
પૈસા બચાવવાની 10 રીત, આ રીતે બનો પૈસાદાર
નોકરિયાત લોકો પાસેથી તમે હંમેશા એક વાત સાંભળી હશે, 'યાર 1 તારીખે પૈસા આવે છે અ 10 તારીખ સુધીમાં પાછા ઠન ઠન ગોપાલ.’ ભલે આ વાત તેઓ મજાકમાં કહેતા હોય, પરંતુ મોટા ભાગે એ વાત સાચી છે કે નોકરિયાત વર્ગ પાસે મહિનાના અંત સુધીમાં પૈસા નથી બચતા. તેમને કાં તો ઉધાર લેવું પડે છે, નહીં તો પછી ક્રેડિટ કાર્ડથી કામ ચલાવવું પડે છે. એટલે જ તમારે 'જરૂરી જરૂરિયાતો’નું ધ્યાન રાખીને ખર્ચ કરવો જોઈએ. ગુજરાતીમાં કહેવત છે કે 'ટીપે ટીપે સરોવર ભરાય’ એટલે કે જો તમે નાની રકમથી બચતની શરૂઆત કરશો તો સમય જતા તે મોટી બનશે. સ્માર્ટ લોકો હંમેશા પોતાની આવક અને ખર્ચને બેલેન્સ રાખે છે અને તેમાંથી બચત પણ કરે છે. તમે કેટલા પૈસા કમાવ છો તે મહત્વનું નથી, મહત્વનું એ છે કે તમે કોઈ મુશ્કેલી વગર કેટલી બચત કરો છો.

કેવી રીતે કરવી બચતની શરૂઆત
આમ તો આપણને બાળપણથી જ બચત કરવાનું શીખવવામાં આવે છે, પરંતુ તેમ છતાંય કેટલીકવાર આપણે આ આદત જાળવી નથી શક્તા. બચત કરવા માટે પહેલા તો કોઈ પણ ચીજવસ્તુને લઈ પોતાનું બજેટ નક્કી કરો, પોતાના ખર્ચની યોજના બનાવો, એક ડાયરી બનાવો અને જો તમે ટેક્નોસોવી હો, તો એવી એપ્લીકેશનની મદદ લો, જે તમારા ખર્ચ પર નજર રાખવામાં મદદ કરે. સામાન્ય રીતે આપણે નાના નાના ખર્ચા પર ધ્યાન નથી આપતા, પરંતુ આ જ ખર્ચ પછી મોટા બની જાય છે.

કરિયાણાનું બજેટ
ખરીદી કરતા પહેલા પોતાનું બજેટ બનાવો અને શું ખરીદવાનું છે તેની યાદી બનાવો, નહીં તો તમે વધારાની ચીજવસ્તુઓ પણ ખરીદશો. લિસ્ટ બનાવવાથી તમને કામ વગરની ચીજવસ્તુ નહીં ખરીદવામાં મદદ થશે. જો કે, લિસ્ટ બનાવતા સમયે આવનાર તહેવારો અને મહેમાનોને જરૂર ધ્યાનમાં રાખો.

ઑનલાઈન અને ઑફલાઈન કિંમતોની સરખામણી કરો
ઑનલાઈન ઑફલાઈન કિંમતોમાં ફરક હોય છે. જે ચીજવસ્તુ તમે ખરીદવા ઈચ્છો છો તેના ભાવની સરખામણી કરો અને ચકાસો કે ક્યાં વધુ સસ્તુ મળી શકે તેમ છે. કિમતની સાથે સાથે જે તે ચીજવસ્તુના ઑનલાઈન રિવ્યુ પણ જુઓ, દાખતા તરીકે તમે મોબાઈલ ખરીદવા ઈચ્છતા હોય, તો જે તે મોડલનો ઑનલાઈન રિવ્યુ જોઈ લો.

