ગુજરાતના દરેક ગામમાં પ્રાકૃતિક ખેતીનું 'મોડલ ફાર્મ' તૈયાર કરાશે

- ઓક્ટોબરમાં ૨,૮૦,૬૩૧ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઇ
- રાજ્યમાં ૮,૮૪,૨૭૩ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે
આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પ્રેરણા આપવા ગુજરાતના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછું એક 'મોડલ ફાર્મ' તૈયાર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ઘર આંગણે જ તાલીમ મળી રહે તો ઓછા ખર્ચે પરિણામલક્ષી કામગીરી થાય. ગ્રામીણ મહિલાઓ પ્રાકૃતિક ખેતીમાં નેતૃત્વ કરે, યોગ્ય તાલીમ મેળવે અને અન્ય ખેડૂતોને તાલીમ આપે.
મહિલાઓની ભાગીદારીથી પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનમાં વધુ સારા પરિણામો મળશે. વધુને વધુ ખેડૂતોને તાલીમ આપવા અને તાલીમ આપી રહેલા નિષ્ણાતોને વધુ સારી અને ઉચ્ચકક્ષાની તાલીમ મેળવવા તેમણે અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં તા. ૧ લી મે, ૨૦૨૩ થી રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન આદર્યું છે.
રાજ્યના તમામ ગામોને ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સમાં વહેંચીને દરેક ક્લસ્ટરદીઠ એક ટેકનિકલ માસ્ટર ટ્રેનર તરીકે કૃષિ વિભાગના પ્રતિનિધિ અને એક ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે પ્રગતિશીલ ખેડૂત નિયુક્ત કરીને ખેડૂતોને ઘર આંગણે, તેમના ખેતરમાં જઈને તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ આપી રહેલા તમામ ખેડૂતો-પ્રતિનિધિઓને પુનઃ તાલીમ આપીને આધુનિક પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ૪૧,૨૭૯ ખેડૂતોના ખેતરમાં જઈને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
છેલ્લા છ મહિનામાં ૧૮,૨૫,૩૬૩ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વ્યક્તિગત તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યાં છે. કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓએ પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પોતાના જિલ્લાઓમાં અસરકારક કામગીરી શરૂ કરી છે. ઓક્ટોબર-૨૦૨૩ માં જ કલેકટર્સ, જિલ્લા વિકાસ અધિકારીઓએ ગામોમાં ૩૪ રાત્રી સભાઓ કરીને ૨,૨૫૩ ખેડૂતો સાથે સીધી વાત કરી છે.
તમામ જિલ્લાઓમાં પ્રતિમાસ સમીક્ષા બેઠક કરીને પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગમાન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકે અને સામાન્ય નાગરિકોમાં પણ પ્રાકૃતિક ખેતી ઉત્પાદનની ખરીદી કરવાની સજાગતા આવતા પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે ખરીદનારા અને વેચનારા બંનેની સુગમતા માટે જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે. રાજ્યમાં અત્યારે ૮૯૨ વેચાણ કેન્દ્ર કાર્યરત છે. વધુને વધુ વેચાણ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
