સસ્તા ઘર : બેંકો ઇન્ફ્રા બોન્ડ સામે 10 લાખની લોન આપી શકશે
નવી દિલ્હી, 29 નવેમ્બર : સસ્તા કે ઓછી કિંમત ધરાવતાં મકાનો માટેની લોનના નિયમોને હળવા બનાવવા રિઝર્વ બેન્કે તાજેતરમાં બેન્કો દ્વારા બહાર પડાતા લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ સામે રૂપિયા 10 લાખ સુધીની લોન આપવાની મંજૂરી આપી છે.
રિઝર્વ બેન્કે આ અંગે બહાર પાડેલા નોટિફિકેશનમાં જણાવ્યાં અનુસાર આ પ્રકારના બોન્ડ્સમાં રિટેલ રોકાણકારોને પ્રવાહિતતા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી બેન્કોને તેમના દ્વારા જારી કરાયેલા લોંગ-ટર્મ ઈન્ફ્રા બોન્ડ સામે વ્યક્તિગત રૂપિયા 10 લાખ સુધીની લોન આપવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે.

આ પ્રકારની લોનની મર્યાદા ઋણધારક દીઠ રૂપિયા 10 લાખ સુધીની હશે અને તેનો સમયગાળો બોન્ડના મેચ્યોરિટી સમય જેટલો રહેશે.
અન્ય બેન્કો દ્વારા જારી કરાયેલાં બોન્ડ્સ સામે બેન્કો લોન આપી નહીં શકે. બેન્કો દ્વારા લોંગ ટર્મ બોન્ડના માધ્યમથી ઉભાં કરેલા નાણાં જો આ પ્રકારના પ્રોજેક્ટ્સના ફંડિગ માટે ધિરવામાં આવતા હોય તો તેને રિઝર્વ બેન્ક દ્વારા અગાઉ સીઆરઆર અને એસએલઆર જેવા ફરજિયાત નિયમનમાંથી મુક્તિ આપી હતી.
રિઝર્વ બેન્કે એક નિર્દેશ જારી કરી બેન્કોને આ મુદ્દે ચોક્કસ નીતિ તૈયાર કરી, યોગ્ય માર્જિન, લોનનો હેતુ અને સલામતીને લગતી અન્ય બાબતોને આવરી લેવા જણાવ્યું છે.
વર્ષ 2014-15ના કેન્દ્રીય બજેટમાં નાણાં મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને લાંબા ગાળાની લોન સરળતાથી અને ઝડપી ધોરણે ઉપલબ્ધ બને તે માટે સરકાર બેન્કોને પ્રોત્સાહન આપશે. જુલાઈમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે એફોર્ડેબલ હાઉસિંગ અર્થતંત્ર માટે મહત્વ ધરાવતું એવું ક્ષેત્ર છે જે માટે લાંબા ગાળાનું ભંડોળ આવશ્યક છે.
આ ક્ષેત્રને ભંડોળ ઉપલબ્ધ બનાવવા માટે બેન્કો લાંબા ગાળા માટે નાણાં ઉભાં કરી શકે તે માટે રિઝર્વ બેન્ક યોગ્ય પગલાં હાથ ધરશે. આ નિર્ણયને કારણે વૃદ્ધિ અને સ્થિરતા વધવાની સાથે સાથે જ કિફાયતી મકાનોના પુરવઠામાં પણ વધારો થશે.












Click it and Unblock the Notifications
