Farmer registry : ગુજરાતમાં કુલ કેટલા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી? સરકારે આંકડા જારી કર્યા
Farmer registry : કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી કરાવાઈ રહી છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે અત્યાર સુધીના આંકડા જાહેર કર્યા છે.
ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈડી સાથે લીંક કરવા 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે 50 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી થઇ છે.
ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે. ગુજરાતે દેશમાં સૌપ્રથમ 50 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ તરીકે 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે.
અગાઉ ગુજરાતને 25 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં કરવામાં આવશે.
ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોની નોંધણીમાં 71 ટકા કામગીરી સાથે નવસારી જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. જ્યારે 71 ટકા નોંધણી સાથે ડાંગ જિલ્લો બીજા ક્રમે અને 66 ટકા નોંધણી સાથે જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત સુરત અને ભરૂચ જિલ્લામાં પણ 63-63 ટકા ખેડૂત નોંધણી પૂર્ણ થઈ છે.
ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ એક 11 ડિજિટની યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ મળશે. ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં ફાર્મર રજીસ્ટ્રી આગામી 25 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.












Click it and Unblock the Notifications
