Exclusive : ખેડૂતોએ જીરાના વાવેતરમાં ખોટી ઉતાવળ ટાળવી, જાણો શું કહી રહ્યા છે કૃષિ નિષ્ણાત?
ગુજરાતમાં શિયાળુ વાવેતર શરૂ થઈ ગયુ છે અને ખાસ કરીને જીરૂનું વાવેતર કરતા ખેડૂતોએ વાવણી શરૂ પણ કરી દીધી છે. જો કે વાતાવરણને જોતા કૃષિ નિષ્ણાતો ખેડૂતોને થોડી ધીરજ રાખવા જણાવી રહ્યા છે.
હાલ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જીરૂનું વાવેતર કરતા વિસ્તારોમાં વાતાવરણ સામાન્ય કરતા ગરમ છે ત્યારે જીરા જેવા સેન્સેટિવ પાકને મોડુ થઈ રહ્યુ છે.

એક તરફ આગોતરૂ વાવેતર કરતા ખેડૂતોએ વાવેતર શરૂ કર્યુ છે તો બીજી તરફ ખેતી નિષ્ણાતો ખેડૂતોને રાહ જોવાની સલાહ આપી રહ્યા છે. આ સ્થિતીમાં જીરાના વાવેતર બાબતે ખેડૂતોને સ્પષ્ટ માહિતી મળી રહે તે માટે વન ઈન્ડિયાની ટીમે મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક દિલીપ સરડવા સાથે મુલાકાત કરી.
ખેડૂતો વાવેતર માટે થોડી ધીરજ રાખે
હાલના વાતાવરણ અને જીરાના વાવેતર મુદ્દે કૃષિ વૈજ્ઞાનિક દિલીપ સરડવાએ ખેડૂતોને થોડી ધીરજ ધરવા કહ્યું. તેમણે કહ્યું કે, જીરાના વાવેતર માટે સામાન્ય રીતે તાપમાન 30 ડીગ્રી કે તેની આસપાસ હોય તે આદર્શ સ્થિતી છે.

તેમણે આગળ જણાવ્યુ કે, જો ખેડૂતો તાપમાનને અવગણીને જીરાનું વાવેતર કરે તો ઉગારાનો પ્રશ્ન આવી શકે છે. આ સ્થિતીમાં ખેડૂતોએ મોંઘા બિયારણ અને અને સમય બન્નેનો બગાડ થઈ શકે છે.
15 નવેમ્બર આસપાસ વાવેતર કરવુ
તેમનો કૃષિશ્રેત્રમાં વર્ષોનો અનુભવ છે ત્યારે તેમણે કહ્યું કે, ખેડૂતોએ હજુ 15 નવેમ્બર સુધી શક્ય હોય ત્યાં સુધી રાહ જોવી. તાપમાન હજુ 2-3 ડિગ્રી વધારે છે. આ તાપમાનને કારણે જીરૂ ઉગીને સુકાઈ જવાનો પણ પ્રશ્ન આવી શકે છે.

જણાવી દઈએ કે, સામાન્ય રીતે જીરાના વાવેતર માટે ખેડૂતોને કૃષિ નિષ્ણાતો ભલામણ કરે છે કે નવેમ્બરના પહેલા બે અઠવાડીયામાં જીરાનું વાવેતર કરી શકાય. જો કે આ વખતે સામાન્ય કરતા તડકો વધારે હોવાની કૃષિ નિષ્ણાતો ખેડૂતોને થોડુ ખમી જવા માટે કહી રહ્યા છે.
તેમણે કહ્યું કે, ઋતુ ચક્રમાં ફેરફારને કારણે આ વખતે તડકો સમય કરતા વધારે લંબાયો છે. તો સ્થિતીમાં ખેડૂતો દિવાળી બાદના દિવસોમાં જીરાનું વાવેતર કરશે તો ઉગારો સારો આવશે અને તડકાનો પણ પ્રશ્ન નહીં રહે.












Click it and Unblock the Notifications