દવાઓ પર બચત કરો
દવાઓ મેડ પ્લસ કે પછી અપોલો ફાર્મસીમાંથી ખરીદવાનો આગ્રહ રાખો, કારણ કે અહીં બિલ પર ડિસ્કાઉન્ટ મળે છે. આ ફાર્મસીમાંથી દવા ખરીદવાનો બીજો ફાયદો એ છ કે તમે દવા વિશે વધુ જાણકારી મેળવી શકો છો, અને જો તમને કોઈ લોગ ઈન આઈડી અપાયું છે તો તમે દવાનું લિસ્ટ ડાઉનલોડ પણ કરી શકો છો. જે તમને ટેક્સ બચાવવામાં કામ લાગશે.

શોખ પૂરા કરવાની પણ યોજના બનાવો
જો તમે વેકેશન પર જવા ઈચ્છતા હો, કે પછી ડિનર કે મૂવીનું પ્લાનિંગ હોય, તો ઉત્સાહમાં આવીને વધુ ખર્ચ ન કરી નાખો. પહેલા જુદી જુદી વેબસાઈટ પર જોઈને રેસ્ટોરાંમાં મળતા ડિસ્કાઉન્ટ તપાસો. મૂવી ટિકિટ બુક કરતા પહેલા ઓપરેટરને ઓફર કે પછી કોઈ કાર્ડ પર મળતા ડિસ્કાઉન્ટ વિશે જાણો. કારણ કે બેન્કો અને થિયેટર વચ્ચે જો ટાઈ અપ હોય, તો તમને ફાયદો થઈ શકે છે.

ઓફર્સ છે કે નહીં તે ચેક કરો
જો તમે કોઈ મોટી ચીજવસ્તુ ખરીદવા ઈચ્છતા હો, તો તહેવારની રાહ જુઓ. કારણ કે તહેવારો સમયે મોટું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. જેમ કે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ વેચતી કંપનીઓ તહેવારો સમયે ખાસ ઑફર રાખે છે, જેમાં એક્સચેન્જ ઑફર પણ હોય છે.

બિનજરૂરી ચીજવસ્તુ વેચી નાખો
પૈસા કમાવાની આ સહેલી રીત છે. તમે બિનજરૂરી ચીજવસ્તુઓ વેચીને પૈસા કમાઈ શકો છો. જો કે આ ચીજો વેચવા માટે ઈચ્છા જરૂરી છે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરો
જી હાં, આ સલાહ દરેક વ્યક્તિ આપે છે. જો તમને આમ કરવું અઘરું લાગતું હોય તો ઓછી લિમિટવાળું ક્રેડિટકાર્ડ વાપરો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરવાનો ઉદ્દેશ્ય બિનજરૂરી ખીદીથી બચવાનો છે. કાર્ડનો ઉપયોગ ત્યાંજ કરો જ્યાં સરચાર્જ ન લાગતો હોય.

લક્ઝરી વસ્તુઓનો ઉપયોગ ટાળો
જ્યારે પણ શક્ય હોય ત્યારે કારના બદલે બાઈકનો ઉપયોગ કરો. આવા નાના નાના ઉપાયોથી પેટ્રોલ પર થતો ખર્ચ ઓછો થશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.

પૈસાને પડ્યા ન રહેવા દો
પોતાના પૈસાનો ઉપયોગ કરો, પોતાની બચતનું રોકાણ કરો. કહેવાય છે કે પૈસો પૈસાને ખેંચ છે. એટલે જ તમારી બચનું રોકાણ કરો. કેટલીક બેન્કોમાં ઓટો સ્વીપની સુવિધા હોય છે જેમાં જો તમારા ખાતામાં રકમ ચોક્કસ મર્યાદાથી વધી જાય તો તે આપોઆપ ફિક્સ્ડ ડિપોઝિટ બની જાય છે. જેને કારણે એફડી પર મળતા વ્યાજનો લાભ મળે છે.