન ધર્મનું પ્રમુખ ધાર્મિક સ્થળ હતું.
જાણીને આશ્ચર્ય થશે કે અહીં જૈન ધર્મના 31 મંદિરો છે. ચલો જાણીએ આ નગરના કેટલાક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો વિશે. જેમાં કેટલાક જાણીતા મંદિરો અને કિલ્લા પણ સમાવિષ્ટ છે.

દેવગઢનો કિલ્લો
PC- Malaiya
દેવગઢના પ્રાચીન મંદિરોની સાથે અહીંનો ઐતિહાસિક કિલ્લો પણ જાણીતો છે. દેવગઢનો કિલ્લો ચંદેરીથી લગભગ 25 કિલોમીટર દૂર છે. આ કિલ્લાની અંદર પણ તમને નાના મોટા અનેક જૈન મંદિર જોવા મળશે, જેની રચના 9મીથી લઈને 10મી સદી દરમિયાન થઈ છે. આજે પણ આ મંદિરોમાં પ્રાચીન મૂર્તિઓ જોઈ શકાય છે. જો તમે અહીં આવો તો કિલ્લાની મુલાકાતનો આનંદ લો. અહીંની પ્રાચીન દીવાલો ઈતિહાસ દર્શાવે છે.
આ કિલ્લાથી થોડેક દૂર આવેલું છે દશાવતાર મંદિર, જે આકર્ષક મૂર્તિઓ અને નક્શીદાર સ્તંભ માટે ખાસ્સુ જાણીતું છે.

દશાવતાર મંદિર
PC- byron aihara
દેવગઢના અસંખ્ય જૈન મંદિરોની વચ્ચે આવેલું દશાવતાર મંદિર ભગવાન વિષ્ણુનું મંદિર છે. આ ઐતિહાસિક મંદિર એક સમયે પંચયત્નના નામથી પણ ઓળખાતુ હતું. આ ઐતિહાસિક મંદિર ગુપ્ત કાળ દરમિયાન બન્યું હોવાનું મનાય છે. આ મંદિર ગુપ્તકાળ દરમિયાન થયેલી ઉત્કૃષ્ટ વાસ્તુકળાનો જીવતો જાગતો નમૂનો છે. તમે જેવા મંદિરમાં પ્રવેશ કરશો કે તરત જ તમને પવિત્ર ગંગા અને યમનુના નદીના સુંદર ચિત્રો દેખાશે.
આ પ્રવેશ દ્વારથી તમે ગર્ભગૃહના પણ દર્શન કરી શક્શો. મંદિરની દીવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરાયેલી છે. આ ઉપરાંત મંદિરના મિનારા પણ જોવા લાયક છે. મંદિરનો માહોલ શાંતિપૂર્ણ છે. જ્યાં તમે આરામથી બેસીને ધ્યાન કે સાધના કરી શકો છો.

અન્ય જોવાલાયક સ્થળ
PC- jess n
દેવગઢ અને દશાવતાર મંદિર સિવાય અહીં જોવાલાયક અન્ય સ્થળ પણ છે. તમે અહીં નીલકંઠેશ્વર મંદિરના દર્શન પણ કરી શકો છો. ગાઢ જંગલની વચ્ચે નિર્મિત આ મંદિર એક શિવાલય છે. જેનું નિર્માણ ચંદેલ કાળ દરમિયાન થયું હતું. ભગવાન શિવના આ મંદિરને શિવ ત્રિમૂર્તિના નામથી ઓળખાય છે, તો તેને પાલી મંદિર પણ કહેવાય છે.
આ ઉપરાંત તમે અહીં 31 જૈન મંદિરો જોઈ શકો છો, જે પોતાની કલાત્મક્તા માટે જાણીતા છે. આ ધાર્મિક સ્થળોની સાથે દેવગઢમાં એક મ્યુઝિયમ પણ આવેલું છે. જેમાં તમે કેટલીક પ્રાચીન મૂર્તિઓ જોઈ શકો છો. અહીં ભારતના ઈતિહાસની કિમતી કલાનો સંગ્રહ છે. દેવગઢની આસપાસના વિસ્તારોમાં પુરાતત્વ વિભાગ દ્વારા થયેલા ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ આ મ્યુઝિયમમાં રખાઈ છે.

કેવી રીતે પહોંચશો ?
PC- Bob King
લલિતપુર જિલ્લામાં આવેલું દેવગઢ ઝાંસીની નજીક છે. અહીં સૌથી નજીકનું એરપોર્ટ ગ્વાલિયર છે, જે લગભગ 235 કિમી દૂર આવેલું છે. તમે દેવગઢ રેલવે દ્વારા પણ પહોંચી શકો છો.
જખલૌન અહીં સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત તમે રોડ માર્ગે પણ અહીં પહોંચી શકો છો. યુપી અને મધ્યપ્રદેશના કેટલાક શહેરોથી દેવગઢ માટે નિયમિત બસ પણ મળી રહે છે.