EXCLUSIVE : મળો જીરાની 100 ટકા ગાય આધારિત ખેતી કરી કમાલ કરનારા ખેડૂતને
ગુજરાત અને ભારતભરમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના એક ખેડૂતે કમાલ કરી દેખાડી છે. આ ખેડૂતો અઘરી જણાવી જીરાની ખેતીને સંપુર્ણ રીતે ગાય આધારિત કરી દેખાડી છે.
આપણે જે ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ તેને ઘણી ધારણાઓ તોડવાનું કામ કર્યુ છે. આ ખેડૂતે તેની કોઠાસૂઝથી અઘરી ગણાતી જીરાની ખેતીને કોઈપણ પ્રકારના ખાતર અને દવા વગર સફળતાપુર્વક કરી દેખાડી છે.

100 ટકા ગાય આધારીત જીરાની ખેતી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામમાં રહેતા વિનોદભાઈ પટેલ આ દિવસોમાં તેના જીરાના પાકને લીધે ચર્ચામાં છે. વિનોદભાઈનો જીરાનો પાક જોવા માટે ઘણા ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે.
વિનોદભાઈની ચર્ચા સાંભળીને જ્યારે વનઈન્ડિયાની ટીમે વિનોદભાઈ સાથે વાત કરી તો અમને પણ આશ્ચર્ય થયુ. વિનોદભાઈના ખેતરમાં આજે કોઈપણ દવા અને ખાતર વગરનો જીરાનો પાક લહેરાઈ રહ્યો છે.
આ વિશે વનઈન્ડિયાની ટીમે વિનોદભાઈ સાથે વાત કરી તો તેમણે જણાવ્યુ કે તેમના ખેતરમાં વાવેતરથી લઈને અત્યારસુધી કોઈપણ પ્રકારના જંતુનાશક કે ફર્ટીલાઈઝરનો ઉપયોગ કર્યો નથી.

અહીં વિનોદભાઈએ જણાવ્યુ કે તેમને આ જીરામાં માત્ર દુધ-ગોળ અને જિવામૃતનો સ્પ્રે કર્યો છે. આ સિવાય તે 10 પર્ણી અર્ક જેવા પ્રાકૃતિક હાથે બનાવેલા દ્વારણો દ્વારા વિવિધ પ્રકારના રોગનું નિયંત્રણ કરે છે.
વિનોદભાઈએ તેમના જીરાને બિજામૃતનો પટ આપીને વાવેતર કર્યુ છે અને વાવેતર પછી જરૂર જણાય તો જ જિવામૃત અને 10 પર્ણી અર્કનો ઉપયોગ કરે છે.
આપણે સરળ ભાષામાં કહીએ તો મોંઘી દવાઓના 25-30 સ્પ્રે કર્યા પછી પણ જીરામાં સુકારો અને કાળીયો રોકાતો નથી ત્યારે વિનોંદભાઈએ માત્ર ગાય આધારીત ખેતી કરીને જીરૂ કરી દેખાડ્યુ છે.
વિનોદભાઈના જીરામાં શુકારા જેવા રોગોનું નામ નિશાન નથી
કોઈપણ ખેડૂત આજે વિનોદભાઈના ખેતરની મુલાકાતે આવે તો તે વિશ્વાસ ન કરી શકે કે આ જીરૂ કોઈપણ પ્રકારના દવા કે ફર્ટિલાઈઝર વગર આટલુ સારૂ છે. તેમના જીરામાં આજે શુકારા જેવા ગંભીર ગણાતા રોગોનું નામ નિશાન નથી.
વિનોદભાઈ જમીન પર વિશેષ ભાર મુકે છે
વનઈન્ડિયાની ટીમે જ્યારે તેમને આ જીરા પાછળની સફળતા વિશે પુછ્યુ તો તેમને છેલ્લા 8 વર્ષની તેમની મહેનત વિશે વાત કરી. તેમણે જણાવ્યુ કે, પ્રાકૃતિક ખેતી કરવા માટે જમીનને જીવંત કરવી ખુબ જ જરૂરી છે. જમીન બળવાન હશે તો છોડમાં રોગ પ્રતિકારક શક્તિ તેની મેળે જ વધી જશે.
વિનોદભાઈ જણાવે છે કે તેમણે છેલ્લા 8 વર્ષથી જમીનમાં કોઈપણ પ્રકારના ફર્ટીલાઈઝર કે જંતુનાશક જવા દીધા નથી. આ સિવાય સમયે સમયે દેશી ખાતર અને જીવામૃતને પાણી સાથે જમીનમાં પીવડાવે છે. આનાથી જમીનમાં બેક્ટેરિયા અને અળશિયાની સંખ્યામાં મોટો વધારો થાય છે.

આ પ્રકિયા સતત જમીનમાં ચાલવાના કારણે જમીનને બહારથી કોઈપણ પ્રકારના ફર્ટિલાઈઝર આપવાની જરૂર રહેતી નથી. આ સિવાય અળશિયા અને બેક્ટેરિયાની જમીનમાં મોટી હાજરીને કારણે જમીનની નિતાર શક્તીમાં મોટો વધારો થાય છે.
પ્રાકૃતિક ફુગને કારણે નુકસાન કરતી ફુગનું કુદરતી નિયંત્રણ થાય છે
વિનોદભાઈ જણાવે છે કે, ગાય આધારિત દેશી ખાતર અને જિવામૃત આપવાને કારણે જમીનમાં પ્રાકૃતિક ફુગનું કુદરતી નિયંત્રણ શક્ય બને છે. જીરામાં મોટાભાગના રોગો ફુગ આધારિત હોવાથી આ ફુગ સુકારા અને કાળીયા જેવા રોગોનું કુદરતી નિયંત્રણ શક્ય બનાવે છે.
આમ, વિનોદભાઈ પ્રાકૃતિક ખેતીના મુળ સિદ્ધાતો સાથે ગાયો રાખીને મોંઘી ગણાતી ખેતીને પણ સરળતાથી કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
