સમુદ્ર શાસ્ત્રઃ કાન ફક્ત સાંભળતા જ નથી, કંઈક કહે પણ છે...
સમુદ્રનું શાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે, જેમાં કોઈ પણ મનુષ્યના શરીરના જુદા જુદા અંગોના આકાર જોઈને તેમના સ્વભાવ, ગુણધર્મ અને મહદ્ અંશે ભવિષ્ય વિશે પણ જાણી શકાય છે. સમુદ્ર શાસ્ત્ર અત્યંત પ્રાચીન કાળથી લોકપ્રિય રહ્યું છે. શરૂઆતમાં તેની ગણના માત્ર મનોરંજનના સાધન તરીકે થતી હતી, પરંતુ જેમ જેમ તેની લોકપ્રિયતા વધી તેમ તેમ લોકો તેને ગંભીરતાથી લેવા લાગ્યા. સમુદ્ર શાસ્ત્ર દ્વારા મામસના કોઈ પણ અંગના આકાર, તેની બનાવટ, રંગ, તેના પરના નિશાન જોઈને વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. આ લેખમાં આપણે વાત કરી રહ્યા છીએ કાનની. કાન ફક્ત સાંભળવાનું જ કામ નથી કરતા, પરંતુ સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે કાન વ્યક્તિત્વના રહસ્ય પણ ખુલ્લા પાડે છે.

કાનના પ્રકાર
સમુદ્ર શાસ્ત્રમાં કાનના પ્રકાર વિશે વિસ્તૃત વર્ણન છે. જે પ્રમાણે મનુષ્યના કાન જુદા જુદા પ્રકારના હોય છે. નાના કાન, વધુ પડતા નાના કાન, લાંબા કાન, પહોળા કાન, ગજકર્ણ એટલે કે હાથી જેવા કાન, જાડા કાન, પાતળા કાન, અવ્યવસ્થિત કાન જેવા પ્રકાર છે.
નાના કાનઃ સમુદ્ર શાસ્ત્રમાં નાના કાનના વ્યક્તિઓને કંજૂસ ગણાવાયા છે. આવા વ્યક્તિઓ પૈસા બચાવી રાખે ચે. પોતાની જરૂરિયાતો પર ખર્ચ કરવામાં પણ તે કંજૂસી કરે છે. આવા વ્યક્તિઓનું સામાજિક જીવન નબળું હોય છે. તેમને કોઈ પૂછતું નથી અને આ પ્રકારના વ્યક્તિઓ દરેક કામને શંકાથી જુએ છે. જો કે કેટલાક કિસ્સામાં તેઓ ભરોસાલાયક હોય છે.
વધુ પડતા નાના કાનઃ વધુ પડતા નાના કાન ધરાવતા વ્યક્તોને ધાર્મિક પ્રવૃત્તિના ગણાવાયા છે. તેઓ ધાર્મિક કાર્યોમાં આગળ પડતા હોય છે, જો કે તેનાથી ઉલ્ટુ તેઓ ધર્મકાર્યમાંથી જ મોટી આવક રળે છે. આવા લોકો લાલચુ હોય છે અને કોઈને ચાલાકીથી છેતરી શકે છે. તેમનો ચંચળ સ્વભાવ તેમને મુસીબતમાં મૂકી શકે છે.
લાંબા કાનઃ લાંબા કાન પરિશ્રમના સૂચક છે. જે વ્યક્તિઓના કાન લાંબા હોય તે પરિશ્રમી અને કર્મઠ હોય છે. તેઓ ક્યારેય કોઈ કામમાં પાછા નથી પડતા, જે કામ હાથમાં લે તે પૂરુ કરીને જ જપે છે. લાંબા કાન બુદ્ધિમાન વ્યક્તિઓના હોય છે. તેઓ કોઈ પણ વાતનું ઉંડાણથી અધ્યયન કર્યા બાદ જ પ્રતિક્રિયા આપે છે.

પહોળા કાન સફળતાના સૂચક
પહોળા કાનઃ જે વ્યક્તિઓના કાનની પહોળાઈ લંબાઈ કરતા વધુ હોય છે, તેમના કાન પહોળા કહેવાય છે. આવા વ્યક્તિઓ ભાગ્યશાળી કહેવાયા છે. તેઓ પોતાની મહેનત અને લગનથી જીવનમાં તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરે છે. આ લોકો હાથમાં આવેલી લાભદાયક તક જવા નથી દેતા. પહોળા કામ સફળતાના સૂચક છે.
જાડા કાનઃ જાડા કાનના વ્યક્તિઓ સાહસી અને સફળ નેતૃત્વકર્તા હોય છે. આવા વ્યક્તિઓ મોટિવેશનલ સ્પીકર, રાજનેતા કે લેખક હોય છે. જો કે તેમનો સ્વભાવ થોડો ચીડિયો હોય છે. તેમને કાચા કાનના કહેવામાં પણ અતિશયોક્તિ નથી. આવા વ્યક્તો કોઈ પણ કામ ઉત્સાહથી શરૂ કરે છે.

શું તમારે પણ આવા કાન છે?
ગજકર્ણ કાનઃ હાથી જેવા કાન શુભના સૂચક હોય છે. આવા વ્યક્તિઓ પોતાના કામમાં સફળ થાય છે અને દીર્ઘાયુ હોય છે. તેમનું સમાજમાં ખૂબ જ માન સન્માન હોય છે. તેઓ સારા વક્તાની સાથે સાથે સારા શ્રોતા પણ હોય છે. આખી વાત સાંભળ્યા બાદ જ તેઓ રિએક્ટ કરે છે. ઉચ્ચ અધિકારીઓના કાન આવા હોય છે.
વાંદરા જેવા કાનઃ વાંદરા જેવા કાનવાળા વ્યક્તિઓ લાલચી પ્રકારના હોય છે. તેમની નજર હંમેશા બીજાના પૈસા અને વસ્તુઓ પર ટકેલી હોય છે. તેઓ ખૂબ જ કામી અને ગુસ્સાવાળા હોય છે. વાત પૂરી થયા પહેલા જ તેઓ ગુસ્સે થઈ જાય છે અને મારામારી પર ઉતરી આવે છે.