Farmer Protest : શું છે સરકારનો નવો MSP પ્રસ્તાવ? જાણો કેમ ખેડૂતોએ નકાર્યો?
દેશના કિસાનો મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં દિલ્હી પહોંચ્યા છે. અહીં સરકાર અને ખેડૂતો વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે. જો કે કોઈ ચોક્કસ પરિણામ સામે આવ્યુ નથી.
ખેડૂતોના આંદોલનને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર નવી MSP ફોર્મ્યુલા લઈને આવી છે, જેમાં 5 વર્ષ માટે ખેડૂતો પાસેથી સીધા 5 પાક ખરીદવાનો કરાર સામેલ છે. જો કે ખેડૂતોના સંગઠને સોમવારે સરકારના પ્રસ્તાવને ફગાવ્યો છે.

જણાવી દઈએ કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ની કાયદેસર ગેરંટી આપવા સહિતની તેમની વિવિધ માંગણીઓ માટે ખેડૂત સંગઠનોએ દિલ્હી કુચ કરી છે.
પંજાબથી આવતા આ ખેડૂતોને પંજાબ-હરિયાણા બોર્ડર પર જ રોકવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ચાર રાઉન્ડની વાટાઘાટો થઈ છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યુ નથી.
કેન્દ્ર સરકારનો નવો MSP પ્રસ્તાવ
કેન્દ્ર સરકારે રવિવારે ખેડૂત સંગઠનો સાથેની વાતચીતમાં 5 વર્ષ માટે MSP પર સીધા ખેડૂતો પાસેથી કપાસ, મકાઈ, અરહર, અડદ અને મસૂર જેવા 5 પાક ખરીદવા માટે કરારનો પ્રસ્તાવ મૂક્યો હતો.
સરકારે સ્પષ્ટ કર્યું કે, આ ખરીદી માટે જથ્થા પર કોઈ મર્યાદા રહેશે નહીં અને જે પણ ઉત્પાદન ઉપલબ્ધ હશે તે ખરીદવાની વ્યવસ્થા સરકાર કરશે.
કેન્દ્ર સરકારની દરખાસ્ત મુજબ, NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન) અને NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા) જેવી કેન્દ્રીય સહકારી સંસ્થાઓ આ માટે ખેડૂતો સાથે 5 વર્ષનો કરાર કરશે.
આ સાથે કેન્દ્ર સરકારે ખેડૂતોને ઘઉંને બદલે અન્ય પાકને પ્રોત્સાહન આપવા માટે પાક વૈવિધ્યકરણ અપનાવવાની દરખાસ્ત પણ કરી હતી.
નવા MSP પ્રસ્તાવને ખેડૂતોએ કેમ નકાર્યો?
સંયુક્ત કિસાન મોરચા (SKM) એ ત્રણ કેન્દ્રીય પ્રધાનો કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય તરફથી મળેલા મોદી સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સાથે ખેડૂતોએ પાક વૈવિધ્યકરણના પ્રસ્તાવને પણ ફગાવી દીધો છે.
SKM એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તમામ પાકો પર MSPની કાનૂની ગેરંટી કરતાં ઓછું કંઈપણ સ્વીકારશે નહીં. SKMનો આરોપ છે કે કેન્દ્ર સરકાર દ્વારા 5 વર્ષ માટે MSP પર 5 પાક ખરીદવાનો પ્રસ્તાવ તેમની મૂળભૂત માંગ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.
કોણ કરી રહ્યું છે રાજનીતિ?
એસકેએમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જો મોદી સરકાર ભાજપ દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરવામાં સક્ષમ નથી, તો વડાપ્રધાનને આ વાત લોકોને ઈમાનદારીથી જણાવી દે.
એસકેએમનો દાવો છે કે, બીજેપીએ 2014ની સામાન્ય ચૂંટણીઓ માટેના તેના ઢંઢેરામાં આ વચન આપ્યું હતું, જે મૂળ 2006માં એમએસ સ્વામીનાથનના નેતૃત્વ હેઠળના ખેડૂત આયોગ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું.
SKMએ એવો પણ દાવો કર્યો છે કે કેન્દ્રીય મંત્રી એ સ્પષ્ટ કરવા તૈયાર નથી કે પ્રસ્તાવિત MSP નક્કી કરવા માટેનો આધાર શું હશે. તેમણે સરકાર સાથેની વાતચીતમાં પારદર્શિતાના અભાવનો પણ આરોપ લગાવ્યો.
ખેડૂત સંગઠને કહ્યું છે કે મંત્રીએ સ્પષ્ટ કરવું જોઈએ કે લોન માફી, વીજળીનું ખાનગીકરણ નહીં, વ્યાપક પાક વીમા યોજના, 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને 10,000 રૂપિયા માસિક પેન્શન, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની સામે કાર્યવાહી, વગેરે પર મોદી સરકાર કેમ ચૂપ છે?
હવે ખેડૂતોના સંગઠને દેશભરમાં બીજેપી અને એનડીએના સાંસદોના મતવિસ્તારોમાં દેખાવો, સભાઓ અને ટોર્ચલાઇટ ઝુંબેશ પણ શરૂ કરવાનું આહ્વાન કર્યું છે.












Click it and Unblock the Notifications
