Successful Organic Farming : સફળ પ્રાકૃતિક ખેતી કરી યુવા ખેડૂત પાવન પટેલ રોલ મોડલ બન્યા, જાણો સફળતાની કહાની
Success Story of Progressive Farmer : ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રાકૃતિક ખેતી વધે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ જ કારણ છે કે ગુજરાતમાં ઘણા ખેડૂતો સફળ પ્રાકૃતિક ખેતી કરીને બીજા ખેડૂતો માટે રોલ મોડલ બની રહ્યાં છે.
આજે આપણે આવા જ એક ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ. આ ખેડૂતે દેશી ગાયો અને આધુનિક ટેકનોલોજી સાથે સફળ પ્રાકૃતિક ખેતી કરીને નવો ચીલો ચીતર્યો છે.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાનેર ગામના યુવા ખેડૂત પાવન પટેલ તેમની 25 વીધા જમીનમાં શાકભાજી અને ફળોની ખેતી કરી રહ્યાં છે. બીએસસી જેવો સારો અભ્યાસ કર્યા બાદ પણ પાવન પટેલ ખેતીમાં આવ્યા અને નવા પ્રયોગો શરૂ કર્યા.

પાવન પટેલે તેમની જમીનમાંથી 3 વિધા જમીનમાં પ્રાકૃતિક ખેતીથી ગીલોડી અને કાકડીનું વાવેતર કરીને ૪ લાખ રૂપિયાની આવક મેળવી છે.
2017 થી પ્રાકૃતિક ખેતી કરી રહેલા પાવન પટેલે ખેતીમાં પરંપરા અને આધુનિકતાનો સુમેળ સંગમ કર્યો છે. પાવન પટેલે ચાર દેશી ગાયોની મદદથી જીવામૃત બનાવવાની અનોખી પદ્ધતિ અપનાવી છે. તેમણે 25 હજારના ખર્ચે 200 લીટર ક્ષમતાનો જીવામૃત પ્લાન્ટ વિકસાવ્યો છે, જેમાં ગાયના છાણ-મૂત્ર, બોઇલ ચોખા, બાયોપેસ્ટ, દેશી ગોળ અને છાશને ઇનપુટ તરીકે લઈ જીવામૃત તૈયાર કરવામાં આવે છે.
આ જીવામૃતને ખેતરમાં વેન્ચ્યુરી સેટ અપ અને પાઇપલાઇન સિસ્ટમ દ્વારા સરળતાથી અને ઝડપથી પહોંચાડવામાં આવે છે. સાથે જ એક અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ગોમુત્રને કલેક્ટ કરી તેને કનેક્શન દ્વારા સીધુ જ જીવામૃત પ્લાન્ટમાં પહોચંતુ કરવામાં આવે છે, જેનાથી માનવબળ મહેનતનુ કામ સરળ થઈ જાય છે.
પાવન પટેલે કેસર આંબા, ગીલોડી, શાકભાજી અને શેરડી જેવા પાકોનું વાવેતર કર્યુ છે. તેમણે પાંચ વીઘા જમીનમાં કેસર આંબા, ત્રણ વીઘામાં દેશી શક્કરીયા, દોઢ વીઘામાં કાકડી, અડધા વીઘામાં શેરડી, બે વિધામાં ગિલોડીનું વાવેતર કર્યુ છે.
તેમને ગઈ સિઝનમાં ગિલોડીના પાકમાં અંદાજીત સાડા ત્રણ લાખ અને કાકડીમાં પચાસ હજારનુ વળતર મળ્યુ હતુ. અત્યારે તેમણે ત્રણ વીઘામાં આંતરપાક તરીકે ટામેટી, રીંગણ, મરચી, ગુવાર, વાલોળ, મેથી અને મુળાનું વાવેતર કર્યુ છે.
પાવન પટેલને પ્રોત્સાહન આપવા ખેડા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પાક વાવેતર સબસીડી આપવામાં આવેલ છે. જેમાં ગીલોડી મંડપ માટે 40 હજાર અને આંબાની ખેતી માટે 80,000 જેટલી સબસીડી આપીને ખેડુતને આત્મનિર્ભર બનવા મદદ કરવામાં આવી છે.
ખેતી, બાગાયત અને પશુપાલનના આધારભૂત માપદંડોને સિદ્ધ કરનાર પાવન પટેલના ફાર્મને પ્રાકૃતિક મોડેલ ફાર્મ તરીકેની સરકારની સ્વીકૃતિ પણ મળી છે.
પાવન પટેલ ખેતીમાં માત્ર ઉત્પાદન પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ પોતાની ખેત-ઉપજનું મૂલ્યવર્ધન કરી અમદાવાદની સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા મારફતે સીધું વેચાણ કરે છે.
પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, "રાસાયણિક ખાતરોથી માનવ સ્વાસ્થ્ય જોખમાયું છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાય છે, સારું વળતર મળે છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે."
આજે જ્યારે એક તરફ ફક્ત મોજ શોખ અને વ્યસનોમાં યુવાનીને પસાર કરતા યુવાનોની ચોતરફ ભરમાર છે ત્યારે પ્રાકૃતિક ખેતી જેવા અતી ગંભીર વિષય પર કામ કરતા આવા જાંબાજ યુવા ખરેખર સમાજ માટે પથદર્શક બની રહે છે.












Click it and Unblock the Notifications
