GST on UPI transactions : 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? જાણો શું કહ્યું સરકારે?
GST on UPI transactions : સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને નકારતાં ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર GST લાગુ કરવાની કોઈ યોજના નથી.
નાણા મંત્રાલયે આ દાવાઓને સંપૂર્ણ ખોટા, ભ્રામક અને આધાર વગરના ગણાવ્યા છે. આ નિવેદનથી યુપીઆઈ યુઝર્સ અને ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યક્તિગત વપરાશકર્તાઓને રાહત મળી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) દ્વારા જાન્યુઆરી 2020થી પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) દૂર કરવામાં આવ્યો છે.
નાણા મંત્રાલયે જણાવ્યું કે જ્યાં સુધી MDR લાગુ નથી ત્યાં સુધી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર GST લાગવાનો પ્રશ્ન જ નથી. આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર ચાલતી ખોટી માહિતીના જવાબમાં આવી છે, જેનાથી યુઝર્સમાં ગેરસમજ ફેલાઈ હતી.
સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે યુપીઆઈને પ્રાથમિકતા આપી છે. 2021-22થી ચાલતી એક ખાસ પ્રોત્સાહન યોજના હેઠળ નાના વેપારીઓને લો-વેલ્યુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે સબસિડી આપવામાં આવે છે.
આ યોજના હેઠળ 2022-23માં 2210 કરોડ રૂપિયા અને 2023-24માં 3631 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પગલાંથી નાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટ અપનાવવામાં મદદ મળી છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના આંકડા અનુસાર, માર્ચ 2025માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 24.77 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 25%નો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ દેશમાં ડિજિટલ પેમેન્ટની વધતી લોકપ્રિયતાને દર્શાવે છે.
સરકારે યુપીઆઈને ગામડાઓથી લઈ શહેરો સુધી લોકોના જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સ્પષ્ટતાથી યુઝર્સમાં વિશ્વાસ વધશે અને ડિજિટલ ઈન્ડિયાના લક્ષ્યને વેગ મળશે.












Click it and Unblock the Notifications
