8th Pay Commission: જાન્યુઆરીના પગારમાં વધારો આવશે કે નહીં? જાણો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોમાં ઉત્સાહ અને ઉત્કંઠાનો માહોલ છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે શું 8માં પગાર પંચ (8th Pay Commission) મુજબ વધેલો પગાર જાન્યુઆરી મહિનાથી જ મળવા લાગશે? જો તમે પણ પગાર વધારાની આશા રાખી રહ્યા છો, તો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વનો છે.

શું જાન્યુઆરીના પગારમાં વધારો થશે?
નિષ્ણાતોના મતે, ભલે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવવાનું હોય, પરંતુ કર્મચારીઓને જાન્યુઆરી મહિનાના પગારમાં તાત્કાલિક વધારો જોવા મળે તેવી શક્યતા ઘણી ઓછી છે. તેનું મુખ્ય કારણ વહીવટી પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વમાં રચાયેલા પંચને રિપોર્ટ તૈયાર કરવા માટે આશરે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આથી, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી જૂના પગાર ધોરણ મુજબ જ પગાર જમા થશે.
ક્યારે લાગુ થઈ શકે છે નવું પગાર માળખું?
સામાન્ય રીતે પગાર પંચના રિપોર્ટ અને તેના અમલીકરણમાં સમય લાગતો હોય છે. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયો હોવા છતાં, નવી સેલરી સ્લેબ અને ભથ્થાઓની જાહેરાત વર્ષ 2026ના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં થવાની શક્યતા છે.
બાકી રકમ (Arrears) નું શું થશે?
કર્મચારીઓ માટે સારા સમાચાર એ છે કે ભલે જાહેરાત મોડી થાય, પરંતુ તેનો અમલ તો 1 જાન્યુઆરી 2026થી જ ગણવામાં આવશે. એટલે કે, જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થશે, ત્યારે કર્મચારીઓને જાન્યુઆરી 2026થી લઈને અમલીકરણની તારીખ સુધીનો તફાવત એટલે કે એરિયર્સ (Arrears) એકસાથે ચૂકવવામાં આવશે. જોકે, આ રકમ ઈન્કમ ટેક્સના દાયરામાં આવશે તે ધ્યાન રાખવું જરૂરી છે.
ફિટમેન્ટ ફેક્ટર અને પગારમાં ઉછાળો
8માં પગાર પંચમાં સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) ની છે. જો સરકાર ફિટમેન્ટ ફેક્ટરને 1.92 થી 2.15 ની વચ્ચે રાખે છે, તો કર્મચારીઓના બેઝિક પગારમાં મોટો ઉછાળો આવશે. આ ફેરફારથી નીચલા સ્તરના કર્મચારીઓને સૌથી વધુ આર્થિક ફાયદો થવાની ધારણા છે.
DA મર્જર અંગેની શક્યતા
મોંઘવારી ભથ્થું (DA) વર્ષ 2026 સુધીમાં 70% સુધી પહોંચી શકે છે તેવો અંદાજ છે. જો આવું થાય, તો નિયમ મુજબ મોંઘવારી ભથ્થાને મૂળ પગાર (Basic Salary) માં મર્જ કરવામાં આવી શકે છે. આનાથી કર્મચારીઓના HRA અને અન્ય ભથ્થાઓમાં પણ આપોઆપ વધારો થઈ જશે.
ટૂંકમાં, જાન્યુઆરીના પગારમાં સીધો વધારો નહીં દેખાય, પરંતુ ભવિષ્યમાં કર્મચારીઓને મોટી રકમનું એરિયર્સ મળવાનું નક્કી છે.












Click it and Unblock the Notifications
