ધ્યાન રાખજો : જાન્યુઆરી 2015માં બેંકો 11 દિવસ બંધ રહેવાની છે
નવી દિલ્હી, 23 ડિસેમ્બર : આપ નવા વર્ષના પ્રથમ મહિનામાં રજાના મુડમાં હોવ અને ઓચિંતા બેંકિંગ વ્યવહાર કરવાના આવશે તો આપ મુશ્કેલીમાં મુકાઇ શકો છો. કારણ કે દેશની મોટા બાગની બેંકોમાં જાન્યુઆરી 2015માં 31 દિવસમાંથી 11 દિવસ કામકાજ બંધ રહેવાનું છે. રજાના 11 દિવસોમાં બેંકોની 5 દિવસની હડતાલનો પણ સમાવેશ થાય છે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ નિર્ણય લીધો છે કે તેઓ તેમના પગાર વધારા અને અન્ય માંગણીઓ માટે જાન્યુઆરીમાં 5 દિવસની હડતાલ રાખશે.

નોંધનીય છે કે વેતન વધારાના મુદ્દે છેલ્લાં બે વર્ષથી પડતર રહેલી માંગણીઓના ઉકેલ મુદ્દે બેન્ક યુનિયન દ્વારા આગામી હડતાલ અંગેની તારીખ જાહેર કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી તારીખ મુજબ બેન્ક યુનિયનની તારીખ અનુસાર 7મી જાન્યુઆરી એક દિવસીય હડતાળ, ત્યારબાદ 21થી 24 જાન્યુઆરી સુધી ચાર દિવસની હડતાળ રહેશે.
આમ જાન્યુઆરી 2015માં 31 દિવસમાંથી 11 દિવસ બેન્કમાં રજા રહેશે. જેમાં 6 દિવસ સતત બેન્ક બંધ રહેશે. કારણ કે 21થી 24 જાન્યુઆરી બુધવારથી શનિવાર છે. અને ત્યાર બાદ 25મી જાન્યુઆરીએ રવિવાર અને સોમવારે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની રજા રહેશે.
આમ જાન્યુઆરીમાં કુલ 6 દિવસ સળંગ રજા રહેવાથી વેપારીઓ અને સામાન્ય જનતાને રીતસરની ભારે મુશ્કેલી નડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. જેમાં કરોડો રૂપિયાના વહેવારો પણ ઠપ્પ થઇ જશે.
આ હડતાળમાં ગુજરાતની 27 સરકારી તથા પાંચ ખાનગી બેન્કના મળીને કુલ 32 બેન્કની 5 હજાર બ્રાન્ચના 45 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાશે.












Click it and Unblock the Notifications
