Agriculture : મળો 10 વીઘામાં 30 લાખ રૂપિયાથી વધુના દાડમનું ઉત્પાદન લેનારા ખેડૂતને, જાણો સફળતાની કહાની
Agriculture : મોરબી જિલ્લાનો હળવદ તાલુકો ધીરે ધીરે દાડમની ખેતીનું હબ બની રહ્યો છે. નર્મદા કેનાલના પાણી અને જમીન માફક આવતા અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં દાડમની ખેતી કરી રહ્યાં છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના આવા જ એક ખેડૂત દાડમની ખેતી કરીને પગભર થયા છે. અહીંના અરવિંદભાઈ દલવાડીએ આ વર્ષે પ્રતિ વીધા 3 લાખથી વધુનું દાડમનું ઉત્પાદન મેળવીને કમાલ કરી દીધી છે.

10 વીધાના દાડમમાંથી એક સિઝનનું 30 લાખ આસપાસ ઉત્પાદન
દાડમની ખેતી વિશે વનઈન્ડિયા સાથે વાત કરતા અરવિંદભાઈએ જણાવ્યુ કે તેમની પાસે 10 વીધાના દાડમ છે અને 1600 ઝાડ છે. હાલ તેમના છોડ 7 વર્ષના થયા છે.
અરવિંદભાઈએ ઉત્પાદન વિશે વાત કરતા જણાવ્યુ કે આ સિઝનમાં તેમને પ્રતિ છોડ 40 કિલો આસપાસ ઉત્પાદન મળ્યુ છે. હાલ સારા બજાર ભાવ હોવાથી વીધે 3 લાખનું ચોખ્ખુ ઉત્પાદન મળશે.
50 ટન આસપાસ ઉત્પાદન
અરવિંદભાઈ તેમની સખત મહેનત અને સારા આયોજનના કારણે સારૂ ઉત્પાદન લઈ રહ્યાં છે. તેમણે જણાવ્યુ કે આ સિઝનમાં તેમને 50 ટન જેટલા દાડમનું ઉત્પાદન મળ્યુ છે. એટલે કે પ્રતિ વીધા તેમને 5 જેટલુ મબલખ ઉત્પાદન મળ્યુ છે.

જીવામૃત અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરે છે
અરવિંદભાઈને જ્યારે દાડમના સારા ઉત્પાદન મળવા પાછળના રહસ્ય વિશે વાત કરી તો તેમણે જણાવ્યુ કે તેઓ રાસાયણિક દવાઓ સાથે સાથે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ પણ કરે છે. અરવિંદભાઈ જણાવે છે કે દેશી ખાતર તેમજ જીવામૃત અને ગૌકૃપા અમૃતમ જેવા ઓર્ગેનિક દ્રાવણોનો ઉપયોગ તેમના બગીચામાં કરે છે.
વીધે 40 હજારથી વધુનો ખર્ચ
અરવિંદભાઈ ખેડૂતોને મેસેજ આપતા જણાવે છે કે દાડમની ખેતી મોટુ ઉત્પાદન તો આપે છે પરંતુ તેની સામે મોટો ખર્ચ અને ઘણી મહેનત માંગી લે છે. તેમણે કહ્યું કે, વીધે ત્રણ લાખના ઉત્પાદન સામે 40 હજાર આસપાસનો દવા અને મજુરીનો ખર્ચ લાગી જાય છે. આમ એકંદરે ખર્ચ સામે સારૂ ઉત્પાદન પણ મળી રહે છે.

જણાવી દઈએ કે, કપાસમાં ગુલાબી ઈયળોના કારણે પાયમાલ થયેલા ખેડૂતો ઝડપથી દાડમની ખેતી તરફ આગળ વધી રહ્યાં છે. આ જ કારણ છે કે હળવદ તાલુકાના ખેડૂતો દાડમનું મોટાપાયે વાવેતર કરીને સારૂ વળતર મેળવતા થયા છે.












Click it and Unblock the Notifications
